હેમંત સોરેન જેલમાં જાય તો પત્ની કલ્પના ઝારખંડના સીએમ બનશે
- ઝારખંડમાં લાલુ-રાબડી મોડલની અટકળો
- જોકે આ નિર્ણયથી હેમંતના નારાજ ભાભી સીતા સોરેન અવરોધ ઉભા કરે તેવી શક્યતા
રાંચી : ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન પોતાના પત્ની કલ્પનાને રાજ્યના મુખ્યમંત્રી બનાવશે તેવી અટકળો ચર્ચામાં છે. સત્તાધારી ઝારખંડ મુક્તિ મોરચાના એક ધારાસભ્ય સરફરાઝ અહમદ પાસેથી રાજીનામુ લઇ લેવામાં આવ્યું છે. જે પાછળનું કારણ હેમંત સોરેનના પત્નીને આગળ કરવાનું છે તેમ ભાજપે દાવો કર્યો છે.
ભાજપનો દાવો છે કે જો હેમંત સોરેનની વિવિધ કેસોમાં ધરપકડ કરવામાં આવે તો તેમના પત્ની કલ્પના ભાવિ મુખ્યમંત્રી બની શકે છે. હેમંત સોરેન બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવી મોડલ અપનાવવા જઇ રહ્યા છે. લાલુ સામે જ્યારે કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે તેઓએ પોતાના પત્ની રાબડી દેવીને મુખ્યમંત્રી બનાવી દીધા હતા. જોકે ભાજપના આ દાવા અંગે ઝારખંડ મુક્તી મોરચા તેમજ મુખ્યમંત્રી હેમંત સોરેન દ્વારા કોઇ સ્પષ્ટતા નથી કરવામાં આવી.
ઇડીએ હેમંત સોરેનને કથિત જમીન કૌભાંડના કેસમાં સાત વખત સમન્સ પાઠવ્યા હતા, જેનો સમયગાળો પુરો થતાની સાથે જ પાર્ટીના નેતા સરફરાઝ અહમદે રાજીનામુ આપી દીધુ છે. સરફરાઝની બેઠક પર હવે કલ્પનાને ચૂંટણી લડાવવામાં આવશેે. જો કલ્પના મુખ્યમંત્રી બને તો બાદમાં છ મહિનાની અંદર તેણે વિધાનસભાની ચૂંટણી જીતવી ફરજિયાત છે. માટે અત્યારથી જ હેમંત સોરેન તૈયારી કરી રહ્યા છે. બુધવારે હેમંત સોરેને આ મુદ્દે એક મહત્વની બેઠક બોલાવી છે. જેમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવી શકે છે. જોકે હેમંત સોરેન પત્નીને આગળ કરે તો તેમના ભાભી સીતા સોરેન નારાજ થઇ શકે છે. સીતા સોરેન ઘણા સમયથી રાજકારણમાં સક્રિય છે. અને હેમંત સોરેનથી નારાજ હોવાના પણ અહેવાલો છે.