મુખ્યમંત્રી બનવાની સાથે આ ખાસ મંત્રાલય પણ ફડણવીસ જ રાખશે, શિંદેને હવે શું મળશે? જાણો
Maharashtra : મહારાષ્ટ્રમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી પછી આજે ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળી હતી. જેમાં દેવેન્દ્ર ફડણવીસને દળના નેતા અને રાજ્યના મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવી હતી. હવે ગુરુવારે ફડણવીસ મુખ્યમંત્રી પદના શપથ લેવા જઈ રહ્યા છે. જો કે કહેવામાં આવી રહ્યું છે કે શિંદે અને અજીત પવાર ડેપ્યુટી સીએમ બનશે. પરંતુ આ અંગે જહું સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. આ સ્થિતિમાં હવે ભાજપ ગૃહ મંત્રાલય પણ પોતાની પાસે રાખવા માંગે છે. હાલમાં આ અંગે સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. એવી ચર્ચાઓ સામે આવી હતી કે શિવસેના પ્રમુખ એકનાથ શિંદે પણ ગૃહ મંત્રાલય પોતાની પાસે રાખવા ઈચ્છે છે.
મંત્રાલયની વહેંચણી અંગે અસમંજસ
મહારાષ્ટ્રમાં મંત્રાલયોની વહેંચણી અંગેની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી. કહેવામાં આવી રહ્યું છે કે આને લઈને ભાજપ અને શિવસેના વચ્ચે મતભેદો વધારે છે. એવી પણ શક્યતાઓ છે કે બુધવારે ફડણવીસ અને શિંદેની મુલાકાત થઈ શકે છે. આ પહેલા બંને નેતાઓએ મંગળવારે સાંજે શિંદેના ઘરે બેઠક કરી હતી, જે લગભગ એક કલાક સુધી ચાલી હતી.
શું ફડણવીસ ગૃહ મંત્રાલય પોતાની પાસે રાખશે?
એક અહેવાલમાં સૂત્રોએ જણાવ્યું અનુસાર, ભાજપ ઈચ્છે છે કે ફડણવીસ ગૃહ મંત્રાલય પોતાની પાસે રાખે. ખાસ વાત એ છે કે તેઓ શિંદે સરકારમાં પણ આ જ મંત્રાલય સંભાળતા હતા. સૂત્રોએ એમ પણ જણાવ્યું કે શિંદેને શહેરી વિકાસ મંત્રાલય, અન્ય મંત્રાલય અને ડેપ્યુટી સીએમ પદની ઓફર કરવામાં આવી છે. હાલમાં આ નિર્ણયને લઈને શિવસેના પ્રમુખ તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.
ગૃહ મંત્રાલય મેળવવા શિંદે અડગ
એવું કહેવામાં આવી રહ્યું હતું કે શિંદે ગૃહ મંત્રાલય ઈચ્છે છે. પરંતુ તે નક્કી થઈ શક્યું નથી. એક મીડિયા રીપોર્ટ અનુસાર, જ્યારે શિંદેએ વર્ષ 2022માં ભાજપ સાથે ગઠબંધન કરી સરકાર બનાવી હતી. ત્યારે પણ તેમણે ગૃહ મંત્રાલય પોતાની પાસે રાખવા માંગતા હતા. પરંતુ ફડણવીસે ડેપ્યુટી સીએમની સાથે આ મંત્રાલય પોતાની પાસે રાખ્યો હતો. એવું કહેવામાં આવે છે કે વર્ષ 2019માં જ્યારે અવિભાજિત શિવસેનાએ મહાવિકાસ અઘાડી સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી. ત્યારે પણ શિંદેએ ગૃહ મંત્રાલય માટે આગ્રહ કર્યો હતો. પરંતુ તે પછી ગૃહ મંત્રાલય અવિભાજિત રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ને આપી દેવામાં આવ્યું હતું. તેથી કહેવાઈ રહ્યું છે કે આ વખતે શિંદે કોઈપણ ભોગે ગૃહ મંત્રાલય પોતાની પાસેથી જવા દેશે નહી.