Get The App

ધર્માંતરણ નહીં રોકાય તો બહુમતી પણ બની જશે લઘુમતી: હાઇકોર્ટની ટિપ્પણી

Updated: Jul 2nd, 2024


Google NewsGoogle News
ધર્માંતરણ નહીં રોકાય તો બહુમતી પણ બની જશે લઘુમતી: હાઇકોર્ટની ટિપ્પણી 1 - image


Image Source: Twitter

Allahabad High Court on Conversion: ઉત્તર પ્રદેશમાં ધર્માંતરણ અંગે અલ્લાહાબાદ હાઈકોર્ટે ખૂબ જ ગંભીર ટિપ્પણી કરી છે. કોર્ટે ખ્રિસ્તી ધર્મમાં સતત થઈ રહેલા ધર્માંતરણને અંગે કહ્યું કે આ ધર્માંતરણ સમગ્ર રાજ્યમાં ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. જો આમ જ ચાલતું રહ્યું તો એક સમય એવો આવશે જ્યારે બહુમતી પણ લઘુમતી બની જશે.

હાઈકોર્ટે આ મુદ્દે કહ્યું કે ધર્માંતરણ કરાવતી ધાર્મિક સભાઓ પર તાત્કાલિક રોક લગાવવી જોઈએ. આવા આયોજન બંધારણની કલમ 25 હેઠળ ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર વિરુદ્ધ છે. આ કલમ કોઈપણ વ્યક્તિને ધર્મને માનવા અને પૂજા કરવાની સાથે-સાથે પોતાના ધર્મનો પ્રચાર કરવાની સ્વતંત્રતા આપે છે.

જામીન અરજી ફગાવી દીધી

એક મામલે દાખલ કરવામાં આવેલી જામીન અરજીને ફગાવી દેતા હાઈકોર્ટે કહ્યું કે ધર્મ પ્રચારની સ્વતંત્રતા કોઈને પણ ધર્માંતરણ કરાવવાની મંજૂરી નથી આપતી. ઉત્તર પ્રદેશમાં ધાર્મિક આયોજનોના માધ્યમથી નિર્દોષ ગરીબ લોકોને ગેરમાર્ગે દોરીને તેમને ખ્રિસ્તી બનાવવામાં આવી રહ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આવી સ્થિતિમાં ધર્માંતરણના આરોપની ગંભીરતાને જોતા અરજદારને જામીન પર મુક્ત ન કરી શકાય.

જામીન અરજી ફગાવી દેવાનો આદેશ આપનાર જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની બેંચે આ મામલે મોટી ટિપ્પણી કરી છે. કોર્ટે હિન્દુઓને ખ્રિસ્તી બનાવવાના આરોપી અને મૌદહા હમીરપુરના રહેવાસી કૈલાશની જામીન અરજી ફગાવી દીધી. કોર્ટે કહ્યું કે જામીન માગનાર વ્યક્તિ પર ગંભીર આરોપો છે. બંધારણ ધર્મના પ્રચારની મંજૂરી આપે છે પરંતુ ધર્માંતરણની નથી આપતું અને અરજદાર પર આરોપ છે કે, તેણે ગામના તમામ લોકોને ખ્રિસ્તી બનાવી દીધા છે.

શું છે ધર્માંતરણનો આ મામલો?

આ મામલે FIR રામકલિ પ્રજાપતિ દ્વારા દાખલ કરવામાં આવી હતી. તેમના જણાવ્યા પ્રમાણે કૈલાશ નામનો વ્યક્તિ મારા માનસિક રીતે બીમાર ભાઈને એક અઠવાડિયા માટે દિલ્હી લઈ ગયો હતો અને કહ્યું હતું કે તે તેની સારવાર કરાવ્યા બાદ તેને પાછો લઈ આવશે.

આરોપ એ છે કે તેનો ભાઈ લાંબા સમય સુધી પાછો ન આવ્યો અને જ્યારે તે આવ્યો ત્યારે તે ગામના ઘણા લોકોને દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં લઈ ગયો અને ત્યાં તેમને ખ્રિસ્તી બનાવી દીધા અને બદલામાં તેમને પૈસા પણ આપ્યા. આજે કોર્ટે આરોપીને જામીન આપવાનો સખત ઈનકાર કરી દીધો છે. 


Google NewsGoogle News