Get The App

'મોંઘવારી, બેરોજગારીથી લોકો કંટાળ્યાં, ભાજપ 400 બેઠક ક્યાંથી લાવશે..', ખડગેના PM પર સીધા પ્રહાર

Updated: May 25th, 2024


Google NewsGoogle News
'મોંઘવારી, બેરોજગારીથી લોકો કંટાળ્યાં, ભાજપ 400 બેઠક ક્યાંથી લાવશે..', ખડગેના PM પર સીધા પ્રહાર 1 - image


Lok Sabha Elections 2024 | લોકસભાની ચૂંટણીના છેલ્લાં બે તબક્કા બાકી રહ્યા છે. છઠ્ઠા તબક્કાના મતદાન માટે ગણતરીના કલાકો બાકી હતા ત્યારે ભાજપ-કોંગ્રેસે સામ-સામા જીતના દાવા કર્યા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપના ૪૦૦ બેઠકોના દાવા પર વ્યંગ કરતા કહ્યું હતું કે બધા રાજ્યોમાં ભાજપ હારે એવી સ્થિતિ છે તો પછી ભાજપને 400 બેઠકો મળશે ક્યા રાજ્યમાંથી? કોંગ્રેસ પ્રમુખે તો ત્યાં સુધી કહ્યું હતું કે દેશભરમાં ભાજપની સરકાર સામે લોકોની વ્યાપક નારાજગી છે. મતદારો ઈન્ડિયા ગઠબંધનને તક આપવાનો મિજાજ બનાવી ચૂક્યા છે.

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કલબુર્ગીમાં કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશભરમાં જઈને રેલી-સભાઓમાં 400 બેઠકોનો દાવો કરી રહ્યા છે, પરંતુ હકીકત એ છે કે બધા જ રાજ્યોમાં ભાજપને મોટો ફટકો પડવાનો છે. આવી સ્થિતિમાં 400 બેઠકો આવશે ક્યાંથી? લોકો મોંઘવારી, બેરોજગારીથી ત્રાહિમામ પોકારી ગયા છે. અગાઉ ક્યારેય ન હતી એટલી મોંઘવારી અત્યારે છે. અગાઉ ક્યારેય ન હતો એટલો બેરોજગારીનો દર અત્યારે છે. દેશભરમાં લોકો પરિવર્તન ઈચ્છે છે અને ઈન્ડિયા ગઠબંધનની સરકાર બનાવવાનું મન લોકોએ બનાવી લીધું છે. 

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે મતદાનના છઠ્ઠા તબક્કા પહેલાં ઈન્ડિયા ગઠબંધનની સરકાર બનશે એવો વિશ્વાસ વ્યક્ત કરવા સાથે વડાપ્રધાન મોદીને જવાબ આપ્યો હતો કે પરિણામ આવશે તેના ત્રણ જ દિવસમાં ઈન્ડિયા ગઠબંધન વડાપ્રધાનનું નામ જાહેર કરી દેશે. એટલું જ નહીં, એક જ વડાપ્રધાન પાંચ વર્ષ સુધી રહેશે. વડાપ્રધાન મોદી ઈન્ડિયા ગઠબંધનને ઘેરતા વારંવાર કહે છે કે ઈન્ડિયા ગઠબંધને વડાપ્રધાન પદના ઉમેદવાર માટે એવી ફોર્મ્યુલા બનાવી છે કે પાંચ વર્ષમાં પાંચ વડાપ્રધાનો આવશે અને તેના કારણે દેશને સ્થિર સરકાર મળશે નહીં. જયરામ રમેશે એ આરોપનો જવાબ આપ્યો હતો.

કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી અને ડિમ્પલ યાદવે વારાણસીમાં સંયુક્ત રેલી યોજી હતી. આ રેલીમાં કોંગ્રેસ-સપાના કાર્યકરો ઉમટી પડયા હતા અને ભારે જનમેદની ઉભરાઈ હોવાનો દાવો કોંગ્રેસે કર્યો હતો. દુર્ગાકુંડ મંદિરેથી રેલી શરૂ થઈ હતી અને રવિદાસ મંદિરે રેલી પૂરી કરવામાં આવી હતી. રસપ્રદ બાબત એ હતી કે વચ્ચે બનારસ હિન્દુ યુનિવર્સિટીના સિંહ દ્વારે રોકાઈને પ્રિયંકા અને ડિમ્પલે પંડિત મદન મોહન માલવિયાની મૂર્તિને માળા પહેરાવી હતી.

પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ દિલ્હીના મતદાન પહેલાં કહ્યું હતું કે દિલ્હીની તમામ સાત બેઠકો ઈન્ડિયા ગઠબંધન જીતશે. ભાજપને દિલ્હીમાં એક પણ બેઠક મળશે નહીં.


Google NewsGoogle News