બંગાળ સળગાવ્યું તો આગ દિલ્હી સુધી પહોંચશે : મમતાની ભાજપને ધમકી

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
બંગાળ સળગાવ્યું તો આગ દિલ્હી સુધી પહોંચશે : મમતાની ભાજપને ધમકી 1 - image


- ભાજપના બંગાળ બંધને હિંસાની ઘટનાઓ વચ્ચે મિશ્ર પ્રતિસાદ

- બળાત્કારીને ફાંસી માટે બંગાળ કાયદામાં સુધારા કરશે, બિલને મંજૂરી ના મળી રાજ ભવન સામે ધરણા કરીશ : મમતા

કોલકાતા : કોલકાતાની હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર પર બળાત્કાર બાદ હત્યાની ઘટનાને લઇને પશ્ચિમ બંગાળનું રાજકારણ હાલ ચર્ચામાં આવ્યું છે. રાજકીય પક્ષો એકબીજા પર આરોપો લગાવી રહ્યા છે. ભાજપે બંગાળ બંધનું એલાન કર્યું અને ટીએમસી પર આરોપો લગાવ્યા જેના જવાબમાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ ખુલ્લી ચેતવણી આપી છે. મમતાએ કહ્યું છે કે યાદ રાખજો જો બંગાળ સળગ્યું તો આસામ, બિહાર, ઝારખંડ, ઓડિશા અને દિલ્હી પણ ચુપ નહીં રહે. સાથે જ મમતાએ સીબીઆઇની તપાસ પર પણ સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે ઘટનાને આટલા દિવસો વીતી ગયા, ન્યાય ક્યાં છે?

કોલકાતામાં ટીએમસીના વિદ્યાર્થી સંગઠનના સ્થાપના દિનના કાર્યક્રમને સંબોધતા મમતાએ આરોપ લગાવ્યો હતો કે ભાજપ પશ્ચિમ બંગાળને સળગાવવા માગે છે. તેમણે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધતા ચેતવણી આપી હતી કે જો બંગાળને સળગાવવામાં આવ્યું તો આસામ, ઉત્તરપૂર્વ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા અને દિલ્હી પણ સળગશે, અમે કુરશી પાડી નાખીશું. મમતા બેનરજીના આ નિવેદનથી બાદમાં આસામના મુખ્યમંત્રી હેમંતા બિસવા સર્મા ભડક્યા હતા. તેમણે વળતો જવાબ આપતા કહ્યું હતું કે આસામને ધમકી આપવાની દીદી તમારી હિમ્મત કેવી રીતે થઇ? અમને લાલ આંખો ના દેખાડો, તમારી અસફળતાના રાજકારણથી ભારતને સળગાવવાનો પ્રયાસ પણ ના કરશો. જ્યારે કેન્દ્રીય મંત્રી અને બંગાળમાં ભાજપ અધ્યક્ષ સુકાંત મજૂમદારે કહ્યું હતું કે મમતાની આ ભાષા બંધારણી પદ પર બેઠેલા કોઇ વ્યક્તિની નહીં પણ રાષ્ટ્ર વિરોધી માનસિકતાવાળી વ્યક્તિની લાગી રહી છે. 

કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર પર રેપ અને હત્યાની ઘટનાને પગલે પીડિતાને ન્યાય માટે મંગળવારે કોલકાતાથી સચિવાયલ સુધી રેલી યોજાઇ હતી જેમાં મમતા બેનરજીના રાજીનામાની માગ કરાઇ હતી, આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ભારે હિંસા થઇ હતી, ભાજપે બુધવારે બંગાળ બંધ બોલાવ્યું હતું. જોકે મમતાએ બંધ નહીં પાળવાની ચેતવણી આપી હતી. કોલકાતામાં બંધ દરમિયાન પોલીસે ૬૪ લોકોની અટકાયત કરી હતી. કોલકાતામાં પોલીસે હેરિકેડ્સ ખડકી દીધા હતા, જોકે ભાજપના કાર્યકર્તાઓએ તેને હટાવી લીધા હતા. આ દરમિયાન પોલીસ અને ભાજપ સમર્થકો વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. ભાજપના બંગાળ બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. કેટલાક સ્થળોએ પોલીસ અને ટીએમસીના સમર્થકો સાથે ભાજપના સમર્થકોનું ઘર્ષણ થયું હતું અને હિંસાની ઘટનાઓ પણ સામે આવી હતી. જ્યારે ભાજપના બંગાળ બંધને ગેરકાયદે જાહેર કરવાની માગ કરતી એક જાહેર હિતની અરજી હાઇકોર્ટમાં થઇ હતી, સંજોય દાસે કરેલી આ અરજીને હાઇકોર્ટે ફગાવી દીધી હતી. અગાઉની એક વાંધાજનક અરજીને કારણે સંજોય દાસને અરજીઓ કરતા અટકાવાયા હોવાથી તેમની આ પીઆઇએલ ફગાવાઇ હતી. રોસ્ટરના તે મામલામાં કોર્ટે દાસને ૫૦ હજારનો દંડ પણ કર્યો હતો.   

દરમિયાન મમતા બેનરજીએ ભાજપ પર બંગાળને સળગાવવાના પ્રયાસનો આરોપ લગાવ્યો હતો. મમતાએ પણ ભાજપ સામે મોરચો ખોલ્યો હતો, તેમણે કહ્યું હતું કે હું પીડિત ડોક્ટરના પરિવારને મળી હતી અને પાંચ જ દિવસમાં ન્યાયની ખાતરી આપી હતી. જોકે સમગ્ર તપાસ સીબીઆઇને સોંપી દેવામાં આવી, તપાસને ૧૬ દિવસ પસાર થઇ ગયા, ન્યાય ક્યાં છે? પશ્ચિમ બંગાળ સરકાર બળાત્કારીને ફાંસી મળે તે માટે કાયદામાં સુધારા માટે બિલ લાવશે. જો આ બિલને રાજ્યપાલ મંજૂરી નહીં આપે તો હું ખુદ રાજભવનની સામે ધરણા પર બેઠીશ. શનિવારથી સમગ્ર બંગાળમાં ટીએમસી આ માટે કેમ્પેઇન ચલાવશે અને બિલને મંજૂરી આપવા માટે કેન્દ્ર સરકાર પર દબાણ વધારશે. આગામી સપ્તાહે આ બિલને બંગાળ વિધાનસભામાં વિશેષ સત્ર દરમિયાન રજુ કરવાની મમતાએ ખાતરી આપી હતી. બીજી તરફ રેપ અને હત્યાની ઘટના સામે આવી તે આરજી કર હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ સામે ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે, એવામાં ઇન્ડિયન મેડિકલ અસોસિએશને સંદીપ ઘોષનું સભ્યપદ સસ્પેન્ડ કરી દીધુ છે.   


Google NewsGoogle News