એજન્સીઓ ધમકી આપે છે કે ભાજપમાં નહીં જોડાઓ તો આવી બનશે ઃ મમતા
- સીબીઆઇ, ઇડી, એનઆઇએ ભાજપના હાથા : મુખ્યમંત્રી
- મોદીના જુઠ્ઠાણાથી થાકી ગયેલી જનતા ચાર જૂન પછી તેમને લાંબી રજા પર મોકલવાની છે ઃ કોંગ્રેસનો દાવો
- ભાજપ હિંસા કરાવે પછી એજન્સીઓને કામે લગાવે છે, રામ હિંસા કરવાનું નથી કહેતા ઃ મમતાનો આરોપ
કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું છે કે કેન્દ્રીય એજન્સીઓ જેવી કે સીબીઆઇ, ઇડી વગેરે ટીએમસીના નેતાઓને ધમકાવી રહી છે કે ભાજપમાં જોડાઇ જાવ નહીં તો આકરા પરિણામ ભોગવવા માટે તૈયાર રહો. બંગાળના પુરુલિયામાં રેલીને સંબોધતા મમતાએ કહ્યું હતું કે મમતાએ કહ્યું હતું કે ઇડી, સીબીઆઇ, એનઆઇએ, આઇટી વિભાગ ભાજપના હાથા બનીને કામ કરી રહ્યા છે. આ એજન્સીઓનો ઉપયોગ વિપક્ષ ટીએમસીના નેતાઓને પરેશાન કરવા માટે કરાઇ રહ્યો છે.
મમતાએ એજન્સીઓ સામે પણ મોરચો ખોલ્યો હતો, તેમણે કહ્યું હતું કે કેન્દ્રીય એજન્સીઓ કોઇ પણ પ્રકારની માહિતી આપ્યા વગર દરોડા પાડી રહી છે. લોકોના ઘરોમાં ઘૂસી રહી છે. મધરાતે જ્યારે ઘરના તમામ લોકો ઉંઘી રહ્યા હોય ત્યારે એજન્સીના અધિકારીઓ કોઇના ઘરમાં ઘૂસી જાય ત્યારે મહિલાઓ શું કરે? બંગાળના ભુપતિનગરમાં એનઆઇએની ટીમ આરોપીઓની ધરપકડ કરવા ગઇ ત્યારે અધિકારીઓ પર સ્થાનિકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેને ટાંકીને મમતાએ એજન્સીઓ પર જ આરોપો લગાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે આ એજન્સીના અધિકારીઓ ટીએમસીના નેતાઓને કહી રહ્યા છે કે ભાજપમાં જોડાઇ જાવ નહીં તો આકરા પરિણામ ભોગવવા માટે તૈયાર રહો.
મમતાએ આરોપ લગાવ્યો હતો કે ભાજપ કોમવાદ ભડકાવવા માગે છે. હું તેમને વિનંતી કરવા માગુ છું કે લોકસભાની ચૂંટણીઓની રેલીઓ યોજો પણ હિંસા ના ભડકાવો, ભગવાન રામ હિંસા ભડકાવવાનું નથી કહેતા. પહેલા ભાજપ હિંસા ભડકાવશે પછી એનઆઇએને લાવશે. બીજી તરફ કોંગ્રેસે વડાપ્રધાન મોદીને વળતો જવાબ આપ્યો હતો, મોદીએ દાવો કર્યો હતો કે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં મુસ્લિમ લીગની છાપ છે. જેના જવાબમાં કોંગ્રેસે કહ્યું હતું કે અમારા ચૂંટણી ઢંઢેરામાં અમે આપેલા વચનો કે ગેરંટીથી મોદી પરેશાન છે તેથી પાયા વિહોણા આરોપો લગાવી રહ્યા છે. ચાર જુન(ચૂંટણી પરિણામ) બાદ નરેન્દ્ર મોદીએ લાંબી રજા પર જવાનું છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું હતું કે મોદીના જુઠ્ઠાણાથી દેશની જનતા થાકી ગઇ છે, ચાર જુન બાદ મોદીએ લાંબી રજા પર ઉતરી જવાનું છે. જે ભારતની જનતાની મોદીને ગેરંટી છે.