પીડિતા સાથે લગ્ન કરી લેવાથી શું પોક્સોનો કેસ રદ થઈ શકે? હાઈકોર્ટે આ મામલે કરી મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
આરોપીએ પીડિતા સાથે લગ્ન કરવાનો હવાલો આપી રાહતની માગ કરી
કોર્ટે કહ્યું કે એફઆઈઆરમાં નોંધાયેલો ગુનો સમાજ વિરુદ્ધ છે
High Court on Pocso Act: જો આરોપી પીડિતા સાથે લગ્ન કરી લે તો શું પોક્સોનો કેસ ખતમ કરી શકાય છે? આ મુદ્દે હિમાચલ પ્રદેશની હાઈકોર્ટની મોટી બેન્ચ હવે આ મામલે નિર્ણય કરવાની છે. હિમાચલ પ્રદેશ હાઈકોર્ટે તાજેતરમાં એક વ્યક્તિ સામે જાતીય સતામણીથી બાળકોને સુરક્ષા આપતા એક્ટ (પોક્સો એક્ટ) હેઠળ એક કેસને રદ કરવાનો ઈનકાર કરી દીધો હતો.
આરોપીએ શું કહ્યું હતું કોર્ટમાં?
આ કેસમાં આરોપીએ પીડિતા સાથે લગ્ન કરવાનો હવાલો આપી રાહતની માગ કરી હતી. જસ્ટિસ વીરેન્દ્ર સિંહે આ પ્રકારના કેસમાં હાઈકોર્ટની સમન્વિત બેન્ચ તરફથી કેસને રદ કરવાના નિર્ણય સામે અસંમતિ વ્યક્ત કરી હતી. તેમણે આ મુદ્દે નિર્ણય માટે મોટી બેન્ચની રચના કરવા માટે કેસને મુખ્ય ન્યાયાધીશ સમક્ષ મોકલી દીધો હતો.
કોર્ટે કરી મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
કોર્ટે કહ્યું કે એફઆઈઆરમાં નોંધાયેલો ગુનો સમાજ વિરુદ્ધ છે અને એટલા માટે જ કાર્યવાહી ચાલુ રખાશે. કોર્ટને તેનાથી પુરાવાઓના આધારે સત્યની જાણ થઈ શકશે. જસ્ટિસ સિંહે બંને પક્ષો વચ્ચે થયેલી સમજૂતીને ફગાવતાં કહ્યું કે આ પ્રકારની સમજૂતીને સ્વીકારી લેવાથી ગુનેગારોને આવા કૃત્યો કરવા માટે પ્રોત્સાહન મળશે. તેનાથી પોક્સો જેવો વિશેષ કાયદો લાગુ કરવાનો ઉદ્દેશ્ય નિષ્ફળ થઈ જશે.
બંને પરિવારોની સંમતિથી લગ્ન થયા હતા
એફઆઈઆર પર સવાલ ઊઠાવતાં અરજદારે તર્ક આપ્યો કે ગુનેગારો બંને પરિવારોની સંમતિથી પીડિત બાળકી સાથે લગ્ન કરી લીધા હતા અને સમાધાન થઈ ગયું હતું. હવે પીડિત બાળકી અને તેના માતા-પિતાને કેસને આગળ વધારવામાં કોઈ રસ નથી. કોર્ટ સમક્ષ આ કેસને રદ કરવાની માગ કરવામાં આવી હતી.