જો કોઈ પાકિસ્તાનીનું બાળક ભારતમાં જન્મે તો તેને કયા દેશની નાગરિકતા મળશે?

જો ભારતમાં જન્મ ન થયો હોય તો પણ નોંધણી દ્વારા પણ દેશની નાગરિકતા મેળવી શકાય છે, જેના નિયમો હોય છે

ભારતીય મૂળના લોકો જો ઓછામાં ઓછા 7 વર્ષથી ભારતમાં રહે છે તો તેઓ અહીંની નાગરિકતા મેળવી શકે છે

Updated: Dec 19th, 2023


Google NewsGoogle News


જો કોઈ પાકિસ્તાનીનું બાળક ભારતમાં જન્મે તો તેને કયા દેશની નાગરિકતા મળશે? 1 - image

How to Get Indian Citizenship: દરેક દેશમાં તેની નાગરિકતા બાબતે અલગ અલગ નિયમો છે. તે મુજબ ભારતને પણ તેની નાગરિકતા માટે કેટલાક નિયમો અને કાયદાઓ છે, જેના આધારે વ્યક્તિ દેશની નાગરિકતા મેળવી શકે છે. પરંતુ હવે પ્રશ્ન એ થાય કે જો વિદેશી નાગરિકનો જન્મ ભારતમાં થાય છે તો તે ક્યા દેશનું નાગરિક કહેવાશે? જો તે દેશ પાકિસ્તાન કે બાંગ્લાદેશ હોય તો શું નિયમ અને કાયદાઓ છે? તો જાણીએ નાગરિકતા સંબંધિત નિયમો અને કાયદાઓ વિષે. 

નાગરિકતા એ આપણા દેશમાં તથા અન્ય દેશમાં નાગરિકોને આપવામાં આવેલા અધિકારો પૈકી સૌથી સામાન્ય અધિકાર છે. ભારતની નાગરિકતા ત્રણ પ્રક્રિયાથી મેળવી શકાય છે. જેમાં એક જન્મ આધારિત, બીજું રજીસ્ટ્રેશન એટલે કે નોંધણી દ્વારા અને ત્રીજું વંશ આધારે ભારતની નાગરિકતા મેળવી શકાય છે. 

જન્મ આધારિત નાગરિકતા

- ભારતીય કાયદા અનુસાર, 26 જાન્યુઆરી 1950 પછી અને 1 જુલાઈ 1987 પહેલા જન્મેલા લોકો, કે જેમનો જન્મ ભારતમાં થયો છે, તેઓ ભારતીય નાગરિક કહેવાશે. તેમાં પણ સૌથી મહત્વની વાત એ છે કે તેમના માતાપિતા ક્યાં દેશની નાગરિકતા ધરાવે છે, તે બાબતથી કોઈ ફેર પડતો નથી. 

- જ્યારે 1 જુલાઇ 1987 થી 2 ડિસેમ્બર 2004 વચ્ચે જન્મેલા લોકો, જેમના માતા-પિતા ભારતીય નાગરિક છે, તેઓ પણ ભારતીય નાગરિક જ કહેવાશે. 

- જ્યારે 3 ડિસેમ્બર, 2004 પછી જન્મેલ વ્યક્તિ, જેના માતા-પિતા બંને ભારતીય નાગરિક છે અથવા તો બંને માંથી કોઈ એક ભારતીય નાગરિક છે અને બીજો ગેરકાયદેસર સ્થળાંતરિત નથી, તો તે પણ ભારતીય નાગરિક જ કહેવાશે.

નોંધણી દ્વારા નાગરિકતા 

- રજીસ્ટ્રેશન એટલે કે નોંધણી કરાવીને પણ ભારતીય નાગરિકતા મેળવી શકાય છે. જે બાબતે અમુક નિયમો છે. 

- જેમકે જે વ્યક્તિ ભારતની નાગરિકતા મેળવવા માંગે છે તેને ઓછામાં ઓછા 7 વર્ષ ભારતમાં રહેવું પડે છે, તેમજ તે ભારતીય મૂળનો હોવો પણ જરૂરી છે. 

- આ સિવાય જે વ્યક્તિએ ભારતીય નાગરિક સાથે લગ્ન કર્યા છે. તેમજ તે વ્યક્તિને નાગરિકતાની નોંધણીની અરજી પહેલા ઓછામાં ઓછા 7 વર્ષ ભારતમાં રહેવું પડે છે. ત્યારબાદ જ તે નાગરિકતા માટે અરજી કરી શકે છે. 

 વંશ દ્વારા નાગરિકતા

- જેમનો જન્મ 26 જાન્યુઆરી 1950 પછી વિદેશમાં થયો હોય, પરંતુ તેમના માતાપિતા ભારતીય નાગરિક હોય તેમને વંશજ તરીકે ભારતીય નાગરિકતા મળે છે. 

- જેમનો જન્મ  10 ડિસેમ્બર 1992 પછી અને 3 ડિસેમ્બર 2004 પહેલા વિદેશમાં થયો હોય અને તેમના માતાપિતા ભારતીય મૂળના હોય તો પણ આ પધ્ધતિથી તેમને ભારતનું નાગરિકત્વ મળે છે.

- જે વ્યક્તિનો જન્મ 3 ડિસેમ્બર 2004 પછી થયો છે, પરંતુ તેમના માતાપિતાએ એવું જાહેર કર્યું છે કે બાળક પાસે કોઈ અન્ય દેશનો પાસપોર્ટ નથી તો અને તેઓ બાળકના જન્મના એક વર્ષની અંદર ભારતીય એમ્બસીમાં નોંધણી કરાવી શકે છે તો આ બાળકને ભારતની નાગરિકતા મળે છે. 

એટલે કે જો કોઈ પાકિસ્તાની નો જન્મ ભારતમાં થાય છે તો આ ત્રણ નિયમ માંથી કોઈપણના અંતર્ગત જો તેનો સમાવેશ ન થાય તો તેને ભારતની નાગરિકતા મળી શકે નહિ. 


Google NewsGoogle News