પ્રેમ પ્રકરણમાં નિષ્ફળ પ્રેમી આપઘાત કરે તો મહિલા દોષિત ન ગણાય, હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો
Image: Freepik
Delhi High Court: પ્રેમ સંબંધોને લઈને દિલ્હી હાઈકોર્ટે મહત્વની ટિપ્પણી કરી છે. એક કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે પ્રેમ પ્રકરણમાં નિષ્ફળ પ્રેમી આપઘાત કરે તો મહિલા દોષિત ન ગણાય. મૃતકે સુસાઈડ નોટ પણ લખી હતી, જેમાં મહિલા સિવાય એક અન્ય વ્યક્તિને પણ જવાબદાર ઠેરવવામાં આવી હતી.
હાઈકોર્ટમાં સુનાવણી કરી રહેલા જસ્ટિસ અમિત મહાજને કહ્યું કે જો કોઈ કમજોર માનસિકતા ધરાવતી વ્યક્તિ આવુ પગલુ ઉઠાવે તો તેના માટે કોઈ અન્ય વ્યક્તિને દોષી માની શકાશે નહીં. કોર્ટે કહ્યું, જો પ્રેમ પ્રકરણમાં નિષ્ફળ પ્રેમી આત્મહત્યા કરે, વિદ્યાર્થી પરીક્ષામાં ખરાબ પ્રદર્શન માટે આત્મહત્યા કરે, કેસ ફગાવ્યા બાદ જો કોઈ ક્લાઈન્ટ સુસાઈડ કરે તો મહિલા, સુપરવાઈઝર, વકીલને આત્મહત્યા માટે ઉશ્કેરવા માટે જવાબદાર માની શકાય નહીં.
કમજોર માનસિકતા ધરાવતી વ્યક્તિ તરફથી લેવામાં આવેલા નિર્ણયમાં બીજી વ્યક્તિને આત્મહત્યા માટે ઉશ્કેરવા માટે જવાબદાર ગણી શકાય નહીં. કોર્ટે મહિલા અને એક અન્ય પુરુષને આત્મહત્યા માટે ઉશ્કેરવાના મામલે આગોતરા જામીન આપી દીધા છે.
મામલો શું હતો
મૃતકના પિતા તરફથી કરવામાં આવેલી ફરિયાદના આધારે FIR નોંધવામાં આવી હતી. અરજદાર મહિલા સુસાઈડ કરનાર શખ્સની સાથે પ્રેમ સંબંધમાં હતી. જ્યારે બીજો અરજદાર તેનો કોમન મિત્ર હતો. આરોપ લગાવાયો હતો કે અરજી કર્તાઓએ મૃતકને એ કહીને ઉશ્કેર્યો હતો કે તેણે શારીરિક સંબંધ બનાવ્યા છે અને ટૂંક સમયમાં બંને લગ્ન કરવાના છે.
કોર્ટે કહ્યું કે વ્હોટ્સએપ ચેટ્સથી જાણ થાય છે કે મૃતક સંવેદનશીલ સ્વભાવનો હતો. વધુમાં કહ્યું કે જ્યારે પણ મહિલા વાત કરવાની ના પાડતી હતી ત્યારે તે તેને આત્મહત્યાની ધમકી આપીને ડરાવતો હતો. કોર્ટે એ પણ કહ્યું કે કથિત સુસાઈડ નોટના તથ્યને ટ્રાયલ દરમિયાન જોવામાં આવશે. સાથે જ એ પણ જોવામાં આવશે કે અરજદારની તરફથી કોઈ ઉશ્કેરણી કરવામાં આવી છે કે નહીં.