J&K: ડોડાથી રામબન જઈ રહેલી બસમાંથી IED જપ્ત કરાયુ
શ્રીનગર, તા. 25 નવેમ્બર 2022 શુક્રવાર
જમ્મુના રામબનમાં શુક્રવારે એક બસમાંથી મોટા પ્રમાણમાં IED જપ્ત થયુ છે. જાણકારી અનુસાર આ બસ ડોડાથી રામબન માટે જઈ રહી હતી. જેમાં શંકાસ્પદ વસ્તુ રાખવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન બસમાંથી શંકાસ્પદ પેકેટ મળ્યુ છે. તપાસ દરમિયાન સામે આવ્યુ કે આ પેકેટમાં IED રાખેલુ હતુ. બોમ્બ સ્કવોડે આને ડિફ્યુઝ કરી દીધુ છે.
IED પેકેટ મળ્યા બાદ ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ. આની માહિતી પોલીસને આપવામાં આવી. પોલીસના જણાવ્યા અનુસાર બસમાંથી એક પેકેટ જપ્ત થયુ છે. આ પેકેટમાં શુ છે, એ પ્રાથમિક રીતે કહેવુ મુશ્કેલ હતુ. પેકેટની તપાસ માટે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી. ટીમે તપાસ બાદ સ્પષ્ટ કર્યુ કે પેકેટમાં IED છે.
એસએસપીએ જણાવ્યુ કે શંકાસ્પદ વસ્તુ મળી છે. બીડીએસની ટીમને બોલાવાઈ હતી. આ સાથે જ સેના, સીઆરપીએફ પણ ઘટના સ્થળે હાજર છે. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની ટીમે પેકેટને ખોલ્યુ, તપાસમાં સામે આવ્યુ છે કે આ પેકેટમાં IED હતુ. આ મિની બસ ડોડો તરફ જઈ રહી હતી. બસની ચેકિંગ દરમિયાન બસને રોકવામાં આવી ત્યારે પેકેટ જપ્ત કરવામાં આવ્યુ છે.
અગાઉ ઓક્ટોબરમાં સેનાને જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં એક IED ની જાણકારી મળી હતી. સેનાએ બાંદીપોરામાં IED બ્લાસ્ટના ષડયંત્રને નિષ્ફળ કરી દીધુ હતુ. આતંકવાદીઓએ લગભગ 16 કિલો વજનના બે ગેસ સિલિન્ડરની સાથે IEDને ફીટ કર્યુ હતુ. પોલીસ અને સેનાની સંયુક્ત ટીમને ઉત્તરી કાશ્મીર જિલ્લાના અસ્તાંગો વિસ્તારમાં IEDની જાણકારી મળી હતી.