Get The App

છત્તીસગઢના સુકમામાં નક્સલોએ કર્યો IED વિસ્ફોટ, સીઆરપીએફના બે જવાન શહીદ

Updated: Jun 23rd, 2024


Google NewsGoogle News
છત્તીસગઢના સુકમામાં નક્સલોએ કર્યો IED વિસ્ફોટ, સીઆરપીએફના બે જવાન શહીદ 1 - image
Representative image


Naxalite blasts in Chhattisgarh: છત્તીસગઢના સુકમામાં નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવેલા IED હુમલામાં બે જવાનો શહીદ થયા છે. હુમલામાં શહીદ થયેલા જવાનોના નામ વિષ્ણુ આર અને શૈલેન્દ્ર હોવાનું જાણવા મળ્યું છે. નક્સલીઓએ આ હુમલો સુરક્ષા દળોને નુકસાન પહોંચાડવાના ઈરાદે કર્યો હતો. નક્સલવાદીઓએ કેમ્પ સિલ્ગરથી ટેકલગુડેમ સુધીના રસ્તા પર IED લગાવ્યું હતું. જેની ઝપેટમાં 201 કોબ્રા વાહિનીની ટ્રક આવી ગઈ હતી. 

સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે જાગરગુંડા પોલીસ સ્ટેશન વિસ્તારના કેમ્પ સિલ્ગરથી 201 કોબ્રા વાહિનીનું અગ્રિમ દળ આરઓપી ડ્યુટી દરમિયાન ટ્રક અને બાઈક દ્વારા  ટેકલગુડેમ કેમ્પ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન રવિવારે બપોરે આશરે 3 વાગ્યે 201 કોબ્રા (CoBRA) વાહિનીની ટ્રકને IED દ્વારા અથડાવી દેવામાં આવી હતી, જેમાં ડ્રાઈવર અને સાથી ડ્રાઈવર ઘટના સ્થળે જ શહીદ થઈ ગયા હતા.

માહિતી પ્રમાણે બાકીના અન્ય તમામ સૈનિકો સુરક્ષિત છે. શહીદ થયેલા જવાનોના નામ વિષ્ણુ આર અને શૈલેન્દ્ર જણાવવામાં આવ્યું છે. ઘટનાસ્થળેથી શહીદ જવાનોના મૃતદેહોને બહાર કાઢવામાં આવી રહ્યા છે અને ઘટનાની જાણકારી સૈનિકોના પરિવારજનોને આપી છે. 

CM વિષ્ણુદેવ સાંઈએ શોક વ્યક્ત કર્યો 

છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈએ સુકમા હુમલાને લઈને X પર શોક વ્યક્ત કરતાં લખ્યું હતું કે, સુકમા જિલ્લાના ટેકલગુડેમમાં નકસલવાદીઓ દ્વારા કરવામાં આવેલા IED બ્લાસ્ટમાં બે જવાનોના નિધનના દુ:ખદ સમાચાર મળી રહ્યા છે. ઈશ્વર તેમના દિવંગત જવાનોના આત્માને શાંતિ અને પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરુ છું. 

બસ્તરમાં ચાલી રહેલા નક્સલ નાબૂદી અભિયાનથી નક્સલવાદીઓ હતાશ છે, અને વિચલિત થઈને આવા કાયરતાપૂર્વકની હરકતો કરી રહ્યા છે. જવાનોની શહાદત વ્યર્થ નહીં જાય, નક્સલવાદનો ખાત્મો ન બોલાય ત્યા સુધી અમે ચૂપ નહીં રહીએ.

સુકમા જિલ્લામાં નક્સલવાદીઓ વિરુદ્ધ અભિયાન 

તમને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા જ છત્તીસગઢના સુકમા જિલ્લામાં નક્સલવાદીઓ વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. એ પછી સુરક્ષા દળોએ જંગલોમાં માઓવાદીઓના ઠેકાણા પર દરોડા પાડ્યા હતા. તેમજ ત્યાથી મોટી માત્રામાં વિસ્ફોટકોનો જથ્થો જપ્ત કર્યો હતો. આ માહિતી ખુદ જિલ્લા પોલીસે 15 જૂને આ માહિતી આપી હતી.

સુકમા પોલીસ અધિકારીએ આપી આ માહિતી

સુકમા પોલીસના એક અધિકારીએ આ અભિયાન વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ, બસ્તર ફાઈટર્સ અને કમાન્ડો બટાલિયન ફોર રિઝોલ્યુટ એક્શન (CoBRA)ની સંયુક્ત ટીમે કંગલટોંગ જંગલમાં નક્સલ વિરોધી અભિયાન ચલાવ્યું હતું, તે દરમિયાન આ જથ્થો મળી આવ્યો હતો.



Google NewsGoogle News