યુવાઓના અચાનક મૃત્યુ અને કોરોના વેક્સિનેશન વચ્ચે કોઈ સંબંધ નથી, સંસદમાં ICMRનો રિપોર્ટ રજૂ
ICMR Report News | કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ મંગળવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)ના અભ્યાસમાં સ્પષ્ટ થઈ ગયું છે કે કોરોના વેક્સિનથી ભારતમાં યુવાનો અને પુખ્ત વયના લોકોમાં અચાનક મૃત્યુનું જોખમ વધ્યું નથી.
ICMR ના રિપોર્ટમાં શું બહાર આવ્યું?
તેમણે કહ્યું, 'હકીકતમાં, આ ICMR અભ્યાસ દર્શાવે છે કે કોરોના વેક્સિન આવા મૃત્યુની શક્યતા ઘટાડે છે.' તેના અહેવાલમાં ICMR એ આશંકાઓને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં દાવો કરાયો હતો કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં યુવાનો અને પુખ્ત વયના લોકોના અકાળે મૃત્યુ કોરોના રસીકરણ સાથે સંબંધિત હતા.
સંશોધન માટે 19 રાજ્યોમાંથી નમૂના લેવાયા
ICMRની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એપિડેમિયોલોજીએ આ અભ્યાસ 18-45 વર્ષની વયના વ્યક્તિઓ પર કર્યો હતો જેઓ સ્વસ્થ હતા અને તેમને કોઈ રોગ નહોતો જે 1 ઓક્ટોબર, 2021 અને 31 માર્ચ, 2023ની વચ્ચે અણધાર્યા કારણોસર અચાનક મૃત્યુ પામ્યા હતા. આ સંશોધન 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 47 હોસ્પિટલોમાં કરવામાં આવ્યું હતું.
આ રીતે પણ રિસર્ચ કરાયું
રિસર્ચ દરમિયાન એવા 729 કેસ નમૂના તરીકે લેવામાં આવ્યા હતા જેમનું અચાનક મૃત્યુ થયું હતું અને 2916 નમૂના એવા લોકોના હતા જેમને હાર્ટ એટેક પછી બચાવી લેવાયા હતા. સંશોધનના તારણો દર્શાવે છે કે કોવિડ-19 રસીના ઓછામાં ઓછા એક કે બે ડોઝ લેવાથી કોઈ પણ કારણ વગર અચાનક મૃત્યુની શક્યતાઓ નોંધપાત્ર રીતે ઘટી જાય છે.
અચાનક મૃત્યુનું કારણ શું હતું?
રિસર્ચમાં કેટલાંક પરિબળોની પણ ઓળખ કરવામાં આવી છે જે અચાનક મૃત્યુનું જોખમ વધારે છે, જેમાં મૃતકનું કોવિડ-19 હોસ્પિટલમાં દાખલ રહેવું, પરિવારમાં કોઈનું આકસ્મિક મૃત્યુ, મૃત્યુના 48 કલાક પહેલાં વધુ પડતો નશો કરવો કે દારૂ પીવો, ડ્રગનો ઉપયોગ અને મૃત્યુ પહેલાના 48 કલાકમાં વધુ પડતી શારીરિક પ્રવૃત્તિ (જીમમાં કસરત સહિત) જેવા પરિબળો સામેલ હતા. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે ICMR અભ્યાસથી તે સ્પષ્ટ થઈ ગયું છે કે કોવિડ -19 રસીકરણ અને યુવાન વયસ્કોના અચાનક મૃત્યુ વચ્ચે કોઈ સંબંધ નથી.