CA ફાઈનલનું પરિણામ જાહેર: અમદાવાદની રિયા શાહ દેશમાં બીજા નંબરે આવી, વડોદરાના બે વિદ્યાર્થી પણ ટોપ-50માં
ICAI CA Final Results 2024 : આઈસીએઆઈ સીએનું ફાઈનલ પરિણામ ગઈકાલે રાત્રે જાહેર થઈ ગયું છે. ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા (ICAI) દ્વારા યોજાયેલી ચાર્ટર્ડ એકાઉન્ટ (CA)ની ફાઈનલ પરીક્ષામાં બે વિદ્યાર્થીઓ અને બે વિદ્યાર્થીનીઓએ ટોચના ત્રણ રેન્ક મેળવ્યા છે. જેમાં અમદાવાદની રિયા શાહ સમગ્ર ભારતમાં બીજા નંબરે આવી છે. જ્યારે હૈદરાબાદના હેરાંબ મહેશ્વરી અને તિરૂપતિના રિષભે ઓસ્વાલે સંયુક્તરૂપે 508 માર્ક્સ સાથે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. રિયા શાહે 501 માર્ક્સ સાથે બીજો નંબર મેળવ્યો છે. જ્યારે ત્રીજા સ્થાને આવેલી કોલકાતાની કિંજલ અજમેરાએ 493 માર્ક્સ મેળવ્યા છે. આ ઉપરાંત વડોદરાના બે વિદ્યાર્થીઓને ટોપ-50માં સ્થાન મળ્યું છે.
અમદાવાદની રિયા શાહ દેશમાં બીજા નંબરે આવી
હૈદરાબાદના હેરાંબ મહેશ્વરી અને તિરુપતિના ઓસ્વાલે સંયુક્ત રીતે 508 માર્ક્સ (84.67%) મેળવી પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. જ્યારે રિયા કુંજનકુમાર શાહે 501 માર્ક્સ (83.5%) મેળવી બીજા ક્રમાંકે આવી છે. તેમજ કોલકાતાની કિંજલ અજમેરાએ 493 માર્ક્સ (82.17%) સાથે ચોથા ક્રમે આવી છે.
વડોદરાના બે વિદ્યાર્થીઓ ટોપ-50માં
વડોદરાના જે બે વિદ્યાર્થીઓએ ટોપ-50માં સ્થાન મેળવ્યું છે, તેમાં માંજલપુર વિસ્તારમાં રહેતા નૈષધ વૈદ્યે દેશમાં 9મો અને નવાબજાર વિસ્તારમાં રહેતી પ્રિયંકા શાહે 47મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. વડોદરા ચેપ્ટરના 675 વિદ્યાર્થીઓએ અલગ-અલગ ગ્રૂપની અથવા તો એક સાથે બે ગ્રૂપની પરીક્ષા આપી હતી અને કુલ 18.67 ટકા વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરવામાં સફળ રહ્યા છે. તેમાં પણ એક સાથે બંને ગ્રૂપની પરીક્ષા આપનારા 305માંથી 36 વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ વર્ષે પરિણામ ઉંચું આવ્યું હોવાથી વડોદરામાંથી 70 કરતા વધારે વિદ્યાર્થીઓને સીએની ડિગ્રી મળી હોવાનો અંદાજ છે.
31,946થી વધુ વિદ્યાર્થીઓએ CA ફાઇનલ પરીક્ષા પાસ કરી
આઇસીએઆઇના પ્રમુખ સી. એ. રણજીત કુમાર અગ્રવાલે ભારતની સૌથી અઘરી પરીક્ષાઓ પાસ કરનારા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે. આ વર્ષે 31,946થી વધુ વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક CA ફાઇનલ પરીક્ષા પાસ કરી છે. જ્યારે નોંધપાત્ર 11,500 વિદ્યાર્થીઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યા છે.
પાસિંગ રેટ વધ્યું
ગ્રૂપ 1 - 66,987 ઉમેદવારોએ પરીક્ષા આપી, 11,253 પાસ (16.8 ટકા) થયા
ગ્રૂપ 2 - 49,459 ઉમેદવારોએ પરીક્ષા આપી, 10,566 પાસ (21.36 ટકા) થયા
ગ્રૂપ-3 - 30,763 ઉમેદવારોએ પરીક્ષા આપી, 4,134 પાસ (13.44 ટકા) થયા