વિકલાંગોને અનામત પર મહિલા IAS અધિકારીનું વિવાદિત નિવેદન, સોશિયલ મીડિયા પર ઘેરાયાં
Image: facebook |
IAS Smita Sabharwal Controversy: મહારાષ્ટ્રમાં ટ્રેઇની IAS અધિકારી પૂજા ખેડકર સતત વિવાદમાં છે. તેની સામે સિવિલ સર્વિસમાં પ્રવેશ મેળવવા માટે કથિત રીતે બનાવટી દસ્તાવેજો બનાવ્યા હોવાનો આરોપ છે. આ દરમિયાન તેલંગાણા કેડરના IAS અધિકારી સ્મિતા સભરવાલે સિવિલ સેવાઓમાં વિકલાંગને અનામત આપવાની જરૂરિયાત પર સાવાલો ઉઠાવ્યા છે. તેમણે 'X' પર પોસ્ટ કરીને લખ્યું કે, 'ગ્રાઉન્ડ લેવલે કામ કરવાને કારણે વિકલાંગોને IAS, IPS જેવી પ્રતિષ્ઠિત સેવાઓમાં વિકલાંગોને કામ કરવામાં અસુવિધાનો સામનો કરવો પડે છે.'
સોશિયલ મીડિયા પર થયો વિરોધ
IAS અધિકારી સ્મિતા સભરવાલે 'X'પર લખ્યું, 'વિકલાંગોને પૂરા આદર સાથે. શું કોઈપણ એરલાઇન કંપની વિકલાંગ પાયલોટને કામ પર રાખે છે? અથવા તમે વિકલાંગ સર્જન પર વિશ્વાસ કરશો. #AIS (IAS/IPS/IFoS)ની પ્રકૃતિ ફિલ્ડ-વર્ક છે, લાંબા કલાકો સુધી લોકોની વાત સાંભળવી ફરિયાદો જેમાં શારીરિક તંદુરસ્તીની જરૂર છે તો પછી આ મહત્ત્વપૂર્ણ સેવામાં વિકલાંગોને અનામત આપવાની જરૂર કેમ છે.' તેમની આ ટિપ્પણીની ખૂબ ટીકા થઈ રહી છે.
શિવસેના (ઉદ્ધવ જૂથ)ના રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ આ અંગે નારાજગી વ્યક્ત કરી છે તેમણે 'X'પર લખ્યું, 'આ ખૂબ જ દયનીય દૃષ્ટિકોણ છે, જેનો વધુ બહિષ્કાર થવો જોઈએ. એક નોકરશાહ કેવી રીતે પોતાની સંકુચિત માનસિકતા અને દુનિયાને પોતાનો વિશેષાધિકાર બતાવી રહ્યો છે તે જોઈને આશ્ચર્ય થાય છે.'
સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ કરુણા નંદીએ 'X' પર લખ્યું, 'મને આશ્ચર્ય થાય છે કે એક IAS અધિકારી વિકલાંગતા વિશે આટલો અજાણ હોઈ શકે છે. વિકલાંગતાના મોટા ભાગના કિસ્સાઓમાં વ્યક્તિના સ્ટેમિના અથવા તેની બુદ્ધિ પર કોઈ અસર થતી નથી. પરંતુ આ પોસ્ટ દર્શાવે છે કે સભરવાલને જ્ઞાન અને વિવિધતાની ખૂબ જ જરૂર છે.'
આ પણ વાંચો: ગુજરાતમાં પણ પૂજા ખેડકર જેવું કૌભાંડ? રાજ્ય સરકારે 4 વિકલાંગ IASના કેસમાં શરૂ કરી તપાસ
શું છે પૂજા ખેડકરનો વિવાદ?
પૂજા ખેડકર UPSC પરીક્ષામાં ઓબીસી અને દ્રષ્ટિબાધિત ઉમેદવાર હતા. આ સાથે માનસિક બીમારીનું પણ પ્રમાણપત્ર આપ્યું હતું. UPSCએ એપ્રિલ 2022માં પૂજાને દિલ્હી એઈમ્સમાં હાજર થવા માટે કહ્યું હતું, જેથી તેમની વિકલાંગતા પ્રમાણિત કરી શકાય. જો કે તે તપાસ માટે હાજર જ નહોતા થયા. એટલું જ નહીં, ત્યાર પછી પણ પૂજા ખેડકરે સળંગ છ વખત તપાસ માટે હાજર થવામાં આનાકાની કરી હતી.