Get The App

IAS પરમપાલ કૌરની ચૂંટણી લડવા પર શા માટે થયો હોબાળો? જાણો- અધિકારીઓના સર્વિસ રુલ શું છે

Updated: May 9th, 2024


Google NewsGoogle News
IAS પરમપાલ કૌરની ચૂંટણી લડવા પર શા માટે થયો હોબાળો? જાણો- અધિકારીઓના સર્વિસ રુલ શું છે 1 - image


IAS Parampal Kaur Sidhu: ભારતમાં લોકસભા ચૂંટણી 2024 ચાલી રહી છે. જેમાં ત્રીજા તબક્કાનું મતદાન પણ 7 મે મંગળવારના રોજ પૂર્ણ થયું હતું. આ ચૂંટણીમાં ઘણા વરિષ્ઠ અધિકારીઓ પણ અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે તો ઘણા પક્ષમાં જોડાઈ રહ્યા છે. એવામાં ભાજપે IAS ઓફિસર પરમપાલ કૌર સિદ્ધુને પંજાબની ભટિંડા લોકસભા સીટ પરથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જો કે પંજાબ સરકારે તેમના માટે ચૂંટણી લડવા માટે મોટી સમસ્યા ઊભી કરી છે. 

શું છે સમગ્ર મામલો

પરમપાલ કૌર 2011ની બેચના IAS ઓફિસર છે. ગયા મહિને તેમણે કેન્દ્ર પાસેથી VRS માટે મંજૂરી માંગી હતી. કેન્દ્ર તરફથી મંજૂરી મળ્યા બાદ તે 11 એપ્રિલે ભાજપમાં જોડાયા હતા.

બીજા દિવસે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે રાજ્ય સરકારે તેમનું રાજીનામું સ્વીકાર્યું નથી. આ પછી રાજ્યના કર્મચારી વિભાગ તરફથી પરમપાલ કૌર સિદ્ધુને એક પત્ર મોકલવામાં આવ્યો છે.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે, તમે તમારા 81 વર્ષના માતાની તબિયત સારી ન હોવાથી તેમજ તમારા પિતા અને તમારા નાના ભાઈ બંનેનું થોડા વર્ષો પહેલા અવસાન થયું હોવાથી માતાની સંભાળ રાખવા માટે VRS લઈ રહ્યા છો. પરંતુ તમે છેલ્લા ઘણા દિવસોથી રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ લઈ રહ્યા છો અને VRS લેવા માટે ખોટા કારણ જણાવી રહ્યા છો. 

પંજાબ સરકારે પોતાના પત્રમાં કહ્યું છે કે રાજ્યમાં IAS માટે 231 પદો છે પરંતુ હાલમાં માત્ર 192 ઓફિસર જ કામ કરી રહ્યા છે. આ કારણોસર ઘણા અધિકારીઓને ઘણા ચાર્જ આપવામાં આવ્યા છે. તેથી રાજ્ય સરકારે હજુ પણ નિયમ 16(2) હેઠળ જરૂરી ત્રણ મહિનાનો નોટિસ પિરિયડ માફ કર્યો નથી અને VRS સ્વીકારવા અંગે કોઈ આદેશ પણ જારી કર્યો નથી.

સરકારે સ્પષ્ટતા કરી છે કે પરમપાલ કૌરને સેવામાંથી મુક્ત કરી શકાય નહીં. તેથી તેણે તાત્કાલિક પોતાના કામ પર પાછા ફરવું જોઈએ અન્યથા તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

સર્વિસ રુલ શું છે?

સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ(કંડકટ) રૂલ્સ, 1964 હેઠળ કેન્દ્ર સરકારના અધિકારીઓ અને કર્મચારીઓને ચૂંટણી લડવા પર તેમજ કોઈપણ રાજકીય પ્રવૃત્તિમાં ભાગ લેવા પર પણ પ્રતિબંધ છે. આ ઉપરાંત તેના પરિવારના સભ્યોને રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પર પ્રતિબંધ છે. જો આવું થાય તો પણ સરકારી કર્મચારીએ આ અંગે સરકારને જાણ કરવી પડશે. આ જ નિયમો રાજ્ય સરકારના કર્મચારીઓ પર પણ લાગુ પડે છે. 

નિયમો અનુસાર, કોઈપણ સરકારી કર્મચારી કોઈ રાજકીય વ્યક્તિ માટે પ્રચાર કરી શકે નહિ. ઘણા સરકારી કર્મચારીઓ રાજકીય રેલીઓમાં પણ હાજરી આપી શકતા નથી. જો તે રાજકીય રેલીમાં ફરજ પર હોય તો તે ત્યાં ન તો ભાષણ આપી શકે છે, ન તો સૂત્રોચ્ચાર કરી શકે છે, ન તો ત્યાં પાર્ટીનો ઝંડો ઉંચો કરી શકે છે.

કોઈપણ સરકારી કર્મચારી ત્યારે જ ચૂંટણી લડી શકે કે જયારે જ્યારે તેણે પદ પરથી રાજીનામું આપ્યું હોય અથવા નિવૃત્ત થઈ ગયા હોય. જો કે, ક્યારેક આમાં અપવાદો પણ જોવા મળે છે. અધિકારીઓ નિયમોમાં રહેલી છટકબારીઓનો લાભ લઈને ચૂંટણી લડતા જોવા મળ્યા છે.

તો પછી આનો ઉપાય શું?

કોઈ પણ સરકારી અધિકારી કે કર્મચારી હોદ્દો સંભાળીને ચૂંટણી લડી શકે નહીં. ચૂંટણી લડવા માટે કર્મચારીને રાજીનામું આપવું ફરજિયાત છે અથવા તો નિવૃત્તિ પછી જ તે ચૂંટણી લડી શકે છે.  

જો કે, કેટલીકવાર કોર્ટ દ્વારા હોદ્દો સંભાળીને પણ ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં આવે છે. ગયા વર્ષે રાજસ્થાન હાઈકોર્ટે દીપક ખોખરા નામના સરકારી ડોક્ટરને વિધાનસભા ચૂંટણી લડવાની મંજૂરી આપી હતી. હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે જો દીપક ચૂંટણી હારી જાય છે તો તે ફરીથી ફરજમાં જોડાઈ શકે છે. જો કે દીપક ખોખરા આ ચૂંટણી હારી ગયા હતા.

થોડા વર્ષો પહેલા સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. કોઈપણ સરકારી અધિકારી કે કર્મચારીને નિવૃત્તિ કે રાજીનામું આપ્યા બાદ તરત જ ચૂંટણી લડવા દેવામાં ન આવે તેવી માંગણી કરવામાં આવી હતી. નિવૃત્તિ અથવા રાજીનામું અને ચૂંટણી લડવા વચ્ચે થોડો અંતર હોવો જોઈએ. પરંતુ સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી.

IAS પરમપાલ કૌરની ચૂંટણી લડવા પર શા માટે થયો હોબાળો? જાણો- અધિકારીઓના સર્વિસ રુલ શું છે 2 - image


Google NewsGoogle News