Get The App

વિકલાંગતા, અંધત્વ અને માનસિક બિમારીનો દાવો, બનાવટી OBC પ્રમાણપત્ર... પૂણેના IAS અધિકારી પૂજા ખેડકરના કાવાદાવા

Updated: Jul 13th, 2024


Google NewsGoogle News
Pooja Khedkar
Image Twitter 

IAS officer Pooja Khedkar controversy : મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લાની રહેવાસી પૂજા ખેડકર એક તાલીમાર્થી (ટ્રેઇની) આઇએએસ અધિકારી છે. બત્રીસ વર્ષીય પૂજા ખેડકર 2023 બૅચની અધિકારી છે અને તેણે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) ની પરીક્ષામાં દેશભરમાં 841 મો ક્રમાંક મેળવ્યો હતો. તે અમલદારો અને રાજકારણીઓના પરિવારમાંથી આવે છે. પૂજાના પિતા દિલીપ રાઓ ખેડકર મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિવૃત્ત અધિકારી છે. વંચિત બહુજન આખાડી (VBA) પાર્ટીના ઉમેદવાર તરીકે તેઓ 2024 ના લોકસભાની ચૂંટણી લડ્યા હતા. પૂજાની માતા ભલગાંવ ગામની સરપંચ છે. તેના દાદા પણ વરિષ્ઠ અમલદાર હતા.

શું છે વિવાદનો મુદ્દો?   

પૂનામાં કાર્યરત હતી ત્યારે પૂજાએ પોતાના માટે અલગ ઓફિસ અને અલગ કારની માંગ કરી હતી. ઓફિસ ન મળતાં એણે પરવાનગી વિના જ એડિશનલ કલેક્ટરની ઑફિસ પર કબજો જમાવી લીધો હતો અને ઑફિસનું ફર્નિચર પણ પોતાની પસંદ મુજબ બદલાવી દીધું હતું. એ પોતાની અંગત કાર પર લાલ બત્તી લગાવીને ફરતી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અંગત લાભ માટે વાહનો પર લાલ બત્તીનો ઉપયોગ કરવો ગેરકાનૂની છે. દેશના વડાપ્રધાનને સુદ્ધાં એમની ગાડી પર લાલ બત્તી લગાવવાની છૂટ નથી હોતી. પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયરફાઇટર વગેરે આપાતકાલીન (ઇમરજન્સી) વાહનોને જ લાલ બત્તી વાપરવાની છૂટ હોય છે. લાલ બત્તી ઉપરાંત પૂજાએ પોતાની ઓડી સિડાન કાર પર વીઆઈપી નંબર પ્લેટ અને મહારાષ્ટ્ર સરકારનું સ્ટીકર પણ લગાડેલું હતું. એ જ કાર ભૂતકાળમાં એકથી વધુ વખત ટ્રાફિકના નિયમો ભંગ કરવા બદલ ડંડાઈ ચૂકી છે.

રાજકીય વગનો દુરુપયોગ

પૂજાના પિતાએ પોતાની રાજકીય વગનો દુરુપયોગ કરીને તેમની પુત્રીની માંગણીઓ પૂરી કરવા માટે જિલ્લા કલેક્ટરની કચેરી પર દબાણ કર્યું હોવાનું કહેવાયું છે. પૂજા અને તેના પિતાના ગેરવર્તનને કારણે પૂનાના જિલ્લા કલેક્ટરે રાજ્ય સરકારને ફરિયાદ કરી હતી, જેને પરિણામે થોડા દિવસ અગાઉ પૂજાની બદલી પૂનાથી વાશિમ કરી દેવાઈ હતી.

લાગ્યા ગંભીર આરોપ

પૂજા ખેડકર અગાઉ પણ વિવાદનું કારણ બની ચૂકી છે. આ ટ્રેઇની ઑફિસરે પોતે દિવ્યાંગ છે અને પછાત વર્ગ (ઓબીસી)ની છે એવા બનાવટી દસ્તાવેજ રજૂ કરીને સ્પેશિયલ ક્વોટા પર ઑફિસર પદ મેળવ્યું હોવાના ગંભીર આરોપ લગાડવામાં આવ્યા છે. અંગત લાભ માટે પદનો દુરુપયોગ કરવાના આરોપસર પૂજા વિરુદ્ધ તપાસ માટે તપાસ સમિતિ નીમવામાં આવી છે. 

વિકલાંગ હોવાનો શંકાસ્પદ દાવો

2021 માં પૂજાએ યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી. પોતે ‘અંધત્વ અને માનસિક બીમારી’ ધરાવતી હોવાના બનાવટી સર્ટિફિકેટ રજૂ કરીને પૂજાએ વિકલાંગો માટેના અનામત ક્વોટામાંથી સીટ મેળવી લીધી હતી, પણ પછી એ પોતાની વિકલાંગતા સાબિત કરવામાં નિષ્ફળ ગઈ હતી. 

યુપીએસસીએ પૂજાને એપ્રિલ 2022 માં દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં તબીબી પરીક્ષણ કરાવવા કહ્યું તો પૂજાએ કોવિડ-19નું બહાનું આગળ ધરીને એ પરીક્ષણ મુલતવી કરાવી દીધું હતું. આંખોમાં ખરાબી હોવાનું સાબિત કરવા માટે યુપીએસસીએ પૂજાને મગજની એમઆરઆઈ તપાસ કરાવવા જણાવ્યું હતું, જેના જવાબમાં પૂજાએ એક ખાનગી સંસ્થામાં કરાવેલો એમઆરઆઈ રિપોર્ટ રજૂ કર્યો હતો, પણ એ બનાવટી લાગતાં યુપીએસસીએ એને નામંજૂર કર્યો હતો. જોકે, પછી તેનું એમઆરઆઈ પ્રમાણપત્ર સ્વીકારાયું હતું અને આઈએએસ અધિકારી તરીકે તેની નિમણૂક થઈ હતી.

બનાવટી ઓબીસી પ્રમાણપત્ર

પૂજાના પિતાએ લોકસભા ચૂંટણી લડવા માટે એમની વિગતો જાહેર કરી હતી, જેને આધારે પૂનાના એક કાર્યકરે પૂજાના પછાત વર્ગ(ઓબીસી)ના હોવા બાબતે સવાલ ઉઠાવ્યો હતો. નિયમો મુજબ તો જેમની વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી ઓછી હોય, ફક્ત એ જ ઓબીસી નોન-ક્રીમિલેયર કેટેગરી હેઠળ આવે છે, જ્યારે કે પૂજાના પિતાની વાર્ષિક આવક તો 40 કરોડ હતી. 

પૂજા ખેડકરની આ બદમાશી સામે તપાસ સમિતિ શું રિપૉર્ટ આપે છે, અને એના પર લગાવાયેલા આરોપ સાચા હોય તો આગળ શું કાર્યવાહી કરાય છે, એ જોવું રસપ્રદ રહેશે.


Google NewsGoogle News