પિતાને કારણે મોડેલ બની ગઈ IAS?, સોશિયલ મીડિયામાં ખોટો દાવો કરાતા ઓમ બિરલાની પુત્રી હાઈકોર્ટ પહોંચી
Image: Facebook
Anjali Birla: ઈન્ડિયન રેલવે પર્સનલ સર્વિસના અધિકારી અને લોકસભા સ્પીકર ઓમ બિરલાની પુત્રી અંજલિ બિરલાએ દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. આ દરમિયાન અંજલિ બિરલા વિશે કરાઈ રહેલા ખોટા દાવા પર દિલ્હી હાઈકોર્ટે રોક લગાવી છે. હાઈકોર્ટે ગૂગલ અને એક્સને 24 કલાકની અંદર વિવાદિત પોસ્ટને હટાવવા માટે કહ્યું છે. અંજલિ બિરલાએ સોશિયલ મીડિયા પર કરાયેલા એક દાવાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો, જેમાં કહેવાયું હતું કે ‘અંજલિ બિરલા પિતાના પ્રભાવના કારણે યુપીએસસી પરીક્ષા પાસ કરી શકી છે. તે ફક્ત એક મોડલ હતી.’
જસ્ટિસ નવીન ચાવલાની સામે વરિષ્ઠ વકીલ રાજીવ નાગરે મુદ્દાને ઉઠાવ્યો. જસ્ટિસ ચાવલાએ ત્વરિત સુનાવણી કરતાં આ આદેશ પાસ કર્યો છે. આ સુનાવણીમાં જસ્ટિસ ચાવલાએ કહ્યું કે ‘કથિત ડિજિટલ કન્ટેન્ટને યોગ્ય વેરિફિકેશન વિના પોસ્ટ કરાઈ છે અને ભાષા પણ યોગ્ય નથી.’ અંજલિ બિરલાએ અરજીમાં કહ્યું છે કે ‘સોશિયલ મીડિયામાં તેના વિશે કરાયેલી પોસ્ટ અપમાનજનક અને ખોટી છે.’
ઓમ બિરલાની બીજી વખત લોકસભા સ્પીકર તરીકે પસંદગી થવી અને નીટ યુજી પેપર લીક વિવાદની વચ્ચે સોશિયલ મીડિયા પર અમુક વિવાદાસ્પદ પોસ્ટ કરાઈ હતી. તેમાં કહેવાયું હતું કે ‘અંજલિ બિરલા પિતાના પ્રભાવશાળી પદના કારણે IAS અધિકારી બની છે. અંજલિ પ્રોફેશનલ મોડલ છે અને પિતાના કારણે તે પહેલા જ પ્રયત્નમાં યુપીએસસી પરીક્ષામાં સફળ થઈ ગઈ છે.’
જો કે, અંજલિએ આ દાવા ફગાવતાં કહ્યું કે ‘આ સોશિયલ મીડિયા હેન્ડલ પૂર્વ આયોજિત ષડયંત્ર હેઠળ ચલાવાઈ રહ્યાં છે. આ લોકો ફક્ત મારા પિતાને બદનામ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. અમે હાઈકોર્ટમાં અરજી કરીને ગૂગલ અને એક્સને પણ પાર્ટી બનાવ્યા છે. અમે તેમને 16 એક્સ એકાઉન્ટ્સની વિગત પણ આપી છે, જેમાં વિવાદિત પોસ્ટ કરાઈ છે. યુટ્યૂબર ધ્રુવ રાઠીનું પેરોડી એકાઉન્ટ પણ તેમાં સામેલ છે. હું આઈએએસ અધિકારી છું જ નહીં, હું ફક્ત ઈન્ડિયન રેલવે પર્સોનલ સર્વિસ (IRPS)માં અધિકારી છું. મેં 2019માં UPSC ની પરીક્ષા આપી હતી.’