જેસલમેરના રહેણાંક વિસ્તારમાં તેજસ એરક્રાફ્ટ તૂટી પડયું
- પાયલોટ સુરક્ષિત, અન્ય કોઇને પણ ઇજા નહીં
જેસલમેર : ઇન્ડિયન એર ફોર્સનું લાઇટ કોમ્બેક્ટ એરક્રાફ્ટ (એલસીએ) તેજસ ટ્રેઇનિંગ દરમિયાન રાજસ્થાનના જૈસલમેરમાં એક રહેણાંક કોલોની પાસે તૂટી પડયું છે તેમ ઇન્ડિયન એર ફોર્સે એક નિવેદનમાં જણાવ્યું છે.
એરફોર્સના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં પાયલોટ સુરક્ષિત રહ્યો છે તેને કોઇ ઇજા થઇ નથી. દુર્ઘટનાના કારણો જાણવા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.
ઇન્ડિયન એફ ફોર્સે એક સંક્ષિપ્ત નિવેદનમાં જણાવ્યું છે કે રાજસ્થાનમાં પોખરણના રણથી ૧૦૦ કિમી દૂર આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ઉલ્લેખનીય છે કે પોખરણના રણમાં હાલમાં ભારતીય સેનાનું યુદ્ધ અભ્યાસ ચાલી રહ્યું છે.
આ યુદ્ધ અભ્યાસને નિહાળવા માટે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોખરણના રણની મુલાકાત લીધી હતી. વડાપ્રધાનની મુલાકાત વખતે સેનાના ટોચના અધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં.
જૈસલમેરના એડિશનલ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ મહેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે કલ્લા અને જવાહર રેસિડેન્સિયલ કોલોની પાસે બનેલી આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી.હોસ્ટેલની બિલ્ડિુંગના અમુક ભાગને નુકસાન થયું છે પણ તે વખતે બિલ્ડિંગમાં કોઇ પણ હાજર ન હતું.