LAC : ગલવાનમાં ઘર્ષણ બાદ વાયુ સેનાએ પૂર્વ લદ્દાખ પહોંચાડ્યા 68000 જવાનો, દુશ્મન પર 24 કલાક નજર
2022માં ચીન સાથે અથડામણ બાદ ભારતીય વાયુસેનાએ ફાઈટર પ્લેનની અનેક સ્ક્વોડ્રનને આક્રમક સ્થિતિમાં રાખ્યું
ઘર્ષણ બાદ વાયુસેનાએ ફાઈટર પ્લેનો, 90 ટેન્કો, રડાર સિસ્ટમો, હથિયારો સહિત ઘણા ઉપકરણઓ પણ તૈનાત રાખ્યા
નવી દિલ્હી, તા.13 ઓગસ્ટ-2023, રવિવાર
લદ્દાખમાં ગલવાન ખીણમાં હિંસક ઘર્ષણ બાદ ભારતીય વાયુ સેનાએ વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ઝડપથી તૈનાતી માટે દેશભરમાંથી સેનાના 68 હજારથી વધુ જવાનો અને 90 ટેંકો તેમજ અન્ય હથિયાર સિસ્ટમોને વિમાની માર્ગે પૂર્લ લદ્દાખ પહોંચાડ્યા... તેમ સંરક્ષણ અને સુરક્ષા સાથે જોડાયેલા ટોચના સૂત્રોએ જણાવ્યું છે. તેમણે કહ્યું કે, ભારતીય વાયુ સેનાએ દાયકા બાદ 15 જૂન-2022ના રોજ બંને પક્ષો વચ્ચે થયેલા ગંભીર સૈન્ય ઘર્ષણ થવાની ઘટનાને ધ્યાને રાખી ફાઈટર પ્લેનની અનેક સ્ક્વોડ્રનને આક્રમક સ્થિતિમાં રાખ્યું છે. ઉપરાંત દુશ્મન પર 24 કલાક નજર રાખવા અને ગુપ્ત માહિતી મેળવવા માટે ક્ષેત્રમાં તેમના એસયુ-30 એમકેઆઈ અને જગુઆર પ્લેન તૈનાત કર્યા છે.
ગલવાનમાં ઘર્ષણ બાદ વાયુસેનાએ ખુબ જ ઓછા સમયમાં સૈનિકો-હથિયારો પહોંચાડ્યા
સૂત્રોએ જણાવ્યું કે, ભારતીય વાયુસેનાએ એક વિશેષ અભિયાન હેઠળ એલએસી પાસેના જુદા જુદા દુર્ગમ વિસ્તારોમાં તાત્કાલીક તૈનાતી માટે ખુબ જ ઓછા સમયમાં સૈનિકો અને હથિયારો પહોંચાડ્યા... તેમણે કહ્યું કે, વધતા તણાવને ધ્યાને રાખી વાયુસેનાએ ચીની ગતિવિધિઓ પર બાજ નજર રાખવા માટે વિસ્તારમાં મોટી સંખ્યામાં રિમોટ સંચાલીત વિમાનો પણ તૈનાત કર્યા હતા. તેમણે કહ્યું કે, વાયુસેનાના વિમાનોએ ભારતીય સેનાના ઘણા ડિવિઝનોને એરલિફ્ટ કર્યા, જેમાં કુલ 68 હજારથી વધુ સૈનિકો, 90થી વધુ ટેન્કો, આશરે 330 બીએમપી ઈન્ફેંટ્રી ફાઈટર પ્લેન, રડાર સિસ્ટમ, આર્ટિલરી ગન અને ઘણા અન્ય ઉપકરણો પણ સામેલ હતા.
પર્વતીય જગ્યાઓ સુધી હથિયાર સહિતના સામગ્રી પહોંચાડ માટે હેલિકોપ્ટરોનો ઉપયોગ કરાયો
હિંસક અથડામણ બાદ રાફેલ અને મિગ-29 સહિત ઘણા ફાઈટર પ્લેનોને કોમ્બેટ એર પેટ્રોલિંગ માટે તૈનાત કરવામાં આવ્યા હતા, જ્યારે વાયુસેનાના વિવિધ હેલિકોપ્ટરનો પ્રિફેબ્રિકેટેડ માળખું, દારૂગોળો અને સૈન્ય સાધનોને પર્વતીય જગ્યાઓ સુધી પહોંચાડવા માટે ઉપયોગ કરાયો હતો. સૂત્રોએ જણાવ્યું કે, એસયૂ-30 એમકેઆઈ અને જગુઆર ફાઈટર જેટ દ્વારા દેખરેખની રેન્જ લગભગ 50 કિમીની હતી અને એવું પણ સુનિશ્ચિત કરાયું કે, ચીની સૈનિકોની સ્થિતિ અને હિલચાલ પર ચોક્કસ નજર રાખવામાં આવે.