મોદી સત્તા પરથી દૂર નહીં થાય ત્યાં સુધી હું મરીશ નહીં : ખડગે
જમ્મુના જસરોટામાં ચાલુ ભાષણમાં ખડગેની તબિયત બગડી
ચાલુ ભાષણમાં ચક્કર આવતા ૮૩ વર્ષીય ખડગેને થોડા સમય માટે સોફા પર બેસાડી સારવાર અપાઈ
નવી દિલ્હી: કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે રવિવારે જમ્મુ-કાશ્મીરના જસરોટામાં ચૂંટણી પ્રચાર દરમિયાન અચાનક બિમાર પડી ગયા હતાં. સ્ટેજ પર ભાષણ આપતા એકાએક કોંગ્રેસ અધ્યક્ષની તબિયત ખરાબ થઇ હતી.
જેના કારણે થોડા સમય માટે તેમનું ભાષણ અટકાવવાની ફરજ પડી હતી. અન્ય નેતાઓ તેમની પાસે આવી ગયા હતાં. તેમને થોડા સમય માટે સોફા પર બેસાડી દેવામાં આવ્યા હતાં.
જો કે થોડા સમય પછી તેમની તબિયત સારી થતાં તેમણે ફરી ભાષણ શરૂ કર્યુ હતું. ફરીથી ભાષણ શરૂ કરતા તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી વડાપ્રધાન મોદી સત્તા પરથી દૂર નહીં થાય ત્યાં સુધી હું મરીશ નહીં.
કોંગ્રેસના રાજ્યસભા સાંસદે જણાવ્યું હતું કે મોદી કારણ વગર જમ્મુ-કાશ્મંર આવીને યુવાનો માટે જૂઠા આંસુ વહેવડાવે છે. તે દાવોે કરે છે કે તેમણે યુવાઓના હિત માટે અનેક પગલાં ભર્યા છે પણ હકીકત એ છે કે તેમણે પોતાના કાર્યકાળમાં યુવાનોને અંધકારમાં ધકેલ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં ભારતે બેકારીની બાબતમાંમ ૪૫ વર્ષનો રેકોર્ડ તોડયો છે. જમ્મુ-કાશ્મીરના સરકારી વિભાગોમાં ૬૫ ટકા જગ્યાઓ ખાલી છે.
આ જગ્યાઓ પર બહારના લોકોની નિમણૂક કરવામાં આવી રહી છે. જ્યારે અહીંના સ્થાનિક લોકોની અવગણના કરવામાં આવી રહી છે.