મારી ધરપકડ થશે : કેજરીવાલ હું અટકવાનો નથી : નરેન્દ્ર મોદી

Updated: Nov 3rd, 2023


Google NewsGoogle News
મારી ધરપકડ થશે : કેજરીવાલ હું અટકવાનો નથી : નરેન્દ્ર મોદી 1 - image


- પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી નજીક આવતા રાજકારણ ગરમાયું

- કેન્દ્રીય તપાસ એજન્સીઓના દુરુપયોગ અંગે મધ્યપ્રદેશની સભામાં કેજરીવાલના આક્ષેપો અંગે છત્તીસગઢથી પીએમ મોદીએ જવાબ આપ્યો

સિંગરૌલી/રાયપુર : દિલ્હીમાં નવી એક્સાઈઝ નીતિના કથિત કૌભાંડ મુદ્દે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે ઈડીના મુખ્યાલયમાં હાજર થવાનું હતું. પરંતુ તેઓ મધ્ય પ્રદેશના સિંગરૌલીમાં ચૂંટણી રેલીને સંબોધન કરવા પહોંચી ગયા. મધ્ય પ્રદેશમાં ચૂંટણી પ્રચારમાં કેજરીવાલે તેમની ધરપકડની આશંકા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, પાંચ રાજ્યોમાં ચૂંટણી વચ્ચે તેમની ધકરપકડ થઈ શકે છે અને પરીણામો આવે ત્યાં સુધી તેમને જેલમાં રાખવામાં આવે તેવી સંભાવના છે. બીજીબાજુ કેજરીવાલને જવાબ આપતા હોય તેમ છત્તીસગઢમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીનું નામ લેતા કહ્યું કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ તેમની કાર્યવાહી ચાલુ જ રહેશે. તે રોકાશે નહીં.

મધ્ય પ્રદેશના સિંગરૌલીમાં આપ ઉમેદવાર રાની અગ્રવાલ માટે રોડ શો પણ કર્યો હતો. ત્યાર પછી કેજરીવાલે કહ્યું કે, દરરોજ મને ધમકી અપાય છે કે કેજરીવાલની ધરપકડ કરીશું. કેજરીવાલના શરીરની તો તમે ધરપકડ કરી લેશો, પરંતુ તેના વિચારોની ધરપકડ કેવી રીતે કરશો? હજારો-લાખો કેજરીવાલની કેવી રીતે ધરપકડ કેવી રીતે કરશો?

દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે, પહેલા દિલ્હી કૌભાંડોના નામથી ઓળખાતી હતી, પરંતુ આજે સારી સ્કૂલો, હોસ્પિટલો, વૃદ્ધોની તીર્થ યાત્રાના કારણે ઓળખાય છે. આપ સંયોજકે અન્ના આંદોલનનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું કે, રામલીલા મેદાનમાં સિસોદિયા, સત્યેન્દ્ર જૈન સહિત જે લોકો સ્ટેજ પર હતા તે બધાની ધરપકડ થઈ શકે છે, પરંતુ જે કરોડો લોકોની ભીડ આવી હતી તેમની ધરપકડ કેવી રીતે કરશો? તેમણે કહ્યું કે, અમારી ધરપકડ કરી લો કોઈ ફરક નહીં પડે. કેજરીવાલ જેલ જવાથી નથી ડરતા.

કેજરીવાલે ઉમેર્યું હતું કે, આ ચૂંટણીના પરિણામો જાહેર થશે ત્યારે હું જેલમાં હોઈશ કે બહાર તે મને ખબર નથી. સિંગરૌલીથી વાત શરૂ થશે અને પછી આખા મધ્ય પ્રદેશમાં ફેલાશે. જેમ દિલ્હી અને પંજાબના લોકોએ ચમત્કાર કર્યા એવી જ રીતે મધ્ય પ્રદેશના લોકો પણ ચમત્કાર કરી બતાવશે. હું જ્યાં પણ હોઉં મને અવાજ આવવો જોઈએ કે કેજરીવાલ સિંગરૌલી આવ્યા હતા અને સિંગરૌલીવાળાએ ઐતિહાસિક વિજય અપાવીને મોકલ્યા. કેજરીવાલ અહીં આપ ઉમેદવાર રાની અગ્રવાલ માટે વોટ માગવા આવ્યા હતા.

દરમિયાન ઈડી અને સીબીઆઈ જેવી કેન્દ્રીય તપાસ એજન્સીઓનો કેન્દ્ર સરકાર વિપક્ષ સામે દુરુપયોગ કરતી હોવાના આક્ષેપો વચ્ચે છત્તીસગઢના કાંકેરમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેઓ ભ્રષ્ટાચાર વિરુદ્ધ પગલાં લેવાનું ચાલુ રાખશે. તેમણે છત્તીસગઢ સરકાર પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા. જોકે, આ સાથે તેમણે જનતાને પણ આ અંગે મહોરની માગ કરતા કહ્યું કે આ અવાજ દિલ્હી સુધી પહોંચવો જોઈએ. આમ, તેમણે આમ આદમી પાર્ટીના નેતાઓ પર લાગેલા આરોપો તરફ ઈશારો કર્યો હોવાનું પણ માનવામાં આવે છે.

પીએમ મોદીએ કહ્યું કે, આ મોદીની ગેરેન્ટી છે. જનતાને લૂંટનારા બચશે નહીં. ભ્રષ્ટાચાર સામેની લડાઈનું જે કામ તમે મને આપ્યું છે તે ચાલુ જ રહેશે. તમે મને મોજ મજા કરવા માટે નથી બેસાડયો. તમે પૂરી તાકાતથી જણાવો કે ચોર-લૂંટારા સામે પગલાં લેવા જોઈએ કે નહીં. ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈ ચાલુ રહેવી જોઈએ કે નહીં. ગરીબોના રૂપિયા પાછા આવવા જોઈએ કે નહીં. તમારા આશીર્વાદથી હું આ કામ રોકવાનો નથી. આ લોકો મને ગમે તેટલી ગાળો આપતા રહે, પરંતુ તમારા આશીર્વાદની તાકાત છે કે મોદી ડગતો નથી, કે મોદી ડરતો નથી. મોદી ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી રોકતો નથી.


Google NewsGoogle News