EDના વારંવાર સમન્સની અવગણના બાદ કોર્ટમાં બોલ્યાં કેજરીવાલ, 16 માર્ચે હું જાતે જ હાજર થઇશ

દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે વારંવાર સમન્સ મળ્યા બાદ પણ કેજરીવાલ હાજર નહોતા થઈ રહ્યા

Updated: Feb 17th, 2024


Google NewsGoogle News
EDના વારંવાર સમન્સની અવગણના બાદ  કોર્ટમાં બોલ્યાં કેજરીવાલ, 16 માર્ચે હું જાતે જ હાજર થઇશ 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 17 ફેબ્રુઆરી 2024, શનિવાર

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થયા હતા. દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે વારંવાર સમન્સ મળ્યા બાદ પણ કેજરીવાલ હાજર નહોતા થઈ રહ્યા. ત્યારબાદ રાઉઝ એવન્યુ કોર્ટે કહ્યું કે સીએમને હાજર થવું પડશે. EDએ કોર્ટ પાસે માંગ કરી હતી કે કેજરીવાલને નિર્દેશ આપવામાં આવે કે તેમણે ફિઝિકલી રીતે હાજર થવું પડશે. તેના પર કોર્ટે કહ્યું કે તેના વકીલે પહેલા જ કહ્યું છે કે તેઓ હાજર થશે અને જામીન અરજી પણ દાખલ કરશે.

કેજરીવાલે આપી આ દલીલ

આજે વર્ચ્યુઅલ હાજર રહેવા દરમિયાન કેજરીવાલે કહ્યું કે, હું ફિઝિકલી રીતે હાજર થવા માંગતો હતો પરંતુ અચાનક આ વિશ્વાસ પ્રસ્તાવ આવ્યો. બજેટ સત્ર ચાલી રહ્યું છે અને આ 1 માર્ચ સુધી ચાલશે. ત્યારબાદ કોઈપણ તારીખ આપી શકાય છે. તેના પર કોર્ટે અરવિંદ કેજરીવાલને હાજર થવા માટે 16 માર્ચની તારીખ નક્કી કરી છે.

દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે ED દ્વારા જારી કરવામાં આવેલા છેલ્લા પાંચ સમન્સ અવગણના અને આ દરમિયાન પોતાની ગેરહાજરીનું સ્પષ્ટીકરણ આપવા માટે કેજરીવાલ આજે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર થયા હતા.

19 તારીખે ED સામે હાજર થવું પડશે

EDના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજની સુનાવણીથી અરવિંદ કેજરીવાલને જારી કરાયેલા સમન્સ પર કોઈ અસર નહીં થશે. EDએ તેમને 19 તારીખે હાજર થવા જણાવ્યું છે. આ દરમિયાન જો ED અરવિંદ કેજરીવાલ સામે કોઈ કડક પગલાં લેવાનું નક્કી કરે તો તે તેમના અધિકારક્ષેત્રમાં છે.

દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસ એવો મામલે છે જેના કારણે આમ આદમી પાર્ટી ઘણા સમયથી બેકફૂટ પર આવતી જણાય રહી છે. AAP સરકારે એક નવી આબકારી નીતિ ઘડી હતી જેમાં અનિયમિતતાઓની ફરિયાદ થયા બાદ તપાસ એજન્સીઓએ કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. આ દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે જ પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની પણ ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસે એક્સાઈઝ વિભાગ પણ હતો. ફેબ્રુઆરીમાં ધરપકડ થયા બાદથી જ મનીષ સિસોદિયા જેલમાં બંધ છે. 


Google NewsGoogle News