'મને એક પછી એક થપ્પડ અને જૂતાં વડે માર્યો...', સરકારી કર્મીના આપ MLA પર ગંભીર આક્ષેપ
Image: Facebook
Complaint was Registered Against AAP MLA: દિલ્હી જળ બોર્ડ(ડીજેબી)ના એક કર્મચારીએ આમ આદમી પાર્ટી(આપ)ના ધારાસભ્ય અખિલેશ ત્રિપાઠી વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી છે. બુધવારે રાતે મોડલ ટાઉનના ધારાસભ્ય વિરુદ્ધ કથિત રીતે મારામારી કરવાના આરોપમાં આ ફરિયાદ નોંધાઈ છે.
59 વર્ષના સતપાલ સિંહે પોતાની એફઆઇઆરમાં જણાવ્યું છે કે 'હું કલ્યાણ વિહારમાં સુએજ પમ્પિંગ સ્ટેશન પર કામ કરી રહ્યો હતો, ત્યારે ત્રિપાઠી 20-25 લોકોની સાથે આવ્યા અને મને પૂછ્યું કે સુએજનું પાણી નીકળી ગયું છે કે નહીં. મેં તેમને કહ્યું કે પમ્પ ચાલુ છે, પરંતુ સુએજ નીકળી ગયું છે કે નહીં, આ મારી જવાબદારી નથી. આ સાંભળતાં જ ત્રિપાઠીએ મને થપ્પડ મારી અને પછી જૂતાથી માર્યું, જેના કારણે હું પડી ગયો. તેમની સાથે આવેલા લોકોએ પણ મને મારવાનું શરુ કરી દીધું.' મારી મદદ માટે કોઈ આગળ આવ્યુ નહીં. પોલીસને કલાકો બાદ માહિતી આપવામાં આવી.
રિપોર્ટ અનુસાર ડેપ્યુટી પોલીસ કમિશ્નર જિતેન્દ્ર મીનાએ કહ્યું, 'અમે કેસની તપાસ કરી રહ્યા છીએ અને યોગ્ય રીતે તપાસ કરી રહ્યા છીએ.' એફઆઇઆર બીએનએસની કલમ 221 (જાહેર કાર્યોના નિકાલમાં જાહેર સેવકને અવરોધવું) 132 (જાહેર સેવકને તેની ફરજ બજાવતાં રોકવા માટે હુમલો અથવા ફોજદારી બળનો ઉપયોગ) 121 (1) (જાહેર સેવકને તેની ફરજથી અટકાવવા માટે સ્વેચ્છાએ ઈજા પહોંચાડવી અથવા ગંભીર ઈજા પહોંચાડવી) અને કલમ 3(5) (સામાન્ય હેતુ) હેઠળ નોંધાઈ છે.