આજે ભાજપમાં સામેલ થઈ શકે છે ચંપાઈ સોરેન: JMMમાં અપમાન થતું હોવાનું આપ્યું કારણ
Crisis in JMM: હેમંત સોરેને ઇડી તેમની ધરપકડ કરે તે પહેલા ઝારખંડના મુખ્યમંત્રીનું પદ ચમ્પાઇ સોરેનને સોંપ્યું હતું, જોકે હવે જ્યારે ચંપાઇ સોરેન મુખ્યમંત્રી નથી રહ્યા ત્યારે તેઓ બળવો કરવાના ફિરાકમાં છે અને ગમે ત્યારે ભાજપમાં જોડાઇ તેવી અટકળો ચાલી રહી છે. ચમ્પાઇ સોરેન દિલ્હી પહોંચ્યા હતા, જોકે તેમણે કોઇ અન્ય પક્ષમાં જોડાવાની વાત સ્પષ્ટ નહોતી કરી પણ કહ્યું હતું કે મુખ્યમંત્રી તરીકે મારુ અપમાન થયું હતું. મારી પાસે ત્રણ વિકલ્પ ખુલ્લા છે. જ્યારે હેમંત સોરેને કહ્યું હતું કે ભાજપ અમારા ધારાસભ્યોને ખરીદીને રાજ્યમાં સરકાર ઉથલાવવાનો પ્રયાસ કરી રહી છે.
ચમ્પાઇ સોરેને ટ્વિટર પર લાંબી પોસ્ટ કરી હતી જેમાં પોતાનો બળાપો કાઢ્યો હતો, તેમણે કહ્યું હતું કે ૩૧મી જાન્યુઆરીના ઘટનાક્રમ (હેમંત સોરેનની ધરપકડ) બાદ ઇન્ડિયા ગઠબંધને મને ઝારખંડના ૧૨મા મુખ્યમંત્રી બનાવ્યા હતા, જૂનના અંતે મને જણાવવામાં આવ્યું કે પક્ષના નેતૃત્વએ મારા તમામ કાર્યક્રમો સ્થગિત કરી દીધા છે. જ્યારે મે સવાલ કર્યો તો મને જણાવવામાં આવ્યું કે ત્રણ જુલાઇના રોજ ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી છે. ત્યાં સુધી મને મુખ્યમંત્રી તરીકે કોઇ કાર્યક્રમમાં ના જવાની સલાહ અપાઇ હતી. શું લોકશાહીમાં એક મુખ્યમંત્રીના કાર્યક્રમોને કોઇ અન્ય વ્યક્તિ રદ કરી દે તેનાથી મોટુ અપમાન કોઇ હોઇ શકે?
ચમ્પાઇ સોરોને કહ્યું કે મે વિનંતી કરી કે મારો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ હું બેઠકમાં આવી જઇશ જોકે મને તેમ છતા ના પાડી દેવાઇ. મારી રાજકીય કારકિર્દીમાં હાલ હું અંદરથી ટુટી ગયેલુ મહેસુસ કરી રહ્યો છું. મે ધારાસભ્યની બેઠકમાં કહ્યું હતું કે મારી પાસે હવે ત્રણ વિકલ્પ છે, એક રાજકારણથી સન્યાસ લેવો, બીજો મારુ પોતાનું સંગઠન ઉભુ કરવું અને ત્રીજો જો કોઇ મળે તો તેની સાથે આગળની સફર પુરી કરવી.
હેમંત સોરેન ઇડીના કેસમાં છૂટયા બાદ જુલાઇ મહિનામાં ફરી મુખ્યમંત્રી બન્યા હતા, અને ચમ્પાઇ સોરેને મુખ્યમંત્રી પદ છોડી દીધુ હતું. જોકે હવે ચમ્પાઇ સોરેને બળવો કરી દીધો છે અને ખુલ્લેઆમ નામ લીધા વગર હેમંત સોરેન અને તેમના પક્ષ ઝારખંડ મુક્તિ મોરચા પર આકરા પ્રહારો કરી રહ્યા છે.
આ સ્થિતિ વચ્ચે ચમ્પાઇ સોરેન દિલ્હી પહોંચ્યા છે ત્યારે મુખ્યમંત્રી હેમંત સોરેને ઝારખંડના ગોડામાં રેલીને સંબોધતા કહ્યું હતું કે ભાજપે ગુજરાત, આસામ અને મહારાષ્ટ્રથી પોતાના માણસો ઝારખંડ લાવીને વર્તમાન સરકારને ઉથલાવવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે. તેઓ આ માટે ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે.
આ વર્ષે જ ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી છે જોકે ચૂંટણી ક્યારે યોજવી જે રાજ્યમાં વિપક્ષ ભાજપ નક્કી કરશે ચૂંટણી પંચ નહીં. જે દર્શાવે છે કે ચૂંટણી પંચ પર ભાજપના લોકોએ કબજો કરી લીધો છે અને હવે તે બંધારણીય સંસ્થા નથી રહી. મારો ભાજપને પડકાર છે કે જો આજે ઝારખંડમાં ચૂંટણી યોજાય તો આવતી કાલે જ ભાજપનો રાજ્યમાંથી સફાયો થઇ જાય.