'મેં ઇન્ડિયા ગઠબંધનનું બીજું નામ રાખવા સૂચવ્યું પરંતુ કોઈએ ધ્યાન જ ન આપ્યું : નીતીશ કુમાર
- 'સીટ-શેરિંગનો નિર્ણય ન થયો તેથી ગઠબંધન છોડયું'
- કાસ્ટ-સેન્સ અંગે ક્રેડિટ લેનારા રાહુલ પર પ્રહારો કરતાં નીતીશે કહ્યું 'મેં ૨૦૧૯-૨૦માં જાહેર સભાઓમાં અને વિધાનસભામાં પણ તે અંગે કહ્યું હતું'
પટણા : ગત સપ્તાહે અચાનક જ ઇંડીયા જૂથ છોડી ભાજપમાં નેતૃત્વ નીચેના એનડીએ જોડાનાર નીતીશ કુમારે કહ્યું હતું કે, મેં ઇંડીયા ગઠબંધનના કોંગ્રેસના અને અન્ય પક્ષોના નેતાઓને એ ગઠબંધનનું કોઈ બીજુ નામ રાખવા સૂચવ્યું હતું પરંતુ, કોઇએ તે ઉપર ધ્યાન જ આપ્યું નહીં. તેટલું જ નહીં પરંતુ, સીટ-શેરીંગ માટે હજી સુધી નિર્ણય ન થતાં આખરે મારે તે ગઠબંધન છોડવું પડયું.
પત્રકારો સાથેની વાતચીતમાં બિહારમાં વિક્રમ સર્જક રીતે ૯મી વખત મુખ્યમંત્રી પદે આવ્યા પછી નીતીશ કુમારે કહ્યું હતું કે, મેં તેઓને ગઠબંધનનું બીજું નામ રાખવા કહ્યું હતું પરંતુ કોઇએ સાંભળ્યું જ નહીં. ઉપરાંત લોકસભાની આગામી ચૂંટણીમાં બેઠકોની વહેંચણી માટે હજી સુધી નિર્ણય ન લેવાતા આખરે મારે તેઓથી છૂટા થવું પડયું.
આ સાથે તેઓએ કહ્યું કે, હવે હું મારા મૂળ પક્ષમાં ફરી જોડાયો છું.
રાહુલ ગાંધી ઉપર પસ્તાળ પાડતા, નીતીશ કુમારે કહ્યું કે, તેઓ કાસ્ટ સેન્સસ અંગે જશ ખાટવા માગે છે અને કહે છે કે, 'તે સૂચન મેં જ કર્યું પરંતુ આ વાત જ મૂળભૂત રીતે ખોટી છે. વાસ્તવમાં મેં જ ૨૦૧૯-૨૦માં કાસ્ટ સેન્સસ યોજવા જાહેરસભાઓ અને વિધાનસભામાં પણ આ અંગે ભારપૂર્વક રજૂઆત કરી હતી. તે તેઓ કેમ ભૂલી ગયા ? આમ છતાં રાહુલ ગાંધી તે અંગે જશ ખાટી જવા માગે છે. તો તેમાં હું શું કરી શકું ?
ટૂંકમાં નીતીશે પત્રકારો સમક્ષ આવી સ્પષ્ટ હકીકત રજૂ કરી હતી.