'હું સરકારી હોસ્પિટલના ફ્લોર પર સૂઈ ગયો હતો...' કોલકાતા કેસમાં CJI ચંદ્રચૂડનું મોટું નિવેદન

Updated: Aug 22nd, 2024


Google NewsGoogle News
'હું સરકારી હોસ્પિટલના ફ્લોર પર સૂઈ ગયો હતો...' કોલકાતા કેસમાં CJI ચંદ્રચૂડનું મોટું નિવેદન 1 - image


Kolkata Rape & Murder Case:  કોલકાતા રેપ એન્ડ મર્ડર કેસ મુદ્દે સુપ્રીમ કોર્ટે સુઓમોટો લઈને ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચમાં સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન CJIએ પોતાની સાથે જોડાયેલી એક ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેમણે પણ એક સમયે સરકારી હોસ્પિટલના ફ્લોર પર સૂવાની ફરજ પડી હતી.

CJIએ કહ્યું, “આપણા બધાના પરિવારના સભ્યો-સંબંધીઓ ક્યારેકને ક્યારેક સરકારી હોસ્પિટલમાં ગયા હોઈશું. એક સમયે મારા પરિવારમાંથી પણ કોઈ બીમાર થયું હતું ત્યારે મારે પણ સરકારી હોસ્પિટલના ફ્લોર પર સૂઈ જવું પડ્યું હતુ. અમે આ તબક્કામાંથી પસાર થયા છીએ. મેં આ સમયે ડૉક્ટરોને 36-36 કલાક સુધી કામ કરતા જોયા છે. અમે અહિંથી ડૉક્ટરોને ખાતરી આપવા માંગવા છીએ કે ડોક્ટરોની વર્તમાન સ્થિતિ અને તેમની સુરક્ષા બાબતે અમે ચિંતિત છીએ. અમારી તમામ સ્થિતિ પર નજર છે.”

આ પણ વાંચો: '30 વર્ષમાં આવો કેસ જોયો નથી', કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટની સુનાવણીમાં શું-શું થયું?

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તે સરકારી હોસ્પિટલોમાં આવતા તમામ દર્દીઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે. AIIMS નાગપુરના રેસિડેન્ટ ડોક્ટરોએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, કોલકાતામાં એક ડૉક્ટર પર રેપ અને હત્યાના કેસનો વિરોધ કરવા બદલ તેમને ત્રાસ આપવામાં આવી રહ્યો છે. સર્વોચ્ચ અદાલતે વિરોધ કરી રહેલા ડૉક્ટરોને પહેલા કામ પર પાછા ફરવા જણાવ્યું તેમજ ખાતરી આપી કે કામ પર પાછા ફર્યા બાદ પણ કોઈ પ્રતિકૂળ કાર્યવાહી કરવામાં આવશે નહી.

FIR લેનારને કોર્ટનું તેડું :

સુપ્રીમ કોર્ટે કોલકાતા પોલીસની ઝાટકણી કાઢતા કહ્યું છે કે આ અપ્રાકૃતિક મૃત્યુ મામલે કેસ નોંધવામાં થયેલ વિલંબ અત્યંત દુઃખદાયક છે અને આ સિસ્ટમ પર મોટો સવાલ ઉભો કરે છે. સર્વોચ્ચ અદાલતે બળાત્કાર-હત્યાની ઘટના અંગે પ્રથમ FIR દાખલ કરનાર કોલકાતા પોલીસ અધિકારીને આગામી સુનાવણીમાં હાજર થવા અને FIR કયા સમયે દાખલ કરવામાં આવી તે અંગેની માહિતી આપવા આદેશ આપ્યો છે.

સીબીઆઈએ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટને કહ્યું કે, રાજ્ય પોલીસે પહેલા પીડિતાના માતા-પિતાને કહ્યું કે આ આત્મહત્યાનો મામલો છે, પછી તેમને કહ્યું કે આ મર્ડર છે. સીબીઆઈએ સુપ્રીમ કોર્ટને એ પણ જણાવ્યું કે, ભોગ બનનાર મહિલા ડૉકટરના મિત્રએ કેસમાં તથ્યો છુપાવવાની આશંકા વ્યક્ત કરી છે અને વીડિયોગ્રાફીનો આગ્રહ કર્યો છે.

સુપ્રીમ કોર્ટે કોલકાતા રેપ-મર્ડર કેસમાં સીબીઆઈ, પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા દાખલ કરાયેલ સ્ટેટસ રિપોર્ટની પણ નોંધ લીધી હતી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, સૌથી ચોંકાવનારી હકીકત એ છે કે મૃતક પીડિતાના અંતિમ સંસ્કાર બાદ રાત્રે 12.45 કલાકે FIR નોંધવામાં આવી હતી.


Google NewsGoogle News