Get The App

જ્યાં ભાજપ સામે સીધી ટક્કર ત્યાં I.N.D.I.A.એ અપનાવી જોરદાર રણનીતિ, ગુજરાતમાં ખાતું ખોલવાની આશા

Updated: Mar 17th, 2024


Google NewsGoogle News
જ્યાં ભાજપ સામે સીધી ટક્કર ત્યાં I.N.D.I.A.એ અપનાવી જોરદાર રણનીતિ, ગુજરાતમાં ખાતું ખોલવાની આશા 1 - image


Lok Sabha Election 2024 : દેશમાં એવી ઘણી બેઠકો છે જ્યાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર થાય છે. છેલ્લી બે લોકસભા ચૂંટણી દરમિયાન વિપક્ષને આ બેઠકો પર હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે કોંગ્રેસ ગઠબંધન પ્રયત્ન કરી રહ્યું છે કે મુકાબલો ગમે એટલો સીધી ટક્કર વાળો હોય પરંતુ ઉમેદવારને તમામ પક્ષો તરફથી સમર્થન મળે. ઉમેદવારોની પસંદગીમાં પણ એવી રણનીતિ તૈયાર કરવામાં આવી છે જેનાથી સીધા મુકાબલા વાળી બેઠકો પર ચૂંટણી એક તરફી થતી રોકી શકાય.

આ વખતે કોંગ્રેસે પણ મોટાભાગના રાજ્યોમાં ગઠબંધન કર્યું

વિપક્ષોનું માનવું છે કે ભાજપને સીધી ટક્કરનો લાભ ફક્ત મતોના ધ્રુવીકરણથી જ મળે છે.એટલે દર વખતે સત્તા પક્ષ દ્વારા એવા મુદ્દા ઉછાળવામાં આવે છે જેનાથી મુકાબલો દ્વિધ્રુવીય થઈ જાય.વિપક્ષ મુસ્લિમ તૃષ્ટિકરણના આરોપથી બચવા માટે જનતા સાથે જોડાયેલા મુદ્દા ઉઠાવી રહ્યો છે. તેમજ ભાજપની ખામીઓ ઉજાગર કરવાની સાથે સાથે પોતાની ગેરંટીને પણ જનતા વચ્ચે લઈ જઈ રહ્યું છે. વિપક્ષ દ્વારા તમામ વર્ગોને લલચાવનારા વચનો પણ આપવામાં આવી રહ્યા છે. ઇન્ડિયા ગઠબંધન હેઠળ કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી, દિલ્હીમાં આમ આદમી પાર્ટી, બિહારમાં આરજેડી અને તમિલનાડુમાં ડીએમકે સાથે મળીને ચૂંટણી લડી રહી છે. ગઠબંધન હોવા છતાં ઘણા રાજ્યોમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર પણ થવાની છે.

રાજસ્થાન અને અસમ પર નજર

ભાજપ રાજસ્થાનમાં મજબૂત જોવા મળી રહ્યું છે પરંતુ નવા મુખ્યમંત્રીની નિમણૂક બાદ બદલાયેલા સમીકરણોને કારણે કોંગ્રેસને બેઠક મળવાની આશા જાગી છે. આસામમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને કારણે કોંગ્રેસમાં મજબૂતી આવી છે પરંતુ તેની અસર લોકસભા ચૂંટણી પર થશે કે કેમ તે જોવાનું રહેશે.

એમપી અને ગુજરાતમાં શું થશે

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ ગઈ વખતે મધ્યપ્રદેશમાં એક પણ બેઠક જીતી શકી નહોતી. આ ઉપરાંત તાજેતરમાં થયેલ વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લી બે ચૂંટણી દરમિયાન કોંગ્રેસ ગુજરાતમાં પોતાનું ખાતું ખોલાવી શકી નથી. આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થતાં શું ફેરફાર થઇ શકે છે તે જમીન સ્તરે જોવાનું રહેશે.

દિલ્હીમાં પણ આ વખતે સાત બેઠકો પર સીધો મુકાબલો

દિલ્હીમાં પણ આ વખતે સાત બેઠકો પર સીધો મુકાબલો થશે. કેમ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળીને ભાજપ સામે લડી રહી છે. જાણકારોનું કહેવુ છે કે સીધી ટક્કરમાં વિપક્ષની સ્થિતિ સુધરી શકે છે. બીજી તરફ છત્તીસગઢ અને હરિયાણામાં કોંગ્રેસને બેઠક મળવાની આશા છે. હરિયાણામાં કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન થયું છે.


Google NewsGoogle News