મારી પાસે છૂપાવવા માટે કઈં નથી: EDના સમન્સ મુદ્દે કેજરીવાલનો જવાબ

Updated: Dec 21st, 2023


Google NewsGoogle News
મારી પાસે છૂપાવવા માટે કઈં નથી: EDના સમન્સ મુદ્દે કેજરીવાલનો જવાબ 1 - image


નવી દિલ્હી,તા. 21 ડિસેમ્બર 2023, ગુરુવાર 

દિલ્હીમાં લિકર પોલિસી મુદ્દે રણસંગ્રામ ચાલી રહ્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની આમ આદમી પાર્ટી શાસિત સરકારના અનેક નેતાઓ અને અધિકારીઓની આ કૌભાંડમાં સંડોવણી ખુલતી ગઈ હતી અને હવે આ રેલો આપના વડા અને અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુધી પહોંચ્યો છે. 

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ફરી કેજરીવાલને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. આ નોટિસની સામે પ્રહાર કરતા અરવિંદ કેજરીવાલે દિલ્હી લિકર પોલિસી કેસમાં EDના સમન્સને ગેરકાયદેસર અને રાજનીતિથી પ્રેરિત ગણાવ્યું છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેમણે પોતાનું જીવન પારદર્શિતા અને ઈમાનદારી સાથે જીવ્યું છે. કેજરીવાલે કહ્યું કે, ‘મારા જીવનમાં કે આ કેસ સંબંધિત મારી પાસે છુપાવવા જેવું કંઈ નથી.’

કેજરીવાલ 10 દિવસની વિપશ્યના યાત્રાએ :

આપ પ્રમુખે કહ્યું કે તેઓ કોઈપણ કાયદાકીય સમન્સ સ્વીકારવા તૈયાર છે. અરવિંદ કેજરીવાલ 10 દિવસની વિપશ્યના યાત્રા પર નીકળ્યા છે. રાજ્યસભામાં તાજેતરમાં આપની કમાન સંભાળનાર AAP સાંસદ રાઘવ ચઢ્ઢાએ પણ કેજરીવાલની તરફેણમાં ઉતરીને કહ્યું કે, “દરેક વ્યક્તિ જાણે છે કે મુખ્યમંત્રી 19 ડિસેમ્બરે વિપશ્યના માટે જઈ રહ્યા છે. તેઓ તેના માટે નિયમિત જાય છે. આ એક પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ છે.”

અરવિંદ કેજરીવાલને અગાઉ 2 નવેમ્બરે ઈડી દ્વારા બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ મધ્યપ્રદેશ ચૂંટણીના પ્રચારને ટાંકીને પૂછપરછમાં જોડાયા ન હતા. સૌથી પહેલા કેજરીવાલને 16 એપ્રિલે ED દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. લગભગ 9 કલાક સુધી તેની પૂછપરછ કરવામાં આવી હતી. તેમના પર આરોપ છે કે દિલ્હી સરકારની 2021-22 માટે દારૂના વેપારીઓને લાઇસન્સ આપવા માટેની આબકારી નીતિ (લિકર પોલિસી) કેટલાક દારૂના વેપારીઓને ફાયદો પહોંચાડવા માટે બનાવવામાં આવી હતી.

AAPને એક બાદ એક ઝટકા :

અત્રે નોંધનીય છે કે આ લિકર કાંડમાં આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓમાં ઘટાડો થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. આ કેસમાં મનીષ સિસોદિયા અને સાંસદ સંજય સિંહ પહેલાથી જ જેલમાં છે. અરવિંદ કેજરીવાલે એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે કેન્દ્રની મોદી સરકાર તપાસ એજન્સીઓનો સહારો લઈને તેમને જેલમાં મોકલવાની તૈયારી કરી રહી છે. કેન્દ્રિય એજન્સીઓ, ઈડી અને સીબીઆઈ બંને દિલ્હી લિકર કૌભાંડની તપાસ કરી રહી છે.


Google NewsGoogle News