મનીષ સિસોદિયા પર મેં કોઈ આરોપ નથી લગાવ્યા, કેજરીવાલે કોર્ટમાં સીબીઆઈના દાવા ફગાવ્યા
Image: Facebook
Delhi Excise Policy Case: દારૂ કૌભાંડ મામલે બુધવારે સીબીઆઈએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લીધી છે. આ દરમિયાન સીબીઆઈએ દિલ્હી લિકર પોલિસી અને તેમાં કેજરીવાલની ભૂમિકાને લઈને કોર્ટમાં ઘણા દાવા કર્યાં છે.
સીબીઆઈએ કોર્ટમાં કહ્યું કે 16 માર્ચ 2021એ એક દારૂના વેપારી સાથે સંપર્ક કરવામાં આવ્યો. મુખ્યમંત્રી કેજરીવાલે લિકર પોલિસીને લઈને તેની સાથે મુલાકાત કરી. કેજરીવાલે 16 માર્ચે સચિવાલયમાં મગુંટા રેડ્ડી સાથે પહેલી વખત મુલાકાત કરી. તે સાંસદ છે અને દક્ષિણમાં મોટું નામ છે. તેમણે કેજરીવાલ સાથે મુલાકાત કરી અને દિલ્હી લિકર પોલિસીને લઈને સપોર્ટ માગ્યો. આની પર કેજરીવાલે મદદનું આશ્વાસન આપ્યું પરંતુ તેમને આમ આદમી પાર્ટીને ફંડ આપવાનું કહેવામાં આવ્યું.
કેજરીવાલે સિસોદિયા અંગે શું કહ્યું?
સીબીઆઈએ કહ્યું કે મંગુટા રેડ્ડીને કે.કવિતા સાથે વાત કરવાનું કહેવામાં આવ્યું હતું. 19 માર્ચ 2021એ કવિતાએ રેડ્ડી સાથે સંપર્ક કર્યો અને તેમને હૈદરાબાદમાં મળવાનું કહ્યું. હૈદરાબાદમાં કવિતાએ રેડ્ડી પાસે પચાસ કરોડની માગ કરી. રેડ્ડીને જણાવવામાં આવ્યું કે તે પહેલેથી જ નવી લિકર પોલિસી પર કામ કરી રહ્યાં છે અને તેમને આ પોલિસી પર સાથે મળીને કામ કરવા માટે કહેવામાં આવ્યું. આ બધું મુખ્યમંત્રી કેજરીવાલની જાણકારી અને તેમના આદેશ પર થયું.
સીબીઆઈએ કહ્યું કે કેજરીવાલનું કહેવું છે કે વિજય નાયરે તેમની સાથે કામ કર્યું નથી પરંતુ તેણે આતિશી અને સૌરભ ભારદ્વાજ હેઠળ કામ કર્યું હતું. સીબીઆઈનો દાવો છે કે આ રીતે કેજરીવાલે દિલ્હી એક્સાઈઝ પોલિસીની પૂરી જવાબદારી મનીષ સિસોદિયા પર નાખી દીધી. કેજરીવાલે કહ્યું કે એક્સાઈઝ પોલિસીનો આઈડિયા તેમનો નહીં પરંતુ મનીષ સિસોદિયાનો હતો.
સીબીઆઈનો દાવો છે કે અમને કેજરીવાલ સાથે કસ્ટડીમાં પૂછપરછની જરૂર છે. તે એ પણ જણાવી રહ્યાં નથી કે વિજય નાયર તેમના હેઠળ કામ કરી રહ્યાં હતાં. તેમનું કહેવું છે કે તે આતિશી માર્લેના અને સૌરભ ભારદ્વાજ હેઠળ કામ કરી રહ્યાં હતાં. તેમણે તમામ દોષ મનીષ સિસોદિયા પર નાખતાં કહ્યું કે તેમને આબકારી નીતિ વિશે કોઈ જાણકારી નથી.
શા માટે CBIએ ધરપકડ કરી?
કેજરીવાલની ધરપકડ માટે સીબીઆઈનું કારણ એ હતું કે તેઓ તે કેબિનેટનો ભાગ હતા જેણે લિકર પોલિસીને મંજૂરી આપી હતી. તપાસ એજન્સીએ આરોપ લગાવ્યો છે કે લાંચ લીધા બાદ દિલ્હીની આબકારી નીતિ 2021-22માં હિતધારકોના મન અનુસાર સુધારા કરવામાં આવ્યાં. જથ્થાબંધ વેપારીઓ માટે પ્રોફિટ માર્જિન 5 ટકાથી વધારીને 12 ટકા કરી દેવાયું.
કેજરીવાલના વકીલ વિક્રમ ચૌધરીએ આનો વિરોધ કર્યો. તેમણે કહ્યું, કેજરીવાલને બીજા મામલે ન્યાયિક કસ્ટડીમાં રાખતાં સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી. કોઈ આદેશ પસાર થઈ ગયો છે અને અમને જાણકારી નથી. જે રીતે આ કરવામાં આવ્યું છે તે ગંભીર ચિંતાનો વિષય છે અને આ બંધારણની કલમ 21નું ઉલ્લંઘન છે. અમને મીડિયા પાસેથી અરવિંદ કેજરીવાલની ધરપકડ વિશે ખબર પડી. અમે માગ કરીએ છીએ કે સીબીઆઈ તરફથી દાખલ રિમાન્ડ અરજીની કોપી અમને પણ આપવામાં આવે.