યુપીમાં ફરી રાજકીય ગરમાવો! CM યોગીના નારા 'બટેંગે તો કટેંગે' અંગે કેશવ પ્રસાદ મૌર્યનું સૂચક નિવેદન
Keshav Prasad Maurya on CM Yogi's Slogan: ઉત્તર પ્રદેશમાં સીએમ યોગી આદિત્યનાથના નારાથી રાજકારણ ગરમાયું છે. આજે કાનપુરની સભામાં સીએમ આદિત્યનાથે ફરી એક વખત 'બટેંગે તો કટેંગે'ના નારાનો ઉલ્લેખ કર્યો હતો.બીજી તરફ મંઝવા પેટા ચૂંટણીના પ્રચાર બાદ એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે,હું મુખ્યમંત્રીના 'બટેંગે તો કટેંગે'નિવેદન પર કોઈ ટિપ્પણી કરવા નથી માગતો.
કેશવ મૌર્યએ કહ્યું કે, હું એ નથી જાણતો કે, મુખ્યમંત્રીએ કયા સંદર્ભમાં આ વાત કરી છે, તેથી હું કોઈ ટિપ્પણી નહીં કરીશ. પરંતુ વડા પ્રધાને આપેલ 'સબકા સાથ સબકા વિકાસ' અને 'એક હૈ તો સેફ હૈ' નારો જ અમારો નારો છે. તેમણે આગળ કહ્યું કે, 'મુખ્યમંત્રીએ જે પણ કહ્યું છે તે કંઈક વિચારીને જ કહ્યું હશે. હું નથી જાણતો કે, તેમણે આ વાતો કયા સંદર્ભમાં કહી છે, પરંતુ તેના પર ટિપ્પણી કરવી મારા માટે યોગ્ય નથી.'
આ પણ વાંચો: આતંકવાદીઓ હવે પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી: PM મોદીએ પાકિસ્તાન પર કર્યો કટાક્ષ
સ્પષ્ટ રીતે કેશવ મૌર્યએ સ્પષ્ટપણે, 'બટેંગે તો કટેંગે'ના નારા પર ખુદને મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથની લાઈનથી અલગ રાખ્યા છે. ઝાંસીની હોસ્પિટલમાં બાળકોના મૃત્યુને અત્યંત દુ:ખદ ગણાવતા કેશવ મૌર્યએ કહ્યું કે, આ ઘટનાથી અમને ઘણું દુઃખ થયું છે પરંતુ જો આ મામલે કોઈ બેદરકારી કે ભૂલ જોવા મળશે તો સરકાર કોઈને પણ છોડશે નહીં અને ખૂબ જ કડક કાર્યવાહી કરવામાં આવશે. કેશવ મૌર્યએ જણાવ્યું કે, ઝાંસીના આ કેસમાં ત્રણ સ્તરીય તપાસ ચાલી રહી છે અને રિપોર્ટ આવ્યા બાદ કડક કાર્યવાહી કરવામાં આવશે.