'દ્રૌપદીની જેમ મારૂં ચીરહરણ થયું, પણ જનતા મારી કૃષ્ણ બની’: મહિલા MPનો સંસદમાં રણસંગ્રામ
સોમવારે 18મી લોકસભાની રચના બાદ સંસદના પ્રથમ સત્રના છઠ્ઠા દિવસે રાહુલ ગાંધી સહિત અનેક વિપક્ષી નેતાઓએ શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. વિરોધ પક્ષના નેતાના નિવેદનો પણ સંસદમાં ભારે હોબાળો મચ્યો હતો. NEET, અગ્નિવીરથી લઈને હિન્દુ સહિતના મુદ્દાઓ પણ ભારે રણસંગ્રામ મચ્યો હતો. આ બહેતી ગંગામાં ટીએમસીના સાંસદે પણ હાથ ધોયા હતા અને સરકાર પર ચાબખા માર્યા હતા.
ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ પણ આજે શાસક પક્ષને ઘેર્યો અને કહ્યું કે, છેલ્લી વખત જ્યારે હું અહીં ઉભી હતી ત્યારે મને બોલવા દેવામાં નહોતી આવી. સંસદમાં એક ચૂંટાયેલા સાંસદનો અવાજ દબાવવા માટે સત્તાધારી પક્ષને ભારે કિંમત ચૂકવવી પડી છે. મારા અવાજને દબાવવાના પ્રયાસમાં જનતાએ તમારા 63 સાંસદોને કાયમ માટે ઘરે બેસાડી દીધા છે.
TMC સાંસદે વધુમાં કહ્યું કે, "દ્રૌપદીની જેમ મારૂં ભરી સભામાં ચીરહરણ થયું હતુ પરંતુ જનતા મારા માટે કૃષ્ણ બની ગઈ" મહુઆ મોઇત્રાએ પીએમ મોદી તરફ પોતાનું ભાષણ સંબોધતા કહ્યું કે, વડાપ્રધાન સાહેબ, તમે એક કલાકથી અહીં છો. હું તમને વિનંતી કરું છું કે મારી વાત પણ સાંભળીને જાઓ. ડરશો નહીં, તમે બે વાર મારા મત વિસ્તારમાં આવ્યા હતા તેથી આજે થોડું મારૂં પણ સાંભળતા જાવ સાહેબ.
મોઇત્રાએ કેન્દ્ર પર સાધ્યું નિશાન :
આક્રોશ અને કડક અવાજમાં TMC સાંસદે ખેડૂતોની માંગણીઓ પૂરી ન કરવા અને NEET અંગે ચાલી રહેલા વિવાદને લઈને પણ કેન્દ્ર પર નિશાન સાધ્યું હતુ. અમુક સમય પહેલા લોકો મને કહેતા હતા કે મેં બધું ગુમાવી દીધું છે પરંતુ તેમ છતાં મેં એક વસ્તુ હાંસલ કરી અને તે છે ભયમાંથી મુક્તિ. હવે મને કોઈ ડરાવી શકશે નહિ. આ ચાબખા સાથે મહુઆએ લદ્દાખના મુદ્દે પણ કેન્દ્ર સરકારને ઘેરી હતી.