'લૂંટ તો મેં કરી પણ, પોલીસે એન્કાઉન્ટર બીજાનું કરી નાખ્યું', ચોરના દાવાથી યુપી પોલીસ ભીંસમાં
Lucknow News | ઉત્તર પ્રદેશની મુખ્ય વિપક્ષી પાર્ટી સમાજવાદી પાર્ટીએ રાજ્યની પોલીસ પર ફેક એન્કાઉન્ટરના અનેક આરોપો લગાવ્યા છે. હવે, પોલીસ પર આરોપ લગાવનાર અન્ય કોઈ વ્યક્તિ નહીં પરંતુ, ખુદ કેસનો મુખ્ય આરોપી છે.
સહારનપુર જનસેવા કેન્દ્રમાં લૂંટના કેસમાં પોલીસે બે વ્યક્તિઓના એન્કાઉન્ટર કર્યા હતા. હવે, એક વ્યકિતએ સામે આવીને કહ્યું છે કે, આ સ્થળે તેણે જ લૂંટ ચલાવી હતી. પોલીસ આ કેસમાં રૂ. 25000ની મત્તા જપ્ત કરાઈ હોવાનું કહી રહી છે ત્યારે, મુખ્ય આરોપી કહી રહ્યો છે કે, લૂંટ માત્ર રૂ. 6900ની હતી. બાકીના નાણા પોલીસ ક્યાંથી લાવી?
રિપોર્ટ મુજબ, સહારનપુર જનસેવા કેન્દ્રમાં ચાર લૂંટારાઓએ હથિયારોના સહારે લૂંટ ચલાવી હતી. કર્મચારીઓ પાસેથી કેશ ડ્રોવર લઈને તેઓ ફરાર થઈ ગયા હતા. જનસેવા સંચાલકના જણાવ્યા અનુસાર,1.5 લાખની લૂંટ થઈ હતી. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ પણ થયો હતો. પોલીસ ઘટનાના છ દિવસ બાદ અલગ-અલગ એન્કાઉન્ટરમાં નિખિલ, જુનૈત અને અભિષેકને પગમાં ગોળી મારીને તેમની ધરપકડ કરી હતી. જ્યારે, ચોથા આરોપી ઈખ્તારને ઝડપીને તેની પાસેથી રૂ. 25 હજાર જપ્ત કર્યા હતા. મુખ્ય આરોપી વિન્ની નાગરનો વીડિયો વાયરલ થયો છે. તેણે ગુનાનો સ્વીકાર કરીને પોલીસની કહાણીને ખોટી ગણાવી છે.