હાથરસ કાંડમાં મારો હાથ નથી, ઘટના વખતે હું સ્થળ પર હતો જ નહીં : બાબા
ધક્કામુક્કીમાં માર્યા ગયેલા ૧૨૧માં ૧૧૪ મહિલાઓ
૮૦ હજારની મંજૂરી વચ્ચે ૨.૫ લાખ લોકો એકઠા થયા, તંત્રનો કોઇ દોષ નથી, આયોજકો જવાબદાર ઃ એફઆઇઆર
હાથરસ : ઉત્તર પ્રદેશના હાથરસમાં સત્સંગના કાર્યક્રમ બાદ થયેલી ધક્કામુક્કીમાં મૃત્યુઆંક ૧૨૧ સુધી પહોંચી ગયો છે, મૃતકોમાં ૧૧૪ જેટલી મહિલાઓનો સમાવેશ થાય છે. ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા આ મામલે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. જોકે ફરિયાદમાં સત્સંગનું આયોજન કરનારા નારાયણ સાકાર હરિ ઉર્ફે ભોલે બાબાનું નામ નથી.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કાર્યક્રમ માટે ૮૦ હજાર લોકોની અનુમતી અપાઇ હતી જ્યારે સ્થળ પર ૨.૫ લાખ લોકો ઉપસ્થિત હતા, સત્સંગ કરનારો ભોલે બાબા હજુ પણ ફરાર છે પણ તેણે એક નિવેદન જાહેર કરીને દાવો કર્યો છે કે હું જતો રહ્યો તે બાદ ધક્કામુક્કી થઇ હતી તેથી આ સમગ્ર ઘટનામાં મારો કોઇ હાથ નથી, બહારના લોકો દ્વારા આ નાસભાગને અંજામ અપાયો છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘાયલોની મુલાકાત લીધી હતી, જે બાદ તેમણે પત્રકારોની સાથે વાતચીતમાં કહ્યું હતું કે જે પણ લોકો જવાબદાર હશે તેમની સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે, હાલ સમગ્ર ઘટનાની તપાસ માટે એસઆઇટીની રચના કરવામાં આવી છે. પોલીસ ફરિયાદમાં પોલીસને ક્લીનચિટ અપાઇ છે અને દાવો કરાયો છે કે પોલીસ દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. સિકંદર રાઉ પોલીસ સ્ટેશનમાં દાખલ એફઆઇઆરમાં સત્સંગનું આયોજન કરનારા મુખ્ય સેવાદાર દેવ પ્રકાશ માધુકર તેમજ અન્ય આયોજકોનું નામ સામેલ કરાયું છે. જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૫ (સદોષ માનવ વધ), ૧૧૦ (સદોષ માનવ વધનો પ્રયાસ) ઉપરાંત પુરાવાનો નાશ કરવા સહિતના આરોપો લગાવવામાં આવ્યા છે.
એફઆઇઆર મુજબ કાર્યક્રમ માટે ૮૦ હજાર લોકોની અનુમતી અપાઇ હતી, જોકે ૨.૫ લાખથી વધુ લોકોને એકઠા કરાયા હતા. સત્સંગના મુખ્ય વક્તા ભોલે બાબા કાર્યક્રમ પૂર્ણ કરીને જઇ રહ્યા હતા તે સમયે જ નાસભાગ થઇ હતી, ઉકળાટ અને બીજી તરફ ગ્રાઉન્ડ પર ભારે કિચડને કારણે ધક્કામુક્કી થઇ હતી. જોકે સત્સંગ કરનારા બાબાએ એક નિવેદન જાહેર કરીને દોષનો ટોપલો કોઇ અજાણ્યા અસામાજિક તત્વો પર ઢોળી દીધો છે. નારાયણ સાકાર હરિ ઉર્ફે ભોલે બાબા દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં દાવો કર્યો હતો કે હું કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ જતો રહ્યો હતો જે પછી ધક્કામુક્કી શરૂ થઇ હતી, જેની પાછળ અસામાજિક તત્વો જવાબદાર છે. જેમની સામે કાર્યવાહી માટે અમે સુપ્રીમ કોર્ટના વરીષ્ઠ વકીલને મામલો સોંપ્યો છે.
જ્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઘાયલોને મળ્યા હતા જે બાદ તેમણે કહ્યું હતું કે સેવાદારો લોકોની સાથે ધક્કામુક્કી કરી રહ્યા હતા, જેને કારણે નાસભાગ થઇ હતી, સેવાદારોએ પોલીસને કાર્યક્રમના સ્થળ પર પ્રવેશતા અટકાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે બાદમાં જ્યારે પ્રશાસન દ્વારા ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા હતા ત્યારે તમામ સેવાદારો સ્થળ પરથી ભાગી ગયા હતા. જે પણ લોકો જવાબદાર છે તેમની સામે કાર્યવાહી થઇ રહી છે. દરમિયાન ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સપાના વડા અખિલેશ યાદવ સાથે ભોલે બાબાની એક જુની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. એસડીએમની તપાસમાં પણ સામે આવ્યું છે કે ભોલે બાબાની પ્રાઇવેટ સિક્યોરિટી દ્વારા લોકોની સાથે ધક્કામુક્કી કરવામાં આવી હતી જેને કારણે બાદમાં નાસભાગ થઇ હતી.
બીજી તરફ હાથરસ ધક્કામુક્કી કાંડને લઇને સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઇ છે અને સમગ્ર મામલે નિષ્ણાતોની પેનલ રચીને તપાસ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. આ અરજી વકીલ વિશાલ તિવારી દ્વારા કરવામાં આવી છે. જેમાં સમગ્ર ઘટનાનો રિપોર્ટ સોંપવા ઉ. પ્રદેશ સરકારને આદેશ અપાય તેવી પણ માગણી કરવામાં આવી છે. જ્યારે ઉત્તર પ્રદેશની ઇલ્હાબાદ હાઇકોર્ટમાં વકીલ ગૌરવ દ્વિવેદી દ્વારા પીઆઇએલ કરાઇ છે જેમાં સમગ્ર મામલાને સીબીઆઇને સોંપવાની માગણી કરવામાં આવી છે. હાલ ઘાયલોની સારવાર ચાલી રહી છે અને એસઆઇટી દ્વારા તપાસ કરાઇ રહી છે, જોકે ભોલે બાબા ફરાર છે અને હજુસુધી કોઇની પણ ધરપકડ કરવામાં નથી આવી.