તમારા ઘરનું નામ બદલી નાંખુ તો શું એ મારું થઈ જશે?, અરુણાચલ મુદ્દે ચીનને જયશંકરનો જવાબ
S.Jaishankar reply to China : ચીને અરૂણાચલ પ્રદેશના કેટલાક સ્થળોના નામ બદલવાની યાદી જાહેર કરતા ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. આ મામલે કેન્દ્રીય વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું કે, ‘જો હું આજે તમારા ઘરનું નામ બદલી નાખું, તો શું તે ઘર મારું થઈ જશે? અરૂણાચલ પ્રદેશ ભારતમાં રાજ્ય હતું, છે અને રહેશે. નામ બદલવાથી કંઈ થતું નથી અને તેનાથી કોઈ પ્રભાવ પણ નહીં પડે. તમે બધા જાણો છો કે, અમારી સેના ત્યાં (LAC પર) તહેનાત છે. સેનાના લોકો જાણો છે કે, તેમણે ત્યાં શું કરવાનું છે.’
ચીને અરણાચલના 30 સ્થળોના નામ બદલ્યા
ઉલ્લેખનીય છે કે, ચીને આજે ચોથી વખત ભારતની જમીન પર દાવો કર્યો છે. તેણે ફરી અરૂણાચલપ્રદેશ (Arunachal Pradesh)ના કેટલાક સ્થળોના નામો બદલી 30 નામોની યાદી જાહેર કરી છે. ચીનના સરકારી સમાચાર પત્ર ‘ગ્લોબલ ટાઈમ્સે તાજેતરમાં કહ્યું કે, ચીનીના નાગરિક બાબતોના મંત્રાલયે ‘જંગનાન’ માં પ્રમાણિત ભૌગોલિક નામોની ચોથી યાદી જાહેર કરી છે.
ચીની મંત્રાલયે વેબસાઈટ પર નામ જાહેર કર્યા
ચીન હંમેશા ભારતના અરૂણાચલ પ્રદેશને ‘જંગનાન’ નામથી ઉલ્લેખ કરતો રહે છે અને આ રાજ્ય દક્ષિણ તિબેટનો ભાગ હોવાનો દાવો કરતું રહે છે, ત્યારે ચીનના મંત્રાલયની સત્તાવાર વેબસાઈટ પર અરૂણાચલ પ્રદેશના કેટલાક સ્થળોના બદલાયેલા 30 નામોની યાદી જાહેર કરાઈ છે. તેમાં એમ પણ કહેવાયું છે કે, એક મેથી આ યાદીનો અમલ થશે.
ચીને અગાઉ ત્રણ વખત યાદી જાહેર કરી હતી
ચીને અગાઉ 2017માં ભારત વિરુદ્ધ અટકચાળો કરી અરૂણાચલ પ્રદેશના છ સ્થળોના નામ બદલી નાખ્યા હતા, ત્યારબાદ 2021માં 15 સ્થળોના અને 2023માં 11 સ્થળોના નામો બદલી નાખ્યા હતા. ત્યારે હવે ચીને ફરી અરૂણાચલના 30 સ્થળોના નામ બદલે ભારતને છંછેડવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે ચીને 11 નામોની ત્રીજી યાદી જાહેર કરી હતી, ત્યારે અમેરિકાએ પણ ચીનની ઝાટકણી કાઢી કહ્યું હતું કે, અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે.