પીએમ મોદી પછી ભાજપનું નેતૃત્વ કોણ કરશે? જાણીતા વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર શું બોલ્યાં જુઓ
ભાજપે તમામ ચૂંટણી પી.એમ. મોદીના નામે જીતી છે તેઓ ભાજપની સૌથી મોટી તાકાત છે સાથે મોટી સમસ્યા તે છે, ભાજપ મોદી પર અત્યંત નિર્ભર છે
ચૂંટણી રણનીતિકાર તરીકે ખ્યાતનામ બની ગયેલા પ્રશાંત કિશોરે ભાજપ અંગે ભારે મોટી ટિપ્પણી કરી છે. તેઓએ કહ્યું : આજે ભાજપ તમામ ચૂંટણી પી.એમ. મોદીના નામે જીતી રહી છે તેઓ ભાજપ માટે સૌથી મોટી તાકાત છે તે જ તેની સૌથી મોટી સમસ્યા પણ છે. પત્રકારોને આપેલી એક મુલાકાતમાં તેઓએ કહ્યું કે, 'ભાજપની સૌથી મોટી સમસ્યા તે છે કે તે નરેન્દ્ર મોદી ઉપર અત્યંત નિર્ભર છે.'
જે આવશે તે વધુ હાર્ડલાઈનર હશે...
આ તબક્કે જ્યારે તેઓને પૂછવામાં આવ્યું કે, 'નરેન્દ્ર મોદી પછી ભાજપનું નેતૃત્વ કોની પાસે હશે ? ત્યારે પી.કે. તરીકે જાણીતા થઈ રહેલા આ ચૂંટણી રણનીતિકારે કહ્યું : કે 'નરેન્દ્ર મોદી પછી કોણ આવશે તે હું ન કહી શકું પરંતુ તેઓ પછી જે કોઈ આવશે તે વધુ ને વધુ હાર્ડલાઇનર હશે.' તેમણે ભાજપ- જેડીયુના સંબંધો ઉપર પણ ટીપ્પણી કરતા કહ્યું કે, ભાજપે નીતિશકુમારને એટલા માટે સાથે લીધા છે કે, જેથી વિપક્ષી એકતા ખત્મ થઈ શકે. ભાજપે પહેલેથી જ જેડીયુને ગળી લીધો છે તે નીતિશકુમાર પણ જાણે છે પરંતુ જે કૈં બન્યું છે તેના સહારે થોડા વધુ સમય સુધી તેઓ મુખ્યમંત્રીપદે રહેવા માંગે છે. પરંતુ હવે તેઓની પાર્ટીનો આખરી દોર ચાલે છે.
મોટાભાગના રાજકીય પક્ષો માટે કામ કરી ચૂક્યા છે પી.કે.
ભાજપ, કોંગ્રેસ અને ટીએમસી સહિત ઘણાં પક્ષો સાથે કામ કરી ચૂકેલા પી.કે.એ કહ્યું કે, કોંગ્રેસ આધાર યોજના લઈને આવી હતી પરંતુ તેનો લાભ ઉઠાવી શકી નહીં. ભાજપ તે સ્કીમ લોકો સુધી લઈ ગયો તેનો લાભ લીધો હવે કોંગ્રેસ તેની ક્રેડિટ લેવાની વાત કરે છે પરંતુ તેમાં તે ઘણી મોડી પડી છે. ભાજપે તમામ યોજનાઓને આધાર સાથે જોડી દીધી છે. મંડલના નામ પર પુરુષોને સાથે લીધા 'મંદિર'ના નામ પર મહિલાઓને સાથે લીધી. આ રીતે ભાજપે મહિલાઓને તેની વૉટ-બેન્ક બનાવી દીધી. મોદી વિશે તેમણે કહ્યું તેઓ સતત પોતાની છબી બદલતા રહે છે તેથી તેઓને ચૂંટણીમાં સતત વિજય મળે છે. આ સાથે તેઓએ રાહુલ ગાંધીની 'ભારત જોડો ન્યાય યાત્રા' અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા. પી.કે.એ કહ્યું હું સતત કોંગ્રેસને કહેતો આવ્યો છું કે, તમે નવા અવતારમાં આવો, રાજકારણ પણ શેરબજાર જેવું છે. કોઈ બીજાના આધારે ઉછળી ન શકે. તમે કદીક 'રાફેલ' સોદાની વાત કરો છો, તો કદીક હિન્દૂત્વની વાત કરો છો. આ બધું કામીયાબ ન નીવડી શકે. તમારે તમારા મુદ્દાઓ ઉપર જ ટકી રહેવું જોઈએ અને તે લઈને જનતા વચ્ચે જવું જોઈએ, સંદેશો આપવો જોઈએ.