VIDEO: કંપનીના કાર્યક્રમમાં હીરોની જેમ એન્ટ્રી કરી રહ્યા હતા CEO, કેબલ તૂટ્યો અને નીચે પટકાયા, થયું મોત
- આ દુર્ઘટનામાં કંપનીના પ્રેસિડેન્ટ ગંભીર રીતે ઘાયલ થયા છે
હૈદરાબાદ, તા. 20 જાન્યુઆરી 2024, શનિવાર
હૈદરાબાદના રામોજી ફિલ્મ સિટીમાં શુક્રવારે થયેલી એક દુર્ઘટનામાં પ્રાઈવેટ કંપનીના CEOનું મોત થઈ ગયુ હતું. કંપનીના સિલ્વર જુબલીના અવસર પર ત્યાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. સ્થળ રામોજી ફિલ્મ સિટી હતી. કાર્યક્રમના આયોજકોએ નક્કી કર્યું હતું કે, કંપનીના CEO અને પ્રેસિડેન્ટ હીરોની જેમ એન્ટ્રી કરશે.
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, હોલમાં કેટલાક લોકો બેઠા છે. બીજી તરફ સામે મંચની ઉપર લોખંડના પાંજરામાં બેસીને બે લોકો (કંપનીના CEO અને પ્રેસિડેન્ટ) આવી રહ્યા છે. પાંજરામાંથી આતશબાજી કરવામાં આવી રહી છે. તેની હાજર લોકો ખુશીથી નાચી રહ્યા છે.
ક્રેન સાથે જોડાયેલા કેબલ સાથે લટકાવવામાં આવ્યુ હતું પાંજરુ
પાંજરાને ક્રેન સાથે જોડાયેલા કેબલ સાથે લટકાવવામાં આવ્યું હતું. કેબલની મદદથી પાંજરાને નીચે લાવવામાં આવી રહ્યુ હતું. આ દરમિયાન કેબલ તૂટી જતાં પાંજરામાં હાજર બંને લોકો નીચે પટકાયા હતા. દુર્ઘટના બાદ CEO અને પ્રેસિડેન્ટને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ CEOનું મોત થઈ ગયું અને પ્રેસિડેન્ટ ગંભીર રીતે ઘાયલ છે.
પાંજરુ 6 મિમી કેબલના માધ્યમથી 25 ફૂટની ઉંચાઈએ ક્રેનથી લટકેલુ હતું
મૃતક CEOનું નામ સંજય શાહ હતું. તેમની ઉંમર 56 વર્ષ હતી. કંપનીના પ્રેસિડેન્ટનું નામ રાજુ દતલા (52) છે. બંને જે લોખંડના પાંજરામાંથી એન્ટ્રી કરી રહ્યા હતા તેમાં નીચલો ભાગ ધાતુનો હતો. પાંજરુ 6 મિમી કેબલના માધ્યમથી 25 ફૂટની ઉંચાઈએ ક્રેનથી લટકેલુ હતું. પોલીસે જણાવ્યું કે લોખંડના પાંજરાને નીચે ઉતારવામાં આવી રહ્યું હતું એ જ સમયે કેબલ એક બાજુથી તૂટી ગયો અને બંને કોંક્રીટ સ્ટેજ પર પડી ગયા.