અબજપતિ બિઝનેસમેનને દોહિત્રએ જ 70 વખત ચપ્પાના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા
Velamati Chandrashekhar Janardhan Rao: તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વેલજન ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝના 86 વર્ષીય સ્થાપક વેલામતી ચંદ્રશેખર જનાર્દન રાવની તેમના જ ઘરમાં તેમના 29 વર્ષના દોહિત્ર કિલારુ કીર્તિ તેજા દ્વારા છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. દોહિત્રએ પ્રોપર્ટીના વિવાદને કારણે ઉદ્યોગપતિની હત્યા કરી હતી. 8 ફેબ્રુઆરીએ આરોપીની અટકાયત કરવામાં આવી હતી.
પ્રોપર્ટીની વહેંચણીને લઈને ભારે વિવાદ
અહેવાલો અનુસાર, પ્રોપર્ટીના વિવાદને લઈને તેજાએ કથિત રૂપે તેના નાના સામે વિરોધ કર્યો હતો અને તેના પર મિલકતની યોગ્ય રીતે વહેંચણી ન કરવાનો આરોપ લગાવ્યો હતો, જેના કારણે ભારે વિવાદ થયો હતો. આ વિવાદ પછી, દલીલ એટલી હદે વધી ગઈ કે ગુસ્સામાં તેજાએ જનાર્દન રાવ પર છરી વડે 70 ઘા મારીને તેમની હત્યા કરી હતી.
રાવના પુત્રી વિવાદને રોકવાનો પ્રયાસ કરતી વખતે ઘાયલ
ઝઘડા દરમિયાન, તેજાની માતા અને રાવના પુત્રી, સરોજિની દેવીએ વિવાદ રોકવાનો પ્રયાસ કર્યો, આ દરમિયાન તેજાએ તેમને પણ ચાકૂ માર્યું હતું અને તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. હાલમાં તેમની સારવાર ચાલી રહી છે.
પ્રાથમિક તપાસ બાદ અધિકારીઓએ જણાવ્યું કે વિવાદ દરમિયાન તેજાએ છરી કાઢી અને તેના નાના પર હુમલો કર્યો. તેજાનો આરોપ છે કે બાળપણથી જ મારા નાનાનું મારા પ્રત્યેનું વર્તન સારું નહોતું અને તેઓ પ્રોપર્ટીમાં ભાગ આપવાનો ઈન્કાર કરી રહ્યા હતા.
અભ્યાસ કરીને અમેરિકાથી પરત ફર્યો હતો
તેજા તાજેતરમાં જ પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂરો કરીને યુએસથી હૈદરાબાદ પાછો ફર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો અને તેની ધરપકડ કરવામાં આવી.
જનાર્દન રાવ એક પ્રસિદ્ધ ઉદ્યોગપતિ હતા, તેમણે શિપબિલ્ડીંગ, ઉર્જા અને ઔદ્યોગિક એપ્લિકેશનો સહિત અનેક ક્ષેત્રોમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.