ઠુકરા કે મેરા પ્યાર...! પત્નીને ભણાવી સરકારી નોકરી અપાવી તો છોડીને જતી રહી, પતિએ લીધો બદલો
AI Image |
Kota News : બોલીવૂડ ફિલ્મ ગીત 'ઠુકરા કે મેરા પ્યાર, મેરા ઈન્તેકામ દેખેંગી...' જેવી ઘટના રાજસ્થાનના કોટામાં બની. જ્યાં પત્નીને સરકારી નોકરી અપાવવા માટે પતિ સપોર્ટ કરે છે અને ભણતરનો ખર્ચ ઉઠાવે છે. પરંતુ પત્નીને સરકારી નોકરી મળી જાય છે, તો તેના પતિને છોડીને જતી રહે છે. જ્યારે પતિએ પત્ની પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, 'તેની જગ્યાએ અન્ય કોઈએ પરીક્ષા આપી હતી.' સમગ્ર મામલે પતિએ સેન્ટ્રલ રેલવે વિજિલન્સ વિભાગ અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનમાં ફરિયાદ દાખલ કરાવતાં પત્નીને સસ્પેન્ડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી.
શું છે સમગ્ર ઘટના?
રાજસ્થાનના કોટામાં મનીષ મીણા નામના પતિએ તેની પત્ની સપનાને ભણાવી-ગણાવીને રેલવેમાં નોકરી અપાવે છે. જેમાં સપનાને કોટાના સોગરિયા રેલવે સ્ટેશન પર પોઈન્ટ્સમેનમાં નોકરી મળે છે. જો કે, આ પછી મનીષે નોકરી મળ્યા બાદ સપના છોડીને જતી રહી હોવાનો આરોપ કરતાં જણાવ્યું હતું કે, 'સપનાની જગ્યાએ અન્ય કોઈએ પરીક્ષા આપી હતી.' સમગ્ર મામલાની જાણ રેલવે વિભાગમાં થતાં સપનાને સસ્પેન્ડ કરવામાં આવી હતી. જ્યારે કોટા ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કમર્શિયલ ઓફિસરે જણાવ્યું હતું કે, 'સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.'
પતિએ લગાવ્યા ગંભીર આરોપ
પતિ મનીષે જણાવ્યું હતું કે, 'મે મારી પત્નીને ભણાવાનો ખર્ચ ઉઠાવ્યો અને રેલવે ભરતીની પરીક્ષા માટે તૈયારી કરવામાં તેને મદદ કરી હતી. એક સંબંધીએ 15 લાખ રૂપિયામાં પ્રોક્સી ઉમેદવારની વ્યવસ્થા કરી હતી.' મનીષે દાવો કર્યો હતો કે, તેને આ માટે પોતાની જમીન પણ ગીરવે મુકી હતી અને સમગ્ર પ્રક્રિયામાં રેલવે કર્મચારી રાજેન્દ્રએ એજન્ટ તરીકેનું કામ કર્યુ હતું. લક્ષ્મી મીણા તરીકે ઓળખાતી પ્રોક્સી ઉમેદવારે સપનાની જગ્યાએ પરીક્ષા આપી હતી અને નોકરી મેળવી લીધી હતી.
CBIએ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી
મનીષના મુજબ, સપનાએ નોકરી મળ્યાના છ મહિના બાદ તેને છોડી દીધો હતો અને કહેલું કે, 'તે એક બેરોજગાર વ્યક્તિ સાથે નહી રહી શકે.' જ્યારે મનીષે આ બાબતે સેન્ટ્રલ રેલવે વિજિલન્સ વિભાગ અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. ત્યારબાદ રેલવેના અધિકારીઓ દ્વારા કરોલી, કોટા અને અલવરમાં તપાસ કરીને સમગ્ર મામલે સંકળાયેલા ડોક્યુમેન્ટ જપ્ત કર્યા હતા. જેમાં અધિકારીઓને જાણવા મળ્યું હતું કે, સપનાની ભરતી પ્રક્રિયામાં ખોટી ઓળખ દર્શાવામાં આવી હતી. સમગ્ર મામલે CBIએ સપના અને કથિત પ્રોક્સી ઉમેદવાર વિરુદ્ધમાં ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી.