પત્નીને પતિ વેઠીયા મજૂર કે પાલતું ઢોરની જેમ ના રાખી શકે : હાઇકોર્ટ

Updated: Oct 27th, 2023


Google NewsGoogle News
પત્નીને પતિ વેઠીયા મજૂર કે પાલતું ઢોરની જેમ ના રાખી શકે :  હાઇકોર્ટ 1 - image


- પત્ની ગ્રેજ્યુએટ હોય તો પણ નોકરી કરવા મજબૂર ના કરી શકાય  ભરણપોષણની રકમ ઘટાડવાની પતિની માગ ફગાવાઇ

નવી દિલ્હી : પતિ-પત્નીના સંબંધોને લઇને છત્તીસગઢ હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ અવલોકન કર્યું હતું. છૂટાછેડાના એક કેસની સુનાવણી દરમિયાન છત્તીસગઢ હાઇકોર્ટે પતિનો ઉધડો લેતા કહ્યું હતું કે પત્નીને તેના સાસરીયાવાળા કે પતિ કોઇ બંધુઆ મજૂરની જેમ ઘેટા બકરાની જેમ ના રાખી શકે. સાથે જ ટકોર કરતા કહ્યું હતું કે પતિએ થોપેલી શરતોના આધારે પત્નીને રહેવા માટે મજબૂર પણ ના કરી શકાય. કપલના લગ્ન ૨૦૦૮માં થયા હતા, ૨૦૦૯માં એક બાળકીનો જન્મ થયો હતો. પતિ અને પત્ની બન્ને વચ્ચે રહેવુ ક્યાં તેને લઇને વિવાદ શરૂ થયો હતો. પતિનો દાવો છે કે મે મારી પત્નીને મારા ગામમાં સાથે રહેવા માટે કહ્યું પણ તે માનવા તૈયાર નહોતી અને પોતાના ગામ જતી રહી હતી. બાદમાં પતિએ ફેમેલી કોર્ટમાં છૂટાછેડાની અપીલ કરી હતી, જેમાં તેણે ક્રૂરતાનો આધાર પત્ની રહેવા મુદ્દે મનમાની કરતી હોવાનું દર્શાવ્યું હતું. ફેમેલી કોર્ટે છૂટાછેડાને માન્ય રાખ્યા હતા. 

બીજી તરફ પત્નીએ હાઇકોર્ટમાં ફેમેલી કોર્ટના નિર્ણયને પડકાર્યો તેમાં એવી દલીલ કરી હતી કે હું હમેશા પતિની સાથે રહેવા માટે તૈયાર જ હતી, જોકે મારો પતિ ઇચ્છતો હતો કે હું અલગ અન્ય ગામમાં રહું. હું મારા પતિના ગામમાં રહેવાની એટલે ના પાડી રહી હતી કેમ કે મારે ગામમાં નહોતુ રહેવુ. અને પતિના પરિવારથી પણ દૂર રહેવું હતું. છત્તીસગઢ હાઇકોર્ટે બન્નેની દલિલોને સાંભળ્યા બાદ પતિને ટકોર કરતા કહ્યું હતું કે પુરાવા પરથી સાબિત થાય છે કે પતિ પત્નીને હંમેશા એક સંપત્તિ તરીકે અથવા બંધુઆ મજૂર તરીકે જ રાખવાનો પ્રયાસ કર્યો છે. સાથે જ પતિ ઇચ્છે ત્યાં જ તે પત્નીને રાખવા માગતો હતો. બાદમાં હાઇકોર્ટે ફેમેલી કોર્ટના છૂટાછેડાને રદ કર્યા હતા. 

અન્ય એક આવા જ કેસમાં દિલ્હી હાઇકોર્ટે અવલોકન કરતા કહ્યું હતું કે પત્ની ગ્રેજ્યુએટ હોય તો તેનો અર્થ એમ નથી થતો કે તે કામ કરવા માટે સક્ષમ છે. પતિને કોર્ટે આદેશ આપ્યો હતો કે તે પત્નીને મહિને ૨૫ હજાર રૂપિયા ભરણપોષણ આપશે, બાદમાં પતિ દ્વારા આ રકમ ઘટાડીને ૧૫૦૦૦ કરવાની અપીલ હાઇકોર્ટમા ંકરાઇ હતી, જેમાં પત્ની શિક્ષિત હોવાનો દાવો કર્યો હતો. સાથે જ એમ પણ કહ્યું હતું કે પત્ની ગ્રેજ્યુએટ હોવા છતા ભરણપોષણ મેળવવા માટે જ નોકરી નથી કરી રહી. હાઇકોર્ટે બન્ને દલિલોને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે પત્ની ગ્રેજ્યુએટ હોય તો પણ બળજબરીથી તેની પાસે કામ ના કરાવી શકાય. સાથે જ તેની કામ ના કરવાની ઇચ્છાથી એવુ ના માની શકાય કે તે ભરણપોષણ મેળવવા આવુ કરી રહી છે.


Google NewsGoogle News