HMPV ભારતમાં નવો નથી, 2003માં જ પહેલો કેસ નોંધાયો હતો, જાણો કોને છે સૌથી વધુ ખતરો
HMPV Virus History : ચીન બાદ ભારતમાં પણ HMPV (હ્યુમન મેટાન્યૂમો વાઇરસ) ફેલાઈ રહ્યો છે, જેના કારણે લોકો ફરી દહેશતમાં આવી ગયા છે. કેટલાક લોકો આ વાઇરસની તુલના કોવિડ-19 સાથે કરી રહ્યા છે. ડરના માહોલ વચ્ચે ભારત સરકારે લોકોને અપીલ કરી છે કે, આ વાઇરસને લઈ ચિંતા કરવાની જરૂર નથી. આ વાઇરસમાં કોરોના જેવો પ્રકોપ નથી. આ નવી બીમારી નથી. આવી સ્થિતિમાં એવા સવાલો થઈ રહ્યા છે કે, આખરે આ બીમારી આવી ક્યાંથી અને તે કેટલી જૂની છે.
દેશમાં HMPVના સાત કેસો નોંધાયા
ભારતમાં ગઈકાલે (6 જાન્યુઆરી) એચએમપીવી વાઇરસના સાત કેસો સામે આવ્યા છે, જેમાં બેંગલુરુ, નાગપુર અને તમિલનાડુમાં બે-બે અને અમદાવાદ(Ahmedabad)માં એક કેસ નોંધાયો છે. ચીન(China)માં શ્વાસ સંબંધિત નવી બીમારીના કેસો વધ્યા બાદ ભારત સરકાર (Indian Government) ઍલર્ટ થઈ ગઈ છે. કેન્દ્રીય મંત્રી જે. પી. નડ્ડાએ ભારતીયોની ચિંતા દૂર કરતાં કહ્યું કે, ‘એચએમપીવી કેસમાં વધારાને કોવિડ સાથે કોઈ લેવા દેવા નથી, તેમાં કોરોના જેવો પ્રકોપ નથી.’
HMPV નવો વાઇરસ નથી
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ એચએમપીવી કોઈ નવો વાઇરસ નથી. અગાઉ તેની ઓળખ વર્ષ 2001માં થઈ હતી અને તે વર્ષોથી વિશ્વભરમાં ફેલાઈ રહ્યો છે. બીજી તરફ નિષ્ણાતોનું કહેવું છે કે, એચએમપીવી સંક્રમિત દર્દીઓને ભાગ્યે જ હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે, તેથી આ વાઇરસથી ગભરાવાની જરૂર નથી.
આરોગ્ય મંત્રાલયની પરિસ્થિતિ પર નજર
મંત્રાલયે ગઈકાલે કહ્યું કે, ICMR અને ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ (IDSP) નેટવર્કના ડેટાના આધારે એવું લાગે છે કે, દેશમાં ઇન્ફલ્યુએન્ઝા જેવી બીમારી (ILI) અથવા ગંભીર તીવ્ર શ્વસનની બીમારી(SARI)ના કેસમાં કોઈ અસામાન્ય વધારો થયો નથી. તે તમામ ઉપલબ્ધ સર્વેલન્સ માધ્યમો દ્વારા પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને ICMR સમગ્ર વર્ષ દરમિયાન HMPV ચેપના વેરિએન્ટ પર નજર રાખશે.
2001માં પ્રથમ કેસ નોંધાયો હતો
આ વાઇરસનો પ્રથમ કેસ વર્ષ 2001માં પહેલીવાર સામે આવ્યો હતો. પરંતુ હવે આ વાઇરસને લઈને હાલત ગંભીર છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ વાઇરસને લઈને કોઈ ખાસ રસી કે એન્ટીવાઇરસ હજુ સુધી શોધાઈ નથી. ગંભીર કિસ્સાઓમાં ઑક્સિજન થેરેપી, નસમાં પ્રવાહી અને કોર્ટીકોસ્ટેરોઇડ્સ જેવી સારવાર આપવામાં આવે છે.
આ પણ વાંચો : 2025ની શરુઆતમાં વધુ એક મહામારીના પડઘમ? ચીને 100 વર્ષમાં પાંચ વખત દુનિયાને ખતરામાં મૂકી
ભારતમાં 2003માં પહેલીવાર વાઇરસની પુષ્ટી થઈ હતી
ભારતમાં 2003માં પ્રથમ વખત એચએમપીવી વાઇરસની પુષ્ટિ થઈ હતી. બી. જે. મેડિકલ કૉલેજ અને NIV પૂણેએ પૂણેમાં જ પહેલું બાળક સંક્રમિત થયું હોવાની પુષ્ટિ કરી હતી. પછીના ઘણાં અભ્યાસોમાં પણ આ વાઇરસના કેસો નોંધાયા હતા. 2024માં ગોરખપુરમાં શ્વસન રોગથી પીડિત 100 બાળકોમાંથી 4 ટકામાં એચએમપીવીના લક્ષણો જોવા મળ્યા હતા.
આ વાઇરસ નેધરલૅન્ડ(Netherlands)માં 1958થી હાજર
ડચ વૈજ્ઞાનિકોએ વર્ષ 2000માં એચએમપીવી વાઇરસની શોધ કરી હતી. આ વાઇરસનો પ્રથમ કેસ સામે આવ્યા બાદ તેના જીનોમનું અનુક્રમણ 2001માં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેના સીરોલૉજિકલ અભ્યાસથી શોધ થઈ કે, આ વાઇરસ નેધરલૅન્ડમાં 1958થી હાજર હતું.
આ નવા ફેલાયેલા વાઇરસના લક્ષણો શું છે?
આ વાઇરસને હ્યુમન મેટાન્યૂમો વાઇરસ એટલે કે HMPV કહેવામાં આવે છે, જેના લક્ષણો (HMPV Virus Symptoms) સામાન્ય શરદી-ખાંસી જેવા જ હોય છે. સામાન્ય કિસ્સાઓમાં તે ઉધરસ અથવા ગળામાં ખરાશ, વહેતું નાક અથવા ગળામાં દુ:ખાવાનું કારણ બને છે. નાના બાળકો અને વૃદ્ધોમાં HMPV ચેપ ગંભીર હોઈ શકે છે. આ વાઇરસ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે.
આ પણ વાંચો : એચએમપીવીનો મહારાષ્ટ્રમાં કોઈ કેસ નહિ પરંતુ સરકારની એડવાઈઝરી જારી