કેરળમાં હાથીઓ કેમ ખતરનાક બની રહ્યા છે? સરકારની વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટમાં ફેરફારની માંગ

કેરલમાં છેલ્લા 2 વર્ષમાં 9 હજાર પશુઓએ માણસો પર હુમલો કર્યો છે

હાલ એવી હાલત છે કે રાજ્ય વાઇલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટમાં ફેરફાર કરવાની માંગ ઉઠી છે

Updated: Feb 19th, 2024


Google NewsGoogle News
કેરળમાં હાથીઓ કેમ ખતરનાક બની રહ્યા છે? સરકારની વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટમાં ફેરફારની માંગ 1 - image


Wildlife Protection Act of 1972: કેરળના વાયનાડમાં જંગલી હાથીઓના હુમલાનો મુદ્દો ઉઠ્યો છે. એક પછી એક હાથીઓના હુમલામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. જેના કારણે વળતર ઉપરાંત આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે. આ બાબતે કેરળ સરકારે પણ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટમાં છૂટછાટની માંગ કરી હતી. કેરળ સરકારનું કહેવું છે કે આ કાયદો ઘણો કડક છે. જાણીએ કે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ શું છે અને શા માટે ફેરફારો કરવામાં આવી રહ્યા છે.

વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ

કેરળ વિધાનસભામાં વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટમાં ફેરફારની માગણી સાથે તમામ પક્ષોની સંમતિથી એક ઠરાવ લાવવામાં આવ્યો છે. વર્ષ 1972માં વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ માત્ર જંગલી પ્રાણીઓ જ નહીં પરંતુ છોડની વિવિધ પ્રજાતિઓ પણ સુરક્ષિત છે. આ સાથે તેમના રહેઠાણ, જંગલી પ્રાણીઓનો વેપાર, છોડ અને તેમાંથી બનેલી ચીજવસ્તુઓ પણ આ કાયદા દ્વારા નિયંત્રિત થાય છે. આ એક્ટમાં, તે તમામ છોડ અને પ્રાણીઓને સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે જેનું સરકાર વિવિધ સ્તરે રક્ષણ અને દેખરેખ રાખે છે. આ ઉપરાંત આ કાયદા હેઠળ વન્યજીવો પર હુમલો કરનારને 3 થી 7 વર્ષની જેલ થઈ શકે છે. તેમજ 10 થી 25 હજાર રૂપિયાનો દંડ પણ થઈ શકે છે. જો કોઈ ટાઈગર રિઝર્વમાં શિકાર કરે છે તો તેમને પણ સજા થાય છે. 

પ્રાણીઓ દ્વારા મનુષ્યને નુકસાન પહોંચાડવાની ઘટનામાં વધારો 

રાજ્યમાં પ્રાણીઓ દ્વારા મનુષ્યને નુકસાન પહોંચાડવાની સતત ઘટનાઓ બાદ આ દરખાસ્ત લાવવામાં આવી છે અને કેન્દ્ર સરકારને વિનંતી કરવામાં આવી છે કે આવી ઘટનાઓને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને ઘણી બધી સંપત્તિને પણ નુકસાન થઈ રહ્યું છે. તેથી કાયદામાં ફેરફારની જરૂર છે. કેરળ સરકારનું કહેવું છે કે આ કાયદો ખૂબ જ કડક છે, જેના કારણે જંગલી ડુક્કર જેવા પ્રાણીઓને નિયંત્રિત કરવું મુશ્કેલ છે. 

હાથીઓના હુમલાથી મોતના પ્રમાણમાં વધારો 

વર્ષ 2022-23માં કેરળ સરકારે પ્રાણીઓ-માનવ લડાઈને કારણે થયેલા મૃત્યુનો એક ડેટા જાહેર કર્યો હતો. છેલ્લા બે વર્ષમાં  8873 જંગલી પ્રાણીઓએ માનવીઓ પર હુમલો કર્યો છે. જેમાં એકલા હાથીઓ દ્વારા 4193 હુમલા નોંધવામાં આવ્યા હતા. તેમજ દોઢ હજાર હુમલાઓ જંગલી રીંછના, તો  લગભગ 200 હુમલા વાઘ દ્વારા કરવામાં આવ્યા હતા. આ હુમલામાં કુલ 98 લોકોના મોત થયા હતા, જેમાંથી 27 લોકોના મોત હાથીઓના હુમલાને કારણે થયા હતા. 

હાથીઓ પર નજર રાખવા બનાવાયું રેડિયો-કોલર

આવા કિસ્સામાં ખૂંખાર હાથીઓ પર નજર રાખવા માટે રેડિયો-કોલર બનાવવામાં આવ્યા હતા. જેમા એક નાનું ટ્રાન્સમીટર ફીટ કરવામાં આવ્યું હતું. જેથી પ્રાણીઓની હલનચલન અને અન્ય પ્રવૃત્તિઓ પર નજર રાખી  શકાય. આ ટ્રેકિંગ ડિવાઇસને હાથીઓના ગળામાં બાંધવામાં આવ્યા છે. આથી હાથીઓ ક્યારે આક્રમક બને છે તે જાણી શકાય છે.    

શા માટે પ્રાણીઓ ગુસ્સે થઇ રહ્યા છે?

વર્ષ 2018 માં, પેરિયાર ટાઈગર કન્ઝર્વેશન ફાઉન્ડેશને કેરળમાં હાથીઓના હુમલાની પેટર્નને સમજવા માટે એક અભ્યાસ હાથ ધર્યો હતો. આ મુજબ, બે મોટા કારણો છે જેના કારણે હાથી અને અન્ય પ્રાણીઓ ગુસ્સે થઈ રહ્યા છે. એક તો જંગલો કાપવામાં આવી રહ્યા છે અને નીલગિરી અને બાવળ જેવા વેપારી વૃક્ષો અને છોડ વાવવામાં આવી રહ્યા છે. તેમજ બીજું તેના કારણે પ્રાણીઓને પૂરતો ખોરાક તો મળતો જ નથી ઉપરાંત આ વનસ્પતિ જમીનમાંથી પાણી શોષી લેતી હોવાથી આસપાસના વિસ્તારોમાં પણ પાણીની અછત સર્જાય છે. એકલા કેરળમાં જ આ હેતુ માટે 30 હજાર હેક્ટરથી વધુ જંગલની જમીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અભ્યાસ બાદ આ બંને વૃક્ષો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જો કે હજુ સુધી નુકસાનની ભરપાઈ થઈ નથી.

હાથીઓની સ્થિતિ શા માટે ખરાબ છે?

કેરળની સંસ્કૃતિમાં હાથીઓને શુભ માનવામાં આવે છે. કેરળની ધાર્મિક સંસ્થાઓ પાસે 700થી વધુ હાથીઓ છે. તેમજ તહેવારોમાં પણ હાથીઓને ભાડે લેવા માટે ભીડ ઉમટે છે. જેથી તહેવારોના કારણે હાથીઓને લાંબો સમય માટે ઉભા રહેવું પડે છે અને ફટાકડાઓની નજીક પણ ઉભું રહેવું પડે છે, તો ક્યારેક આગની નજીક. આ ઉપરાંત હાથીઓને તાલીમ આપવા માટે તેમની સાથે મારપીટ કરવમાં આવે છે તેમજ કોઈ કિસ્સામાં તો તેમને ડ્રગ્સ પણ આપવામાં આવે છે. જેના કારણે તેમનું અકાળે મૃત્યુ પણ થાય છે. આ સિવાય  કેરળમાં નાળિયેર અને અનાનસની ખેતી થાય છે. તેમજ જંગલો કપાઈ જવાથી હાથીઓને પુરતો ખોરાક મળતો નથી. આથી તેઓ ખેતર તેમજ ગામ તરફ આવે છે. એવામાં ગામના લોકો સામે તેમની ટક્કર થઇ જાય છે, એમાં પણ  કયારેક હાથીઓનું મોત પણ નીપજે છે.  

વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટમાં સરકાર શું ફેરફાર ઈચ્છે છે?

જયારે પ્રાણીઓના માંન્નવી પર હુમલાઓ વધી ગયા છે ત્યારે કેરળ સરકારનું કહેવું છે કે આ એક્ટમાં પરિવર્તન લાવવું જોઈએ. જેથી માનવીઓને નુકસાન પહોંચાડતા પ્રાણીઓ પર કાબૂ મેળવી શકાય. વર્ષ 2017 અને 2023 ની વચ્ચે, એવી 21 હજાર ઘટનાઓ બની છે જેમાં જંગલી પ્રાણીઓએ પાકને નુકસાન પહોંચાડ્યું હતું અને 1.5 હજારથી વધુ પશુઓને માર્યા હતા.

એટલા માટે કેરળ વિધાનસભામાં રજૂ કરાયેલા ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે માનવ જીવન માટે ખતરો બની ગયેલા જંગલી પ્રાણીઓને મારવાની પરવાનગી આપવામાં આવે. ઉપરાંત, જંગલી ડુક્કરની સંખ્યામાં વધારો થતા તેનો શિકાર કરવાની મંજૂરી આપવી જોઈએ. 

કેરળમાં હાથીઓ કેમ ખતરનાક બની રહ્યા છે? સરકારની વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટમાં ફેરફારની માંગ 2 - image


Google NewsGoogle News