સિક્કિમમાં આભ ફાટવાથી ભારે તારાજી : ૮નાં મોત

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News
સિક્કિમમાં આભ ફાટવાથી ભારે તારાજી : ૮નાં મોત 1 - image


- ૨૩ લશ્કરના જવાનો સહિત ૪૯ પૂરમાં લાપત્તા : ચુંગથાંગ ડેમમાંથી પાણી છોડાતા સ્થિતિ વધુ વણસી

- ગેંગટોક: ઉત્તર સિક્કિમમાં લ્હોનક તળાવ પર અચાનક વાદળ ફાટવાથી તિસ્તા નદી બેઝિનમાં પૂર આવવાથી આઠ લોકોનાં મોત થયા છે અને સેનાના ૨૩ જવાનો સહિત ૪૯ લોકો લાપતા થયા છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

- ૪૫ લોકોને બચાવાયા જેમાં ૧૮ ઘાયલ : ચાર જિલ્લાઓની તમામ શાળાઓ આઠ ઓક્ટોબર સુધી બંધ, ૪૧ વાહનો કાદવમાં ફસાયા

- અસરગ્રસ્ત લોકો માટે મોટી સંખ્યામાં કેમ્પ ઊભા કરાયા : પૂલ અને અનેક રસ્તા પણ ધોવાયા

અધિકારીઓના જણાવ્યા અનુસાર રાતે ૧.૩૦ વાગ્યે પૂરની શરૂઆત થઇ હતી અને ચુંગથાંગ ડેમમાંથી પાણી છોડવામાં આવતા સ્થિતિ વધુ ખરાબ થઇ હતી.

ગેંગટોકના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (એસડીએમ) મહેન્દ્ર છેત્રીના જણાવ્યા અનુસાર ગોલિતામ અને સિંગતામ વિસ્તારમાંથી પાંચ મૃતદેહો મળી આવ્યા છે. જો કે અન્ય ત્રણ મૃતદેહો તણાઇ ગયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

અન્ય એક અધિકારીના જણાવ્યા અનુસાર સેનાના ૨૩ જવાન અને ૨૬ નાગરિકો લાપતા છે જ્યારે અન્ય ૪૫ લોકોને બચાવી લેવામાં આવ્યા છે જેમાં ૧૮ લોકો ઘાયલ થયા છે.

અધિકારીના જણાવ્યા અનુસાર ગેંગટોકથી ૩૦ કિમી દૂર આવેલા ઇન્દ્રેની બ્રિજ તરીકે જાણીતું સ્ટીલ બ્રિજ તિસ્તા નદીના પણાથી સંપૂર્ણપણે ધોવાઇ ગયું છે. સિક્કિમ સરકારે નોટિફિકેશન જારી કરી આ કુદરતી આફતને આપત્તિ જાહેર કરી છે.

સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા લેફટનન્ટ કર્નલ મહેન્દ્ર રાવતના જણાવ્યા અનુસાર  ચુંગથાંગ ડેમમાંથી પાણી છોડવામાં આવતા પાણીનું સ્તર અચાનક ૧૫ થી ૨૦ ફૂટ વધી ગયું હતું. 

સેનાના ૨૩ જવાનો લાપતા છે અને ૪૧ વાહનો કાદવમાં ફસાઇ ગયા છે. શિક્ષણ વિભાગે સર્ક્યુલર જારી કરી મંગન, ગેંગટોક, પકયોંગ અને નામચી જિલ્લાઓની તમામ શાળાઓ ૮ ઓક્ટોબર સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે.

સિક્કિમને દેશને અન્ય ભાગો સાથે જોડતા નેશનલ હાઇવે નં. ૧૦ના કેટલાક ભાગોને પણ નુકસાન થયું છે. પૂર અસરગ્રસ્ત લોકોને રહેવા માટે મોટી સંખ્યામાં રાહત કેમ્પની રચના કરવામાં આવી રહી છે. 


Google NewsGoogle News