ચૂંટણીમાં ગેરરીતિ થઈ હોવાની વિશ્વભરમાં ટીકા થતાં પાકિસ્તાન ભડક્યું, કહ્યું- ‘આ અમારો આંતરિક મામલો’
પાકિસ્તાનની ચૂંટણીમાં કથિત ગેરરીતિ મામલે થિંક ટેંક, આંતરરાષ્ટ્રીય મીડિયા સંગઠન અને સંયુક્ત રાષ્ટ્રએ નિંદા કરી
અમારા ચૂંટણી અંગેના પગલા બંધારણીય જવાબદારીને અનુરુપ, બહારની સલાહનો પ્રભાવ નહીં : પાકિસ્તાન
Pakistan Election : પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીમાં ગેરરીતિ મામલે વિશ્વભરમાં ટીકા થતાં પાકિસ્તાન ભડક્યું છે. પાકિસ્તાને આજે કહ્યું કે, દેશમાં સંપન્ન થયેલી ચૂંટણી અમારો આંતરિક મામલો છે. તેણે ભારપૂર્વક કહ્યું કે, ચૂંટણી અંગેના તમામ પગલાં બંધારણીય જવાબદારીઓ અનુરુપ જ નિભાવવામાં આવી છે અને તેના પર બહારના કોઈપણ વ્યક્તિનો પ્રભાવ પડ્યો નથી.
વિશ્વભરે ચૂંટણીમાં ગેરરીતિ થઈ હોવાની નોંધ લીધી
દરમિયાન પાકિસ્તાનમાં આઠ ફેબ્રુઆરીએ યોજાયેલ મતદાનમાં કથિત ગેરરીતિ થઈ હોવા મામલે ઘણા દેશોના થિંક ટેંક, આંતરરાષ્ટ્રીય મીડિયા સંગઠન અને સંયુક્ત રાષ્ટ્રએ નિંદા કરી છે અને ચૂંટણીના સંપૂર્ણ પરિણામો જાહેર કરવામાં વિલંબને કારણે ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ કર્યો છે. પાકિસ્તામાં આઠમીએ મતદાન અને તે જ દિવસે મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જોકે હજુ સુધી ખંડિત જનાદેશને કારણે હજુ સુધી નવી સરકારની રચના થઈ નથી અને શક્તિશાળી સેનાના આડકતરા સમર્થનથી અહીં ગઠબંધન સરકાર રચાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. છે.
અમારી ચૂંટણી પર બહારની સલાહનો પ્રભાવ નહીં : પાકિસ્તાન વિદેશ કાર્યાલય
વિદેશ કાર્યાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે (Mumtaz Zahra Baloch) ચૂંટણી અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘પાકિસ્તાન લોકશાહી ધરાવતો દેશ છે અને ચૂંટણીમાં લાખો મતદારોએ ભાગ લીધો હતો. પાકિસ્તાન પોતાના બંધારણીય જવાબદારીઓને ગંભીરતાથી લે છે અને અમારી પ્રજા આઝાદી અને લોકશાહીના અધિકારનો આનંદ મેળવવા માટે સ્વતંત્ર છે. અમે ચૂંટણી અંગે લીધેલા પગલા અમારા બંધારણીય જવાબદારીને અનુરુપ છે અને બહારની કોઈપણ સલાહનો પ્રભાવ પડ્યો નથી.’
ચૂંટણી અંગે અમેરિકા સહિત યુરોપીયન સંઘે શું કહ્યું?
પાકિસ્તાનની ચૂંટણીમાં ગેરરીતિ અંગે અમેરિકા (America) અને યુરોપીયન સંઘે રાજકીય કાર્યકર્તાઓની કસ્ટડી સહિત કથિત ચૂંટણીમાં હસ્તક્ષેપ મામલે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, ગેરરીતિ, હેરાફેરી અને છેતરપિંડીથી ભરેલી પ્રવૃત્તિઓના તમામ આક્ષેપોની વ્યાપક તપાસ કરવાની જરૂર છે. આ મામલે બ્રિટિશ વિદેશ મંત્રી ડેવિડ કેમેરોન અને ઓસ્ટ્રેલિયાના વિદેશી બાબતો અને વેપાર વિભાગે ચિંતા વ્યક્ત કરી હતી. ઈન્ટરનેશનલ કન્સોર્ટિયમ ઑફ ઈન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટ (ICIJ)ના અહેવાલમાં એ વાતનો ઉલ્લેખ કરાયો છે કે, આ ચૂંટણીમાં વિવાદાસ્પદ પ્રવૃત્તિથી 24 કરોડથી વધુની વસ્તી ધરાવતા દેશમાં સ્થિરતા આવવાની સંભાવના નથી.