15મી ઓગષ્ટ બાદ ખુલશે શાળા-કોલેજ, માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલ નિશંકની જાહેરાત
જો શાળાઓને સાહસિક ભૂમિકા માટે તૈયાર કરવામાં નહીં આવે તો તે આપણી ઐતિહાસિક ભૂલ હશેઃ સિસોદિયા
નવી દિલ્હી, તા. 7 જૂન 2020, રવિવાર
માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ નિશંક પોખરિયાલે આગામી ઓગષ્ટ 2020 બાદ શાળા-કોલેજીસને ખોલવામાં આવશે તેવી જાહેરાત કરી છે અને આ સાથે જ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓની પ્રતિક્ષાનો અંત આવ્યો છે.
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એચઆરડી મંત્રી ડો. રમેશ પોખરિયાલ નિશંકને ફરીથી શાળાઓ ખોલવાની યોજના મામલે પત્ર લખ્યો હતો. સાથે જ તેમણે ટ્વિટરના માધ્યમથી તેની જાણકારી પણ આપી હતી.
સિસોદિયાએ પોતાના પત્રમાં લખ્યું હતું કે, 'સમય આવી ગયો છેકે કોરોનાના સહઅસ્તિત્વને સ્વીકારીને દેશમાં શાળાઓની ભૂમિકાને નવેસરથી નક્કી કરવામાં આવે. જો શાળાઓને સાહસિક ભૂમિકા માટે તૈયાર કરવામાં નહીં આવે તો તે આપણી ઐતિહાસિક ભૂલ હશે. શાળાઓની ભૂમિકા પાઠ્ય પુસ્તક પુરતી સીમિત નહીં રહે પરંતુ બાળકોને જવાબદાર જીવન જીવવા માટે તૈયાર કરવાની પણ હશે.'
ઉલ્લેખનીય છેકે, કોરોના મહામારીના કારણે માર્ચ મહીનાથી દિલ્હીની શાળાઓ બંધ છે અને ઓનલાઈન અભ્યાસ કરાવાઈ રહ્યો છે. પરંતુ તેનાથી બાળકોના અભ્યાસને નુકસાન થઈ રહ્યું છે તેનો અસ્વીકાર ન થઈ શકે.
પત્રમાં લખેલી વાતો
- કોરોના સાથે જીવવા દરમિયાન વિશ્વમાં શિક્ષણ ક્ષેત્રે મોટા ફેરફાર આવશે. પોતાની જરૂરિયાત પ્રમાણે શાળાઓનું પુનઃનિર્માણ કરો. અન્ય દેશો કશું કરી લે તેની આપણે નકલ કરીએ તેની રાહ ન જોવી જોઈએ.
- આપણે આપણા બાળકોને વધુ સારી અને યોગ્ય સંભાળ રાખતી શાળાઓ આપીએ.
- સ્ટેકહોલ્ડર્સ સાથે ચર્ચા કરીને શાળાઓ પોતાની જરૂરિયાત અને સંસાધનોને ધ્યાનમાં રાખીને પોતાની યોજના સ્વયં બનાવે.
- હાલ શાળાઓને સહકારની જરૂર હશે. બાળકોની માફક શિક્ષણ જગત સાથે સંકળાયેલા તમામ લોકો અને શાળાઓને પણ શીખવાની અને જવાબદાર બનવાની જરૂર છે.