એપથી રોકાણ સ્કીમમાં છેતરપિંડી મામલે CBIની મોટી કાર્યવાહી, 10 રાજ્યોમાં 30 સ્થળે પાડ્યા દરોડા
App Investment Fraud Case : કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI)એ એચપીઝેડ ટોકન એપ (HPZ Token App) દ્વારા રોકાણની લાલચ આપી રાષ્ટ્રવ્યાપી છેતરપિંડીના કેસમાં 10 રાજ્યોમાં અને કેન્દ્ર શાસિક પ્રદેશોમાં 30 સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા છે. આ રાજ્યોમાં દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકનો સમાવેશ થાય છે. સીબીઆઈએ એચપીઝેડ ટોકન એપ સંબંધિત મામલામાં અત્યાર સુધીમાં મોબાઈલ ફોન, કોમ્પ્યુટર, હાર્ડ ડ્રાઈવ, સિમકાર્ડ, એટીએમ, ડેબિટ કાર્ડ, ઈ-મેઈલ એકાઉન્ટ તેમજ વિવિધ ડોક્યુમેન્ટ સહિત મહત્વના ડિજિટલ પુરાવાઓ જપ્ત કર્યા છે.
બે ખાનગી કંપનીઓ અને તેના નિદેશકો સામે કેસ નોંધાયો
સમાચાર એજન્સીના અહેવાલો મુજબ સીબીઆઈએ છેતરપિંડી યોજનામાં સામેલ બે ખાનગી કંપનીઓ અને તેના નિદેશકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. સીબીઆઈના જણાવ્યા મુજબ કથિત આરોપીઓમાં શિગૂ ટેકનોલોજી પ્રાઈવેટ લિમિટેડ અને લિલિયન ટેક્નોકૈબ પ્રાઈવેટ લિમિટેડ (બંને ખાનગી કંપનીઓ) અને તેના નિદેશક સામે કેસ નોંધવામાં આવ્યો છે.
શું છે મામલો?
એચપીઝેડ ટોકન આધારિત એપનું કામકાજ કરે છે અને તે બિટકોઇન અને અન્ય ક્રિપ્ટો કરન્સી માટે ખાનકામ મશીનોમાં રોકાણ કરીને વપરાશકર્તાઓને મોટા નફાની લાલચ આપે છે. છેતરપિંડી કરનારાઓ લોકોને છેતરવા માટે એક મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરતા હતા. તેઓ બિટકોઈન ખાણકામમાં રોકાણ કરવા બદલ મોટું રિટર્ન મેળવવા માટે એચપીઝેટ ટોકન એપમાં રોકાણ કરવાનું કહી લોકોને લલચાવતા હતા. સીબીઆઈના જણાવ્યા મુજબ અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે, રોકાણકારોની રકમ એકત્ર કરવા માટે કુલ 150 બેંક એકાઉન્ટનો ઉપયોગ કરાયો હતો.
સીબીઆઈ શું કહ્યું?
સીબીઆઈએ કહ્યું કે, આ મામલે તપાસ હાથ ધર્યા બાદ છેતરપિંડી અટકાવવાની સાથે આરોપીઓ વિરુદ્ધ પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. આ કેસમાં હજુ પણ તપાસ ચાલુ છે. શરૂઆતમાં એપ દ્વારા ફંડનો ઉપયોગ રોકાણકારોને ચુકવણી કરીને વિશ્વાસ વધારવા માટે કરાતો હતો. ભારતની બહાર ગેરકાયદેસર રીતે ફંડ ટ્રાન્સફર થતા પહેલા તે ફંડને ઘણીવાર ક્રિપ્ટોકરન્સીમાં બદલવામાં આવતું હતું અથવા હવાલા વ્યવહારો દ્વારા ટ્રાન્સફર કરાતું હતું.