શું મહિલા અનામત પર ગઠબંધન I.N.D.I.A.નું થશે વિભાજન? સપા, RJD અને JDUની બનશે મુશ્કેલી

2008માં આ પક્ષોએ મહિલા અનામતમાં સબ-ક્વોટાની કરી હતી માગ

Updated: Sep 19th, 2023


Google NewsGoogle News
શું મહિલા અનામત પર ગઠબંધન I.N.D.I.A.નું થશે વિભાજન? સપા, RJD અને JDUની બનશે મુશ્કેલી 1 - image


આજે સંસદના વિશેષ સત્રનો બીજો દિવસ છે. આજથી નવા સંસદભવનના શ્રી ગણેશ થવાના છે. ત્યારે સંસદના વિશેષ સત્ર વચ્ચે ગઈકાલે કેન્દ્રીય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. મળતી માહિતી અનુસાર, કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મહિલા અનામત બિલને મંજૂરીને મળી ગઈ છે. આ દરમિયાન કોંગ્રેસ, BRS જેવા પક્ષોએ બિલને સમર્થન આપ્યું છે. જોકે, JDU અને RJD જેવા પક્ષોનું માનવું છે કે, તેઓ બિલની કોપી વાંચ્યા પછી જ આ અંગે નિર્ણય લેશે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, સપા, JDU અને RJD આ મામલે વાંધો ઉઠાવી શકે છે. 2008માં આ પક્ષોએ મહિલા અનામતમાં સબ-ક્વોટાની પણ માંગણી કરી હતી અને કહ્યું હતું કે SC, ST અને OBC મહિલાઓને પણ તેમાં અનામત મળવી જોઈએ.   

શું ફરી એકવાર સમાજવાદી પક્ષો દ્વારા થશે વિરોધ 

UPA સરકારના દ્વારા રજૂ કરવામાં આવેલ બિલમાં આ પ્રકારની કોઈ રજૂઆત ન હતી. તેથી જ સમાજવાદી પક્ષોએ વિરોધ કર્યો હતો અને પછી લોકસભામાં બિલ રજૂ થઈ શક્યું ન હતું. જો કે આ બિલ કોંગ્રેસ દ્વારા રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું હતું. તે બિલમાં લોકસભા, રાજ્યસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઈ હતી. પરંતુ આમાં કોઈપણ પ્રકારના સબ-ક્વોટાની કોઈ વાત કરવામાં આવી ન હતી. હવે જોવાનું એ રહે છે કે મોદી સરકારનું બિલ કેવું હશે અને જો તેમાં કોઈ સબ-ક્વોટા નહીં હોય તો સમાજવાદી પક્ષો ફરી એકવાર તેનો વિરોધ કરી શકે છે.

શું RJD આ વખતે પણ કરશે વિરોધ ?

જોકે, આ મામલે INDIA ગઠબંધનની સૌથી મોટી પાર્ટી કોંગ્રેસે કોઈ સબ-ક્વોટાની માંગણી કરી નથી. જેને જોતા એવું લઇ રહ્યું છે કે, વિપક્ષી ગઠબંધનમાં આને કારણે મતભેદ ઉભા થઇ શકે છે. UPA સરકાર દરમિયાન જ્યારે રાજ્યસભામાં બિલ રજૂ કરવામાં આવ્યું હતું, ત્યારે RJDના સાંસદોએ હંગામો મચાવ્યો હતો અને તેમને ગૃહમાંથી હાંકી કાઢવા માટે માર્શલને પણ બોલાવવા પડ્યા હતા. આ બીલ લોકસભા ચૂંટણી 2024ને ધ્યાને લઇ મોદી સરકાર લાવી રહી છે એવું પણ કેટલા લોકોનું માનવું છે.



Google NewsGoogle News