Get The App

Explainer: લોકસભા ચૂંટણીમાં ઘરે બેઠા કેવી રીતે મત આપી શકો છો, કોને અને કેવી રીતે મળે આ સુવિધા?

'વોટ ફ્રોમ હોમ' સુવિધા અથવા ઘરેથી જ મત આપવાની સુવિધા માત્ર વૃદ્ધો અને વિકલાંગ માટે છે

Updated: Mar 18th, 2024


Google NewsGoogle News
Explainer: લોકસભા ચૂંટણીમાં ઘરે બેઠા કેવી રીતે મત આપી શકો છો, કોને અને કેવી રીતે મળે આ સુવિધા? 1 - image


Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂકયું છે, આ વખતે કુલ સાત તબક્કામાં ચૂંટણી યોજાશે. આ વખતે ચૂંટણી પંચે 'વોટ ફ્રોમ હોમ'ની સુવિધા શરૂ કરી છે. પહેલીવાર લોકસભા ચૂંટણીમાં 85 વર્ષથી વધુ વયના વૃદ્ધો અને વિકલાંગ લોકો ઘરે બેસીને પોતાનો મત આપી શકશે. તો ચાલો જાણીએ કે આ સુવિધાનો લાભ કેવી રીતે મેળવવો? આ માટે શું કરવાની જરૂર છે?

ઘર બેઠા મતદાન કોણ કરી શકશે?

'વોટ ફ્રોમ હોમ' સુવિધા અથવા ઘરેથી જ મત આપવાની સુવિધા માત્ર વૃદ્ધો અને વિકલાંગ માટે છે. 85 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો અને 40 ટકાથી વધુ વિકલાંગતા ધરાવતા લોકો ઘરે બેઠા તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના જણાવ્યા અનુસાર, વિકલાંગ વ્યક્તિઓ માટે વિકલાંગતાનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે, જેમાં તેમની વિકલાંગતાની ટકાવારીનો ઉલ્લેખ હોય. જો ટકાવારી 40 ટકાથી વધુ હશે, તો જ તમને ઘરેથી મતદાન કરવાની મંજૂરી આપવામાં આવશે.

આ સુવિધાનો લાભ કેવી રીતે મેળવી શકો છો?

વદ્ધ અથવા વિકલાંગ મતદારો ઘરે બેઠા પોતાનો મત આપવા માગે છે, તેમણે ચૂંટણી પંચની સક્ષમ એપ પર પોતાની વિગતો સાથે સમસ્યા પણ જણાવી પડશે. વિકલાંગતાનો ઉલ્લેખ કરવો જરૂરી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, લોકસભા ચૂંટણીની શરૂઆત પહેલા દરેક લોકસભા મતવિસ્તારમાં 85 વર્ષથી વધુ વયના વૃદ્ધ અને વિકલાંગ મતદારોના ઘરે ફોર્મ મોકલવામાં આવશે.

અહેવાલ અનુસાર, બૂથ લેવલ ઓફિસર (BLO) દ્વારા રાખવામાં આવેલી મતદાર યાદીમાં વૃદ્ધ અને વિકલાંગ મતદારોની વિગતો હોય છે. બીએલઓ આવા તમામ મતદારોના ઘરે જઈને તેમને પૂછશે કે શું તેઓ તેમના મતદાન મથક પર જઈને મતદાન કરવા માગે છે કે ઘરે બેઠા મતદાન કરવા માગે છે. જો તમે જરૂરી લાયકાત પૂર્ણ કરો છો અને ઘરે બેસીને મતદાન કરવા માંગો છો, તો ફોર્મ 12D ભરવાનું રહેશે.

મતદાન મથક પર શું સુવિધાઓ હશે ?

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, 85 વર્ષથી ઓછી વયના વૃદ્ધ મતદારો માટે મતદાન કેન્દ્રો પર વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. વ્હીલચેરથી લઈને ચૂંટણી પંચના સ્વયંસેવકો તેમની મદદ કરશે. જે વિકલાંગ મતદારો મતદાન મથક સુધી જઈ શકતા નથી તેમના માટે વાહનવ્યવહારની સુવિધા પણ આપવામાં આવશે.

85 વર્ષથી ઉપરની ઉંમરના કેટલા મતદારો છે?

દેશભરમાં 82 લાખ એવા મતદારો છે જેમની ઉંમર 85 વર્ષથી વધુ છે. 2.8 લાખ મતદાતાઓ છે જેમણે 100 વર્ષની વય વટાવી છે. કુલ મતદારોની વાત કરીએ તો 49.7 કરોડ પુરુષ અને 47.01 કરોડ મહિલા મતદારો છે. 48000 ટ્રાન્સજેન્ડર મતદારો પણ છે.

લોકસભા ચૂંટણીની તારીખ

લોકસભા ચૂંટણીમાં 1.8 કરોડ મતદારો પ્રથમ વખત તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. લોકસભાની ચૂંટણી 19મી એપ્રિલથી શરૂ થશે. પ્રથમ તબક્કો 19મી એપ્રિલ, બીજો 26મી એપ્રિલ, ત્રીજો સાતમી મે, ચોથો 13મી મે, પાંચમો 20મી મે, છઠ્ઠો 25મી મે અને સાતમો પહેલી જૂને પૂર્ણ થશે. જ્યારે ચોથી જૂને પરિણામ જાહેર કરવામાં આવશે.

Explainer: લોકસભા ચૂંટણીમાં ઘરે બેઠા કેવી રીતે મત આપી શકો છો, કોને અને કેવી રીતે મળે આ સુવિધા? 2 - image


Google NewsGoogle News