પોસ્ટ ઓફિસની આ સ્કીમ નિવૃત લોકો માટે છે વરદાન રુપ, જાણો કેવી રીતે મળે છે તેનો લાભ
સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમમાં તમે 1 હજારથી લઈને 30 લાખ રુપિયા સુધીનું રોકાણ કરી શકો છો
Image Twitter |
દરેક વ્યક્તિ વિચારતો હોય છે કે નિવૃતિ પછી તેની લાઈફ આરામદાયક રહે અને આર્થિક રીતિ કોઈના પર નિર્ભર ન રહેવું પડે. પરંતુ તેના માટે જરુરી છે નિવૃતિ પછી તેના રુપિયાને યોગ્ય જગ્યાએ રોકાણ કરે.
જો તમે નિવૃતિ પછી સારુ રિટર્ન આપે તેવી જગ્યાએ રોકાણ કરવા માટે શોધી રહ્યા છો, તો પોસ્ટ ઓફિસની સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (Senior Citizen Savings Scheme-SCSS) માં રોકાણ કરી શકો છો. જે માત્ર વરિષ્ઠ નાગરિકો માટે જ છે. આ સ્કીમમાં રોકાણ કરવા માટે શું યોગ્યતા હોવી જોઈએ અને તેનો લાભ કેવી રીતે મેળવશો તેના વિશે જાણીએ.
કોણ કરી શકે છે SCSS માં રોકાણ
પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવા સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમમાં રોકાણ કરવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 60 વર્ષ હોવી જોઈએ. જો કે, કોઈ વ્યક્તિએ 50 વર્ષ કે તેનાથી વધારે ઉંમરમાં વોલેન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ (VRS) એટલે કે સ્વૈચ્છિક સેવા નિવૃતિ લીધી હોય, તો તે પણ આ સ્કીમમાં રોકાણ કરી શકે છે. ડિફેન્સ સેક્ટરમાં રિટાયર થનારા લોકો પણ આ સ્કીમમાં રોકાણ કરી શકે છે.
SCSS માં કેટલું રોકાણ કરી શકાય છે
સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમમાં 1 હજારથી લઈને 30 લાખ રુપિયા સુધીનું રોકાણ કરી શકાય છે. પહેલા આ રોકાણની લિમિટ 15 લાખ સુધી હતી, જેને હવે વધારવામાં આવી છે. જો તમે 1 લાખ રુપિયાથી ઓછું રોકાણ કરવા ઈચ્છો છો, તો રોકડ રકમ ચુકવીને ખાતું ખોલાવી શકો છો. પરંતુ 1 લાખ રુપિયાથી વધારે રકમ જમા કરાવવા માટે ચેક આપવો પડશે. તમે એકથી વધારે એકાઉન્ટ પણ ખોલાવી શકો છો, પરંતુ રોકાણની કુલ રકમ 30 લાખ રુપિયાથી વધારે ન થવી જોઈએ.
કેટલું મળે છે વ્યાજ
SCSSમાં 8.2 ટકાની દરે વ્યાજ મળે છે. જેમાં રોકાણની રકમ પાંચ વર્ષ પછી મેચ્યોર થાય છે. જે પછી ત્રણ વર્ષ માટે વધારી શકાય છે. જો તમે સ્કીમમાં 5 વર્ષ માટે 10 લાખ રુપિયાનું રોકાણ કરો છો, તો કુલ 14.28 લાખ રુપિયા મળશે. તેમા ઈન્કમ ટેક્સની કલમ 80C હેઠળ 1.5 લાખ રુપિયાના રોકાણ પર ટેક્સમાં છૂટ મળે છે.