Get The App

USAID તરફથી ભારતને અત્યાર સુધી રૂ. 1.5 લાખ કરોડનું ભંડોળ મળ્યું છે! જાણો કેટલી રકમનો ક્યાં ખર્ચ કરાયો છે

Updated: Feb 24th, 2025


Google NewsGoogle News
USAID તરફથી ભારતને અત્યાર સુધી રૂ. 1.5 લાખ કરોડનું ભંડોળ મળ્યું છે! જાણો કેટલી રકમનો ક્યાં ખર્ચ કરાયો છે 1 - image


How much USAID funding has India got? : વિદેશી રાષ્ટ્રોને નાણાંકીય સહાય આપતી અમેરિકન સરકારની એજન્સી USAID (યુએસ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડૅવલપમેન્ટ) દ્વારા ભારતને આપવામાં આવેલું ભંડોળ હાલ વિવાદનું કારણ બન્યું છે. તાજેતરમાં USAIDને તાળું મારી દેનાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, USAID દ્વારા ભારતને આપવામાં આવેલ 2.1 કરોડ ડૉલર(આશરે રૂ. 182 કરોડ)ના ભંડોળનો ઉપયોગ ભારતની ચૂંટણીમાં મતદારોને પ્રભાવિત કરવા માટે કરવામાં આવ્યો હતો. એમના આ નિવેદનના પગલે ભારતમાં રાજકીય વિવાદ શરુ થઈ ગયો છે. આ બાબતે ભારતના નાણાં મંત્રાલયના તાજેતરના વાર્ષિક અહેવાલમાં જણાવાયું છે કે, USAID દ્વારા ભારતને ક્યારે, કેટલું ભંડોળ આપવામાં આવ્યું હતું અને એ ક્યાં વપરાયું હતું.

કરોડો નહીં, અબજોનું ભંડોળ મળ્યું છે!

વર્ષ 2023-24માં USAID દ્વારા ભારતને 75 કરોડ અમેરિકન ડૉલર(લગભગ 6,500 કરોડ રૂપિયા)નું ભંડોળ આપવામાં આવ્યું હતું, જે અલગ-અલગ સાત પ્રોજેક્ટ માટે ખર્ચાયા હતા. 

ભંડોળ ક્યાં વપરાયું હતું?

નાણાં મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે જણાવ્યું છે કે, USAID દ્વારા ભારતને મળેલા ભંડોળનો ઉપયોગ કૃષિ, શિક્ષણ, આરોગ્ય (સેનિટાઈઝેશન અને હાઇજિન જાગૃતિ), ખાદ્ય સુરક્ષા, પાણી સ્વચ્છતા, ઊર્જા અને આપત્તિ વ્યવસ્થાપન સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટ્સ પર કરવામાં આવ્યો હતો. વધુમાં, વનીકરણ અને આબોહવા અનુકૂલન જેવા કાર્યક્રમો માટે પણ આ ભંડોળ વપરાયું હતું.

આ પણ વાંચો : અમેરિકામાં ટ્રમ્પે USAIDના 2000 કર્મચારીઓને કાઢી મૂક્યા, હજારોને રજા પર મોકલ્યાં

કયા વર્ષે કેટલું ભંડોળ મળ્યું?

અહેવાલમાં જાણવા મળ્યું છે કે, છેલ્લા ચાર વર્ષમાં USAID દ્વારા ભારતને 65 કરોડ ડૉલર (આશરે રૂ. 5,634 કરોડ) મળ્યા છે. વર્ષ 2001થી 2024 સુધીની ભારતને મળેલી સહાય 2.86 બિલિયન ડૉલર (લગભગ રૂ. 24,780 કરોડ) થઈ ગઈ છે.

  • વર્ષ 2020માં મળેલું ભંડોળ - 83 મિલિયન ડૉલર (રૂ. 719 કરોડ) 
  • વર્ષ 2022માં મળેલું ભંડોળ - 228.2 મિલિયન ડૉલર (રૂ. 1978 કરોડ)
  • વર્ષ 2023માં મળેલું ભંડોળ - 175.7 મિલિયન ડૉલર (રૂ. 1,523 કરોડ)
  • વર્ષ 2024માં મળેલું ભંડોળ - 150 મિલિયન ડૉલર (રૂ. 1,300 કરોડ)
  • તાજેતરના વર્ષોના આંકડા જોતાં ખ્યાલ આવે છે કે વર્ષ 2022માં ભારતને સૌથી વધુ નાણાકીય સહાય મળી હતી.

આ પણ વાંચો : ગીધોને લાશો, ડુક્કરને ગંદકી... જેણે મહાકુંભમાં જે શોધ્યું તેને તે મળ્યું’ યુપી વિધાનસભામાં યોગી

દાયકાઓ જૂની છે USAID સહાય 

USAID દ્વારા ભારતને અપાતી સહાય આજકાલની નહીં દાયકાઓ જૂની છે. એની શરુઆત છેક વર્ષ 1951માં થઈ હતી. ભારતમાં વિવિધ ક્ષેત્રોના 555થી વધુ પ્રોજેક્ટ્સ માટે આજ સુધીમાં USAID એ 17 બિલિયન અમેરિકન ડૉલર (લગભગ રૂ. 1.5 લાખ કરોડ) કરતાં વધુ ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે.

UPA કરતાં મોદી-રાજમાં થયો નોંધપાત્ર વધારો

UPAના શાસનમાં USAID દ્વારા ભારતને 2,114 મિલિયન ડૉલર (રૂ. 18,323 કરોડ) મળ્યું હતું. મોદી-રાજમાં એમાં નોંધપાત્ર વધારો થયો છે. મોદી-રાજમાં ભારતને USAID પાસેથી 2,579 મિલિયન ડૉલર (રૂ. 22,354 કરોડ)ની સહાય મળી છે.

આ પણ વાંચો : ફરી એક થશે ઠાકરે બંધુ? મુલાકાત બાદ અટકળો તેજ, ભાજપનું વધશે ટેન્શન

USAIDનું ભંડોળ ન મળે તો ભારતને કેવી અસર થશે?

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાનો વહીવટીખર્ચ ઘટાડવાના પગલાં રૂપે તાજેતરમાં USAIDની કામગીરી સદંતર બંધ કરી દીધી છે. USAIDનું ભંડોળ હવે ભારતને નહીં મળતાં એની અસર ભારતમાં ચોક્કસપણે થશે. સૌથી વધુ અસર હેલ્થકેર પ્રોજેક્ટ્સને થશે, કેમ કે છેલ્લા ચાર વર્ષમાં દેશને મળેલા USAIDના ભંડોળમાંથી બે તૃતિયાંશ હિસ્સો હેલ્થકેર સેક્ટરને ફાળવાયો હતો. આરોગ્ય ઉપરાંત, પર્યાવરણીય પ્રોજેક્ટ્સ અને ગવર્નન્સ ક્ષેત્રને સૌથી વધુ નુકસાન થવાની સંભાવના છે.


Google NewsGoogle News