સંસદમાંથી સસ્પેન્ડ થયા પછી સાંસદોની સેલેરીમાં કોઈ ફેર પડે?
જો કોઈ સરકારી અધિકારી સસ્પેન્ડ થાય છે તો સામાન્યરીતે તેને અડધો પગાર મળે છે
હાલ 141 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો શું તમને ખબર છે તેમને હવે કેટલો પગાર મળશે?
Suspended MPs Salary: સંસદના શિયાળુ સત્રમાં લોકસભામાં સુરક્ષા ભંગ કરનારા કેટલાક યુવકોની હરકત બાદ વિપક્ષી સાંસદોએ તેના પર પ્રશ્ન કરતા આ અંગે હોબાળો કર્યો હતો. જેથી આ બાબતને અશોભનીય માનતા લોકસભામાં વિપક્ષના વધુ 49 સાંસદ સસ્પેન્ડ તેમજ અત્યાર સુધી કુલ 141 સાંસદની હકાલપટ્ટી કરી છે. તેમને નિયમ 256 હેઠળ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં ઘણા મોટા નેતાઓના નામ છે. સામાન્ય રીતે જો કોઈ સરકારી અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવે તો તેને અડધો પગાર આપવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે સાંસદને સસ્પેન્ડ કરવામાં આવે તો તેને કેટલો પગાર મળે છે? ચાલો જાણીએ.
સાંસદોને મળે છે પૂરો પગાર
સામાન્યરીતે જો કોઈ સરકારી અધિકારી સસ્પેન્ડ થાય છે તો તેને અડધો પગાર મળે છે. પરંતુ આ નિયમ સાંસદોમાંને લાગુ પડતો નથી. સસ્પેન્શન પછી પણ સાંસદોને તેમનો પૂરો પગાર મળે છે. હાલમાં જ સંસદમાંથી સસ્પેન્ડ કરાયેલા તમામ 141 સાંસદોને તેમનો સંપૂર્ણ પગાર મળશે. પરતું માત્ર એટલો જ ફેર પડશે કે તેમને મળતા દૈનિક ભથ્થા બંધ થઇ જશે. જે લોકો સંસદના સત્ર દરમિયાન દરરોજ રજિસ્ટરમાં સહી કરે છે તેમને જ સાંસદ તરીકેના દૈનિક ભથ્થા મળે છે. આથી સસ્પેન્શન થતા સાંસદ સત્રમાં પ્રવેશ મેળવી શકશે નહિ. જેથી તેને દૈનિક ભથ્થાનો લાભ નહિ મળે.
સસ્પેન્શન અંગેના નિયમ શું છે?
લોકસભા અને રાજ્યસભાના સભ્યો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પણ નિયમો બનેલા છે. સસ્પેન્શનની કાર્યવાહી અંગેના નિયમો બંને ગૃહો દ્વારા નિયમ પુસ્તક દ્વારા સંચાલિત થાય છે. તેમજ બંધારણમાં પણ એવી જોગવાઈ છે કે સંસદમાં થતી કાર્યવાહી કોઈપણ અદાલત પ્રત્યે જવાબદાર નથી. તેમજ તેને કોર્ટમાં પડકારી શકાય નહીં. સાંસદોએ બંને ગૃહોના નિયમો અનુસાર વર્તવું પડશે. રાજ્યસભામાં નિયમ 255 હેઠળ અધ્યક્ષ સમગ્ર સત્ર માટે સભ્યોને સસ્પેન્ડ કરી શકે છે. જ્યારે નિયમ 256 હેઠળ સ્પીકર સાંસદને સત્રના બાકી સમય કરતાં વધુ સમય માટે સસ્પેન્ડ કરી શકે છે. લોકસભામાં નિયમ 374 હેઠળ, સસ્પેન્શન નિર્ધારિત સમયથી બાકીના સત્ર સુધી ચાલી શકે છે.